‘આ પાંદડા પર બેસી જાઉં તો નદીના પાણીમાં હિલોળા લેવાની મજ્જા પડી જાય.’ – નદીના વહેતા પાણીમાં તણાતા પાંદડાને જોઈ કીડીએ વિચાર્યું.
નદીકિનારે એક ઝાડ. એના થડની નજીક એક કીડીયારું. એમાં ઘણી બધી કીડીઓ રહે. કીડીઓનો સ્વભાવ જ એવો કે જરાય જંપીને બેસે નહિ. આમતેમ ફર્યા કરવું એ જ એમનું કામ. એક વખત એક કીડીએ નદીમાં તણાતાં પાંદડાને જોયું અને એને પાંદડામાંથી હોડી બનાવવાનો વિચાર આવ્યો. પછી એણે એક સુંદર મજાનું પાંદડું શોધી કાઢ્યું. એણે પોતાના સાથીદારોને આ વાત કરી. સૌને આ વાત ખૂબ ગમી. બધાં ભેગાં મળી પાંદડામાંથી હોડી બનાવવા લાગ્યાં.
કીડીઓની આ બધી મથામણ એક વડીલ કીડી જોઈ રહી હતી. એણે પૂછ્યું, ‘તમે આ શું કરી રહ્યાં છે.’
‘અમે પાંદડામાંથી હોડી બનાવી રહ્યાં છીએ. જેમાં બેસી અમે નદીમાં ફરવા જઈશું.’ – બધી કીડીઓ એકસાથે બોલી ઊઠી.
‘મારું માનો તો મારી તમને એક સલાહ છે.’
‘હા… હા… કહો… કહો… તમે કહો એ અમારા કામનું ને લાભનું જ હશે.’
‘જુઓ, પાંદડું ખૂબ જ હલકું હોય. કદાચ નદીના પ્રવાહમાં એ તૂટી જાય કે ડૂબી જાય તો તમે મુશ્કેલીમાં મૂકાઈ જશો ને ડૂબી જશો.’
‘હં…’ – બધી કીડીઓ વિચારમાં પડી. એમણે તરત વડીલ કીડીને ઉપાય પૂછ્યો.
‘જાવ, તમે એક નારિયેળની કાછલી શોધી કાઢો. તે ઘણી મજબૂત હોય છે. એમાંથી હોડી બનાવવી ખુબ સરળ પડશે. એમાં એક સઢ પણ બનાવજો. જે તમને નદીના પાણીમાં હોડી હંકારવામાં મદદરૂપ થશે.’
વડીલ કીડીની વાત કીડીઓના ગળે ઊતરી. તે બધી તરત કાછલી શોધવા નીકળી પડી. જોતજોતામાં તેઓ કાછલી લઈને આવી ગઈ. બધાએ ભેગા મળી વડીલ કીડીની સલાહ મુજબ સરસ મજાની હોડી તૈયાર કરી દીધી.
કીડીઓમાં ઘણો રોમાંચ હતો. આખરે નદીમાં ફરવાનું તેમનું સ્વપ્ન પૂરું થવાનું હતું. વડીલ કીડીએ સૌ કીડીઓને સુંદર હોડી તૈયાર કરવા બદલ અભિનંદન આપ્યા.
એક સવારે સૌ કીડીઓ પોતાની હોડીમાં સફર કરવા તૈયાર થઈ ગઈ. તેમણે જરૂરી તૈયારી કરી લીધી હતી. હોડીને પાણીમાં મૂકી સૌ તેમાં બેસી ગયાં. ધીમેધીમે હોડી પાણીમાં સરકવા ને તરવા લાગી. સઢમાં પવન ભરાતાં હોડીએ વધુ ગતિ પકડી. કીડીઓ ખુશખુશાલ હતી.
પાણીમાં ફરતી માછલીઓ અને હિલોળા લેતા પાણીમાં છબછબિયાં કરતાં તેઓ આગળ વધી રહ્યાં હતાં. વળાંકો લેતી નદી ને ઊછળકૂદ કરતા પાણીમાં તેઓ ગજબનો રોમાંચ અનુભવી રહ્યાં હતાં. આગળનો પડાવ થોડો મુશ્કેલ હતો. આગળ એક ઊંચા પહાડ પરથી નદી નીચે જતી હતી. આ ધોધમાંથી હેમખેમ પસાર થવું ખરેખર એક પડકાર હતો.
ધીમેધીમે હોડીની ગતિ વધી રહી હતી. સૌ આ પડકારને ઝીલવા તૈયાર હતાં. સૌએ સઢના દોરડાને બરાબર પકડી લીધું. સૌએ હિંમત એકઠી કરી. એટલામાં તીવ્ર ગતિથી હોડી પાણીના પ્રવાહમાં ખેંચાઈ ને ઊંચા પહાડ પરથી પાણીના પ્રચંડ પ્રવાહમાં તણાઈ. બધી કીડીઓએ ઘડીક ડર અનુભવ્યો. પાણીના પ્રચંડ વેગમાં હાલકડોલક કરતી એમની હોડી પાણી સાથે નીચે પટકાઈ. પણ એમની તૈયારી ને ધીરજ થકી હોડી આ ધોધમાંથી હેમખેમ પસાર થઈ ગઈ. કીડીઓ માટે આ એક રોમાંચક ને યાદગાર અનુભવ હતો. તેઓ ખુબ ફર્યા, આનંદ કર્યો. ધીમેધીમે સૂર્યાસ્ત થઈ રહ્યો હતો. સૌએ પોતાની સફર પુરી કરવાનું નક્કી કર્યું અને સૌ પાછાં ફર્યાં. Mo ૯૦૯૯૧૭૨૧૭૭