(૧) જિંદગી બડી હોની ચાહિએ યા લંબી ?
જીગર આહીર (દાત્રાણા-પાટણ )
તમારે કેવી રાખવી છે ઇ કયોને!
(૨) આપણું મન દેખાતું નથી પણ એને જોવું હોય તો?
ધવલભાઈ પાનવાળા (રાજકોટ)
છોકરાનું નામ ચીમન રાખો!
(૩) નિંદક નિયરે રાખિયે…..આ દોહરારૂપી કહેવતનો જો અત્યારે અમલ કરવામાં આવે તો?
કનુભાઈ લિંબાસિયા ‘કનવર’ (ચિત્તલ હાલ કેનેડા)
સાચું કહેજો, મારી જેમ તમને પણ આ આખો દોહરો આવડતો નથીને?!
(૪) ધીરજવાન માણસ કોને કહેવાય?
જય દવે (ભાવનગર)
અંદર ગયા પછી ઇ-કેવાયસી કરીને જ બહાર નીકળે એવા પુરુષને ધીરજવાન જાણવો!
(૫) કૂતરાઓ શા માટે ઝગડે છે?
ડાહ્યાભાઈ આદ્ગોજા (લીલિયા મોટા)
આપણી નકલ.
(૬) તમારી સફળતા પાછળ સ્ત્રીનો હાથ છે?
ડા.પી. એન.દવે (સુરત)
હાશ, તમે એ તો સ્વીકાર્યું કે હું સફળ છું!
(૭) સોનાના આભૂષણોની જેમ સાચા – ખોટા માણસોને ચકાસવાની લેબ. પણ હોય તો?
કનુભાઈ પરમાર (દામનગર)
તમે એવી લેબ. નાખો.
(૮) શિયાળામાં કેટલી વાર ન્હાવું જોઇએ?
નિધિ પાંડોર (બાયડ)
ઉનાળા કરતાં એકવાર ઓછું!
(૯) હાસ્યલેખકની જગ્યાએ હાસ્યકલાકાર કેમ ન બન્યા?
હરપાલસિંહ સોલંકી (કંબોઇ ચાણસ્મા)
વાહ, તમે આ બન્ને વચ્ચેનો તફાવત તો જાણો છો. ઘણાંને આ બેય એક જ લાગે છે.
(૧૦) વિધાનસભાના તારાંકિત પ્રશ્નોના જવાબ આપવાનું તમારે શિરે આવે તો?
સરદારખાન મલેક (મહેસાણા)
હું એ દિવસે હાજર ન રહું!
(૧૧) તમે ટીવી ક્યારે જુઓ?
ઉન્નતિ મહેતા (રાજકોટ)
બંધ હોય ત્યારે.
(૧૨) સો સાલ પહેલે મુજે તુમ સે પ્યાર થા, આજ ભી હૈ.. ત્યાં સુધી બરાબર પણ કલ ભી રહેગા એ કેમ માનવું?
મગનભાઈ પટેલ (સુરત)
સ્ટેમ્પ પેપર પર લખાવી લો અને બે સાક્ષીની સહી લઇ લ્યો.
(૧૩) મારે કાર પાછળ કૂતરા કેમ દોડે છે એ સંશોધન કરવું છે. તમે કઈ રીતે મદદ કરશો?
દર્શન પટેલ (વડોદરા)
હું કૂતરાં પૂરા પાડીશ. તમે માત્ર કાર લઈ લ્યો.
(૧૪) ઠંડી લાગે ત્યારે દાંત કેમ ધ્રુજતા હશે ?
હાફીઝ રિયાઝ સેલોત (રાજુલા)
પહેલા દાંત પર આક્રમણ કરીને ઠંડી ચેતવણી આપે છે કે ગોદડું ઓઢી લો નહિતર આખેઆખા ધ્રુજાવી દઈશ.
(૧૫) શિયાળામાં આઠેય દિવસ નહાવું જરૂરી છે?
જયશ્રીબેન બી. મહેતા (કોટડાપીઠા)
ના, પણ આઠ દિવસે એકવાર નહાવું તો જરૂરી છે.
નોંધ.. આપના હાસ્યરસિક પ્રશ્નો આપના અને ગામનાં નામ સાથે વોટ્સએપ નં. ૯૫૭૪૩૭૪૪૫૩ પર મોકલો..