અમરેલી જિલ્લાના કુંકાવાવમાં પુરપાટ સ્પીડમાં આવી રહેલું ધાણા ભરેલું કન્ટેન્ટર પલ્ટી મારી જતા બે રાહદારી કન્ટેનરની નીચે દબાઈ ગયા હતા. જેઓને ૩ જેસીબી દ્વારા અડધી કલાક મહેનત બાદ બહાર કાઢવામાં આવ્યાં હતા. મળતી વિગતો મુજબ વડિયા-કુંકાવાવ બસ સ્ટેન્ડ નજીકની ગોળાઈ પર ગત રાત્રે અકસ્માતની ઘટના બની હતી. જેમાં ગોંડલ તરફથી રાજુલા તરફ ધાણા ભરેલું કન્ટેનર જઈ રહ્યું હતું. તે દરમિયાન ગોળાઈ પર કાબૂ ગુમાવતા કન્ટેનર પલ્ટી ખાઈ જતા વિજયભાઈ સોલંકી(રહે.કુંકાવાવ) અને બિનિતાબેન ડુંગરભાઈ બાંભનીયા(મું.ખાંભા પીપળીયા) દબાયા હતા. આ ઘટનાને લઈ સરપંચ, તલાટી મંત્રી સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ત્યારબાદ ૩ જેટલા જેસીબીની મદદથી રાહદારીઓને બહાર કઢાયા હતા. તેઓને પગના ભાગે ગંભીર ઈજા થતા ઈજાગ્રસ્ત હાલતમાં પ્રથમ કુંકાવાવ હોસ્પિટલમાં ખસેડાયા હતા બાદમાં વધુ સારવાર માટે રાજકોટ ખાતે રીફર કરાયા છે. ઘટનાને પગલે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.