તમિલનાડુના કુન્નુરમાં સૈન્ય હેલિકોપ્ટર દુર્ઘટનાની તપાસ આગામી બે સપ્તાહમાં પૂર્ણ થવાની સંભાવના છે. સરકારી સૂત્રોએ આ માહિતી આપી છે. આ દુર્ઘટનામાં સીડીએસ બિપિન રાવત અને તેમની પત્ની અને સેનાના ૧૨ જવાન શહીદ થયા હતા. આ અકસ્માતે સમગ્ર દેશને હચમચાવી દીધો હતો. દુર્ઘટના બાદ સરકારે તેની ત્રણ પક્ષીય તપાસના આદેશ આપ્યા હતા. બાદમાં અકસ્માતમાં બચી ગયેલા ગ્રુપ કેપ્ટન વરુણ સિંહનું પણ સારવાર દરમિયાન મોત થયું હતું.
આ ઘટનાની તપાસ ભારતીય વાયુસેનાના અધિકારી અને દેશના શ્રેષ્ઠ હેલિકોપ્ટર પાયલટ, ભારતીય સેના અને ભારતીય નૌકાદળના બ્રિગેડિયર રેન્કના અધિકારી એર માર્શલ માનવેન્દ્ર સિંહ દ્વારા કરવામાં આવી રહી છે. ઘટનાના પ્રત્યક્ષદર્શીઓના નિવેદનો નોંધવામાં આવી રહ્યા છે જેઓ તમિલનાડુ નીલગીરીમાં અકસ્માત સ્થળની નજીક હાજર હતા. સરકારના ટોચના સૂત્રોએ જણાવ્યું હતું કે તપાસ ટીમ આગામી બે અઠવાડિયામાં તેની તપાસ પૂર્ણ કરે તેવી અપેક્ષા છે.અકસ્માતના બીજો જ દિવસથી તપાસ ટીમે પોતાનું કામ શરૂ કરી દીધું હતું. સૂત્રએ કહ્યું કે તપાસ ટીમે પ્રત્યક્ષદર્શીઓના નિવેદનો નોંધવાનું શરૂ કરી દીધું છે પરંતુ તેમાંથી કેટલાકે પોતાનું નિવેદન બદલી નાખ્યું છે.
૮મી ડિસેમ્બરના રોજ અકસ્માત થયો ત્યારથી આ અકસ્માત પાછળ સોશિયલ મીડિયા પર ષડયંત્ર અને અન્ય અટકળો ચાલી રહી છે. શુક્રવારે વાયુસેનાએ એક ટિવટ પર કહ્યું હતું કે આ દુઃખદ હેલિકોપ્ટર દુર્ઘટનાની તપાસ માટે ટ્રાઇ-સર્વિસ કોર્ટ આૅફ ઇન્ક્‌વાયરીની રચના કરવામાં આવી છે. તપાસ ઝડપી ગતિએ ચાલી રહી છે અને વહેલી તકે અકસ્માત પાછળનું કારણ શોધવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યાં સુધી લોકો કોઈપણ પ્રકારની અટકળોથી દૂર રહે તે યોગ્ય રહેશે. તે અકસ્માતના ભોગ બનેલાઓને શ્રદ્ધાંજલિ હશે.
તપાસ ટીમે હેલિકોપ્ટરના બ્લેક બોક્સની પણ તપાસ શરૂ કરી હતી. આ માટે બેંગ્લોર અને દિલ્હીના ટેકનિકલ અધિકારીઓની મદદ લેવામાં આવી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે બ્લેક બોક્સ ખૂબ જ સુરક્ષિત સ્થિતિમાં મળી આવ્યું હતું અને તમામ ફ્લાઈટ ડેટા અને પાઈલટ અને એટીસી વચ્ચેની વાતચીતના રેકોર્ડ સુરક્ષિત છે.