અમરેલીના કુંકાવાવ તાલુકાના લુણીધાર ગામ ખાતે આમ આદમી પાર્ટીએ એક જંગી જાહેર સભાનું આયોજન કર્યું હતું. સભામાં લુણીધાર અને આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં યુવાનો, વડીલો અને ગ્રામજનો ઉમટી પડ્‌યા હતા, જેઓ મોટી સંખ્યામાં પાર્ટી સાથે જોડાયા હતા. પીપળેશ્વર મહાદેવ મંદિરના પરિસરમાં યોજાયેલી આ સભામાં આમ આદમી પાર્ટીના કાર્યકરોએ યુવાનોને ખાસ સંદેશ આપતાં કહ્યું કે, “નવયુવાનોએ સત્ય અને સમાજના કામ માટે બોલવું જોઈએ, નહિતર સરકારી કામો અને વિકાસની પ્રવૃત્તિઓ સારી રીતે થઈ શકશે નહીં.” કાર્યકરોએ આગામી ચૂંટણીઓમાં અમરેલી, કુંકાવાવ અને વડીયા સહિતના તમામ તાલુકાઓમાં આમ આદમી પાર્ટી વિજય મેળવશે તેવી આશા વ્યક્ત કરી હતી. સભાના અંતે, લુણીધાર અને આજુબાજુના ગામોના અનેક યુવાનોએ વિધિવત રીતે આમ આદમી પાર્ટીનું સભ્યપદ સ્વીકાર્યું હતું.