(૧)અંગ્રેજી શબ્દ FUTURE ને ફૂટુરેને બદલે ફ્યૂચર કેમ કહેવામાં આવે છે?.
યોગેશભાઈ આર જોશી (હાલોલ)
દ્ગટ્ઠેંિીને નાટુરેને બદલે નેચર કહેવામાં આવે છે એની દેખાદેખી.. બીજું શું?!
(૨)ઈશ્વરમાં શ્રધ્ધા રાખવી, ગુરુમાં શ્રધ્ધા રાખવી કે પડોશીમાં શ્રધ્ધા રાખવી?
દર્શિત વોરા ક્ષિતિજ (ગાંધીનગર)
આનો જવાબ મેળવતા પહેલા આપે મારામાં શ્રધ્ધા રાખવી પડશે.
(૩)સાહેબ..! સમજણ વગરનું શું નાં કરાય..?
ધોરાજીયા કેવિન ઘનશ્યામ (સાજણટીંબા હાલ કેનેડા)
સવાલ.
(૪)બધી સત્તાનો પાવર ખુરશીમાં જ કેમ હોય?
ધોરાજીયા ઘનશ્યામ એન. (સાજણટીંબા)
ખુરશી મળે પછી કહું.
(૫) પરીક્ષાની શોધ કોણે કરી?
ધોરાજીયા ચંદ્રકાન્ત એન. (સાજણટીંબા)
ઉત્તરવહી છાપવાવાળાએ.
(૬)અમે એક કાર્યક્રમ ગોઠવવા માંગીએ છીએ.તમે એમાં ચીફ ગેસ્ટ તરીકે પધારશો?
જય દવે (ભાવનગર)
ના, મને મોડા પડતા નથી આવડતું!
(૭)મંડપ નીચે પાવરફુલ જમ્બો એરકુલર ગોઠવ્યા અને જમવા થર્મોકોલની ડીશમાં આપ્યું; શું કરવું ?
કનુભાઈ પરમાર (દામનગર)
જમ્બો એરકુલર પાછળ બેસી ને જમો.
(૮) તમારી પાસે કેરીના બગીચા છે કે નહિ? અમારે તમારી પાસેથી કેરી ખરીદવી છે.
રાજુ એન. જોષી (ધરાઈ બાલમુકુંદ)
કેરીના બગીચા હોય તો આ જવાબ આપવાની પળોજણમાં શું કામ પડું?
(૯)અઠવાડિયામાં આઠ વાર કેમ નથી હોતા?
કમલેશભાઈ મકવાણા (બોડેલી)
પગારદાર કર્મચારીઓને કારણે. આઠ વારનું અઠવાડીયુ કરવામાં આવે તો ૩૪ જેટલા દિવસનો મહિનો થાય. પગાર મોડો આવે તો કર્મચારીઓ વિરોધ કરે!
(૧૦)કીડી બધીય સાથે મળીને કેમ ચાલે છે?
હરેશભાઈ મકનભાઈ કાવઠિયા (નવા ઉજળા)
મંકોડાઓને સંપનું ઉદાહરણ પૂરું પાડવા.
(૧૧)મારે મોક્ષ જોઈતો નથી તો મારે કઈ વિધિ કરવી પડે? સલાહ આપશો . બાલુભાઈ કિકાણી (લીલીયા મોટા)
સાદા કાગળ પર બાહેંધરી લખી નાખો કે હું મોક્ષ પરનો મારો અધિકાર જતો કરું છું અને ભવિષ્યમાં ક્યારેય મોક્ષ પર મારો દાવો રજૂ નહી કરું!
(૧૨)ટીવી સિરિયલમાં એપિસોડના અંતમાં એવું કેમ બતાવે છે કે બીજા દિવસે જોવી જ પડે છે?
જીગર યાદવ (ગુરુ) (દાત્રાણા-પાટણ)
એવું ન બતાવે તો સીરિયલ બંધ પડી જાય અને નિર્માતાને માથે દેવું થઈ જાય.
(૧૩)કોગળા નામ કેમ પડ્યું હશે?
રમાબેન પટેલ (અમદાવાદ)
ગળાને કોરું કરવા માટે આખો ઉદ્યમ આદર્યો હોવાને લીધે.
(૧૪)તમારે ત્યાં ગરમીની કેવી અસર છે?
નીરવ ડણાંક (અમરેલી)
ફ્રીઝમાં પાણીએ ઠંડુ થવાની ના પાડી દીધી એવી.
(૧૫)ખાડી યુધ્ધને લીધે આપણને શું ફરક પડ્યો?
ધવલભાઈ પાનવાળા (રાજકોટ)
આપણું ધ્યાન ખાડા પરથી ખાડી પર જતું રહ્યું.
નોંધ.. આપના હાસ્યરસિક પ્રશ્નો આપના અને ગામનાં નામ સાથે વોટ્સએપ નં. ૯૫૭૪૩૭૪૪૫૩ પર મોકલો..










































