એક દિવસ ગજ્જુ હાથી નદી કિનારે મસ્ત મજાના ઘસઘસાટ નસકોરાં બોલાવતો હતો – ‘ઘુર્રર્ર… ફસસસ… ઘુર્રર્ર… ફસસસ!’
એની લાંબી સૂંઢ તો રસ્તા પર પથરાઈને પડી હતી. એટલામાં ત્યાંથી નટખટ કીટ્ટુ કીડી પસાર થઈ. કીટ્ટુએ જોયું તો એને થયું, ‘અરે! આ ગજ્જુભાઈની સૂંઢ તો કેવી લાંબીલચ! લપસણી ખાવાની મજા પડી જાય – ‘સરરરપ સરરરપ’
કીટ્ટુ તો એના ઝીણા ઝીણા પગે ચડી ગજ્જુની સૂંઢના છેડે. એણે ઉપરથી નીચે જોયું અને બોલી— ‘રેડી… સ્ટેડી… એન્ડ ગો…!’ સરરરરરરર… કરતી કીટ્ટુ લપસી! પણ વચ્ચે આવ્યું ગજ્જુનું મોટું નસકોરું! કીટ્ટુ તો ત્યાં જઈને અટકી ગઈ. કીટ્ટુએ વિચાર્યું, ‘આ રસ્તો તો પોચો પોચો છે, પણ અહીંથી પવન કેમ ફૂંકાય છે?’
કીટ્ટુએ કુતૂહલવશ ગજ્જુના નસકોરામાં ડોકિયું કર્યું. ત્યાં જ ગજ્જુને ગલીપચી થઈ! ગજ્જુની સૂંઢ ફફડી – ‘ફરરર… ફરરર!’ કીટ્ટુ હસીને બોલી, “ઓહો! આ લપસણી તો ડાન્સ પણ કરે છે!’
ગજ્જુ હાથીને તો ઊંઘમાં એમ થયું કે નાક પર કોઈ મચ્છર બેઠું છે. એણે જોરથી હવા ભરી અને પછી…
‘હાં… હાં… હાં… છીંઈઈઈઈઈઈઈઈઈ!’
એવો જોરદાર ફટાકડો ફૂટ્યો કે કીટ્ટુ કીડી તો સૂંઢ પરથી ઊછળીને સીધી હવામાં! કીટ્ટુ તો આકાશમાં ગોથાં ખાવા લાગી – ‘બચાવો… બચાવો… અરે, હું તો પ્લેન બની ગઈ!’ પણ નસીબજોગે, કીટ્ટુ સીધી જઈને પડી ગજ્જુ હાથીના મોટા સૂપડા જેવા કાનમાં! કાનમાં તો અંધારું ઘોર. કીટ્ટુને થયું, ‘અરે, લપસણી ખાતા ખાતા હું તો ગુફામાં આવી ગઈ!’
કીટ્ટુએ તો કાનની અંદર ચાલવાનું શરૂ કર્યું. ગજ્જુ હાથી તો હવે જાગી ગયો હતો. એને કાનમાં એવી ગલીપચી થઈ કે એ તો એક પગે નાચવા માંડ્યો! ‘ઓઈ મા… ઓઈ મા… મમ્મી રે…!’ ગજ્જુ તો કૂદવા લાગ્યો. જંગલના વાંદરાઓ ઝાડ પરથી આ બધું જોતા અને વિચારતા હતા – ‘અરે! આ ગજ્જુ હાથી આજે સવાર સવારમાં કેમ ડાન્સ કરે છે?’
ગજ્જુએ એનો કાન જોરથી ફફડાવ્યો – ‘ફડ-ફડ… ફડ-ફડ!’
કીટ્ટુ કીડી તો કાનમાંથી લપસીને સીધી ગજ્જુની આંખ સામે લટકી ગઈ.
ગજ્જુએ કીટ્ટુને જોઈને પૂછ્યું, ‘એ નાનકી! તેં તો મારા કાનમાં ડી.જે. વગાડ્યું કે શું?’ કીટ્ટુ ખડખડાટ હસીને બોલી, ‘ગજ્જુ ભાઈ, તમારી લપસણી તો બહુ ડેન્જર છે! મને તો રાકેટ બનાવીને ઉડાડી દીધી!’ ગજ્જુ પણ હસવા લાગ્યો – ‘હો… હો… હો…!’
પછી તો ગજ્જુએ સૂંઢમાં પાણી ભર્યું અને કીટ્ટુ માટે ‘વોટર-પાર્ક’ બનાવ્યો. ગજ્જુ સૂંઢમાંથી પાણી ઊડાડે અને કીટ્ટુ એ પાણીના ફુવારામાં નાચે, કૂદે ને ન્હાય! આ જોઈ જંગલનાં બધાં પ્રાણીઓ ગાવા લાગ્યાં:
‘ગજ્જુની સૂંઢ, કીટ્ટુની મોજ,
લપસણી ખાવા મળે છે રોજ!
હાથી હસે, કીડી નાચે,
બંને પાક્કા ભાઈબંધ સાચે!’
ર્સ્ ૯૦૯૯૧૭૨૧૭૭











































