કુંકાવાવ તાલુકાના સનાળા ગામ અંતર્ગત આવેલા કોલડા ગામના સુપ્રસિદ્ધ કોલવા ભગતના મંદિરે જેઠ સુદ પૂનમના પવિત્ર દિવસે ભવ્ય ધજા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શુભ પ્રસંગે સંતો-મહંતોના વરદ હસ્તે અખંડ ચેતન ધૂણો પ્રાગટ્ય કરવામાં આવ્યો હતો. ધજાના દાતા પરસોત્તમભાઈ ઠુંમર, રાજેશભાઈ ઠુમર, ધુપીલકુમાર ઠુંમર અને હેતકુમાર ઠુંમરના ઘરેથી વિધિવત પૂજન કરીને કોલડા ગામમાં ધજા સાથે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ શોભાયાત્રામાં કોલડા ગામ તેમજ આજુબાજુના ગામોમાંથી મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા. વાજતે-ગાજતે નીકળેલી આ શોભાયાત્રા બાદ સંત કોલવા ભગતના મંદિરે બાવન ગજની ધજા ચઢાવવામાં આવી હતી. ભાવિક ભક્તો દ્વારા સાધુ-સંતોના ધામધૂમથી સામૈયા પણ કરવામાં આવ્યા હતા. રાજાધિરાજ જગતગુરુ દ્વારકાધીશ પ્રભુની અખંડ જ્યોત સ્વરૂપે કોલેશ્વર ધામ કોલડામાં બિરાજમાન છે. કોલવા યુવક મંડળ કોલડા ટ્રસ્ટ દ્વારા દર પૂનમે બાવન ગજની ધજા ચડાવવામાં આવે છે અને નાના બાળકોને બટુકભોજન પણ કરાવવામાં આવે છે. દૂર દૂરથી ધર્મપ્રેમી ભાવિક ભક્તો દર પૂનમ ભરવા તેમજ અખંડ જ્યોતના દર્શન કરવા માટે કોલડા ધામે આવે છે.