ખાંભા તાલુકાના ડેડાણ ગામે એક યુવક પર જુના મનદુઃખમાં કુહાડી વડે હુમલો કરાયો હતો. જેને લઈ તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નીપજ્યું હતું. દિવાળીના બે દિવસ પહેલા જ યુવકનું મોત થતાં પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. આ બનાવ અંગે ડેડાણ ગામના શૈલેષભાઇ જીણાભાઇ બાંભણીયા (ઉ.વ.૩૩)એ તેમના જ ગામના જયંતીભાઇ રાજાભાઇ ભાલીયા સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ શૈલેષભાઈના દાદીમા રાધાબેન બિમાર હોવાથી તેમની સારવાર મુદ્દે મરણજનાર મુકેશભાઈ તથા આરોપી જયંતીભાઈ વચ્ચે અગાઉ બોલાચાલી થઈ હતી. જેનું મનદુઃખ રાખી મુકેશભાઈ પર માથામાં કુહાડા વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. જેને લઈ તેમને સારવાર અર્થે રાજુલા, મહુવા, ભાવનગર અને છેલ્લે અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. ખાંભા પોલીસ સ્ટેશનના સબ ઈન્સ્પેક્ટર વાય.પી.ગોહિલ વધુ તપાસ કરી રહ્યા છે.