રાજયમંત્રી કૌશિકભાઈ વેકરીયા, સાંસદ ભરતભાઈ સુતરીયાની હાજરીમાં

કુંકાવાવ-વડીયા તાલુકાના ૪૫ ગામડાઓમાં એકસાથે જળસંચય અભિયાનનો શંખનાદ કરવામાં આવ્યો છે. આ મહત્વપૂર્ણ અભિયાનના પ્રારંભે આયોજિત સરપંચ સંમેલનમાં રાજ્યના ઊર્જા મંત્રી કૌશિકભાઈ વેકરીયા અને સાંસદ ભરતભાઈ સુતરીયા ઉપસ્થિત રહ્યા હતા. મંત્રીએ અમરેલી વિધાનસભાના તમામ ગામડાઓમાં જળસંચયના કાર્યોને ગતિ આપીને વિકાસની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. તેમણે ગ્રામજનોને તળાવ ઊંડા ઉતારવાની કામગીરી પર સતત દેખરેખ રાખવા આગ્રહ કર્યો હતો.બરવાળા બાવીસી મુકામે ૫૫ લાખના ખર્ચે નવા ગ્રામ પંચાયત ભવન અને તળાવના રીનોવેશન સહિતના ૧૧ વિકાસકામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. સાથે જ ૩૫ લાખના ખર્ચે તૈયાર થયેલ રોડ-રસ્તા અને પાણીની ટાંકીના વાલ હેડ યુનિટ જેવા ૧૨ પ્રકલ્પોનું લોકાર્પણ થયું છે. વધુમાં, જળસંચયને વેગ આપવા માટે ૬૦ લાખના ખર્ચે બે તળાવના રીનોવેશનની જાહેરાત કરવામાં આવી છે. બરવાળા બાવીસી મુકામે આયોજિત સરપંચ સંમેલન અને વિવિધ વિકાસકામોના ખાતમુહૂર્ત ,લોકાર્પણ પ્રસંગે તાલુકા પંચાયત હોદ્દેદારો, ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખ દિલીપભાઈ સખીયા, વિવિધ ગામના સરપંચો, સ્થાનિક આગેવાનો, બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, કુંકાવાવ-વડીયાના ૪૫ ગામડાઓમાં તળાવ ઉંડા ઉતારવાની કામગીરી અને જળ સંચય અભિયાન માટે અંદાજે રૂ. ૭ કરોડથી વધુની રકમનો ખર્ચ થશે. આ કામગીરી રાજકોટ સ્થિત શ્રી ગીરગંગા પરિવાર ટ્રસ્ટ સાથે સંયુક્ત સહકારથી કરવામાં આવશે. કુલ ૬૦ દિવસ સુધી દરરોજ કુલ ૧૦ કલાક હીટાચી મશીન ચલાવવામાં આવશે અને તળાવો ઉંડા ઉતારવામાં આવશે.