કુંકાવાવની સબ પોસ્ટ ઓફિસમાં સ્ટાફની અછતથી લોકો પરેશાન થઈ રહ્યા છે. આ પોસ્ટ ઓફિસમાં એક પોસ્ટ માસ્તર અને બે કલાર્કની જગ્યા છે, પરંતુ ઘણા સમયથી એક જ વ્યક્તિ દ્વારા પોસ્ટ ઓફિસનું સંચાલન કરવામાં આવે છે. એક કલાર્કને દસ દિવસ માટે બીજી પોસ્ટ ઓફિસમાં ડેપ્યુટેશન પર મોકલવામાં આવેલ છે, તેથી સ્થાનિક લોકોના કામ અટકી ગયા છે. કાઉન્ટર પર લાંબી લાઇનો લાગે છે છતાં કોઇ ફરજ બજાવવા આવતું નથી. આ સ્થિતિમાં લોકો પરેશાન થઇ રહ્યા છે. દર સોમવાર, મંગળવાર અને બુધવારે સર્વર ડાઉન છે તેવું જણાવી બોર્ડ મુકવામાં આવે છે, તેથી લોકોના કામ થતાં નથી. આથી તંત્ર દ્વારા તાત્કાલિક સ્ટાફની વ્યવસ્થા કરવા માટે સ્થાનિક લોકોએ માગણી કરી છે.