વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા ભારતભરમાં પ્રતિવર્ષ સપ્ટેમ્બર માસને પોષણ માહ તરીકે ઉજવવામાં આવે છે જેમાં વિવિધ પોષણલક્ષી કાર્યક્રમો દેશભરમાં યોજાઈ રહ્યાં છે.
તાજેતરમાં ગાંધીનગર ખાતેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય મહિલા અને બાળ કલ્યાણ મંત્રી અન્નપૂર્ણા દેવીએ પોષણ માહ ૨૦૨૪નો દેશવ્યાપી પ્રારંભ કરાવ્યો છે. રાજ્યના મહિલા બાળકલ્યાણ મંત્રી ભાનુબેન બાબરીયાના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં કુપોષણને નાથવા માટે નોંધપાત્ર પ્રયાસો અને પહેલો હાથ ધરવામાં આવી છે. રાજય સરકારે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા બાળકો અને મહિલાઓના પોષણમાં સુધારો કરવા અને કુપોષણ ઘટાડવાના હેતુથી અનેકવિધ નવતર પહેલો હાથ ધરી છે. મહિલા અને બાળ વિકાસ વિભાગ, આરોગ્ય વિભાગ, સામુદાયિક ભાગીદારી એમ બહુવિધ આયામો દ્વારા કુપોષણ નિવારવા માટે સરકાર દ્વારા સક્રીય પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા ૨૦૨૧ માં શરૂ કરાયેલ પોષણ ટ્રેકર એપ્લિકેશન આંગણવાડી કેન્દ્રો અને પોષણ ટ્રેકરનું સ્ટેટ ડેશબોર્ડથી રિયલ ટાઇમ મોનિટરિંગ કરવામાં આવે છે, જેનાથી વૃદ્ધિની દેખરેખ અને પૂરક પોષણ વિતરણનું નિરીક્ષણ કરવામાં આવે છે. પોષણ અભિયાન અંતર્ગત પોષણ સંબંધિત સૂચકાંકો પર ડેટા જનરેટ કરવા માટે કેન્દ્રીય પ્લેટફોર્મ પોષણ ટ્રેકરનો ઉપયોગ કરે છે. જેમાં ઓછું વજન, દૂબળાપણું અને ઠીંગણાપણું, પૂરક પોષણનું વિતરણ, ગૃહ મુલાકાતો અને સમુદાય આધારિત કાર્યક્રમોની કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા નિયમિતપણે સમીક્ષા કરવામાં આવે છે.