કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ ર૦૧૯ માં દેશના ખેડૂતોને સહાય કરવા માટે કિસાન સન્માન નિધિ યોજના લાગુ કરવામાં આવી હતી. પરંતુ તેમાં લોલંલોલ હોવાના સમાચાર અવારનવાર સાંભળવા મળે છે. પરંતુ અમરેલી જિલ્લામાં તો આ અંગે લાલીયાવાડીએ હદ વટાવી છે. અમરેલી જિલ્લામાં તો કર્મચારીઓ અને અધિકારીઓની બેદરકારીથી કિસાનોને પાંચ પાંચ વર્ષથી આ યોજનાના હપ્તા મળ્યા નથી જેથી કિસાનોમાં વ્યાપક રોષ જાવા મળી રહ્યો છે અને આ અંગે તાકીદે કાર્યવાહી કરવા અમરેલી જિલ્લા કિસાન સંઘ દ્વારા મુખ્યમંત્રી સહિતને રજૂઆત કરવામાં આવી છે. અમરેલી જિલ્લાના તમામ તાલુકા કક્ષાના ખેડૂતોને છેલ્લા પાંચ વર્ષથી કિસાન સન્માન નિધિ યોજના અન્વયે રકમ ન મળતા અમરેલી જિલ્લા કિસાન સંઘ દ્વારા મુખ્યમંત્રીથી લઈ જિલ્લા કલેકટરને પત્ર પાઠવી આ અંગે સત્વરે કાર્યવાહી કરવા તાકીદ કરવામાં આવી છે. પત્રમાં જણાવાયુ છે કે, વર્ષ ર૦૧૯માં કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરાયેલ આ યોજના અન્વયે શરૂઆતમાં કિસાનોને ર કે ૩ હપ્તા નિયમિત મળ્યા હતા પરંતુ ત્યારબાદ છેલ્લા પાંચ વર્ષથી નિધિની રકમ લાઠીના ખેડૂતોને તાલુકા તલાટી મંત્રીઓની બેદરકારીના કારણે જ મળેલ નથી. ખેડૂતોએ સરકારની ગાઈડલાઈન મુજબ તમામ જરૂરી પ્રક્રિયા કરી હતી. પરંતુ તલાટી મંત્રીઓ દ્વારા બેદરકારી દાખવવામાં આવતા ખેડૂતોને તેમના હકની રકમ જમા થઈ નથી. આ બાબતે ખેડૂતોએ ધારાસભ્ય જનકભાઈ તળાવીયાના કાર્યાલયે જિલ્લા ખેતીવાડી અધિકારીનો સંપર્ક કરતા તેમણે જવાબ આપ્યો કે જે તે વખતે સિટી તલાટી મંત્રીઓએ કામગીરી કરી નથી માટે ૭ તારીખની ચૂંટણી પછી જિલ્લા કલેકટરને રૂબરૂ મળો. આવી જ રીતે ગ્રામસેવક, તલાટી મંત્રી અને ખેતીવાડી શાખાના લાઠીના અધિકારીઓ દ્વારા પણ ‘ઓનલાઈન બધું બરાબર છે ઉપર મળો’ તેવા જવાબ આપવામાં આવ્યા હતા. આમ એકબીજાને ખો આપતા કર્મચારીઓ અને અધિકારીઓની લાલીયાવાડીથી ભોગવવાનું તો ખેડૂતોને જ આવ્યુ છે.
જે બાબતે અમરેલી જિલ્લા કિસાન સંઘના પ્રમુખ વસંતભાઈ ભંડેરી, જિલ્લાના મંત્રી સહિત દ્વારા મુખ્યમંત્રી, રાજયસભા સાંસદ સહિતનાને યોગ્ય કાર્યવાહી સત્વરે કરવા તાકીદનો પત્ર પાઠવ્યો છે.