આહાર અને પોષણ સાથે સંકળાયેલા તબીબોની ભલામણ મુજબ શરીરની તંદુરસ્તી માટે પુખ્ત ઉંમરના વ્યક્તિએ દરરોજ પોતાનાં ખોરાકમાં ૩૦૦ ગ્રામ તાજા અને સારી ગુણવત્તાવાળા લીલા શાકભાજી લેવા જોઇએ, હાલમાં બજારમાં મળતા મોટા ભાગના શાકભાજીમાં રસાયણયુકત ખાતરો, ઝેરી જંતુનાશક દવાઓના અવશેષો કે ગટરના પાણીના ઝેરી ક્ષારો હોવાની શકયતાઓ રહેલ છે. જેને લઇને આવા દૂષિત
આભાર – નિહારીકા રવિયા શાકભાજી ખાવાથી આપણા શરીરની તંદુરસ્તીને લાંબે ગાળે વિપરીત અસર થાય છે જેથી આપણે આપણા ઘર આંગણે શાકભાજી ઉછેરવા જોઇએ.
તેથી જો દરેક મહિલાઓ ઘરઆંગણે કે અગાશી (ટેરેસ ગાર્ડન) ઉપર સજીવ ખેતીથી શાકભાજીનો ઉછેર કરે અને જો આ શાકભાજીનો રોજીંદા આહારમાં ઉપયોગ કરે તો કુટુંબના દરેક સભ્યોનું સ્વાથ્ય સારું રહી શકે છે.
કિચન ગાર્ડન માટે વાડો કે છૂટી જગ્યા જ હોવી જરૂરી નથી. પણ તમે તમારા ફલેટની બારીઓ પર અથવા બાલ્કનીમાં અથવા અગાસી ઉપર તમારો કિચન ગાર્ડન બનાવી શકો છો. ફૂદીનો, તુલસી, લીલી ચા (લેમન-ગ્રાસ), મીઠો લીમડો, રીંગણ, મરચા વગેરેને કુંડામાં વાવીને તાજી વનસ્પતિનો લાભ તમે મેળવી શકો છો. જો વાડો કે છૂટી જગ્યા હોય તો તો તમે ગમે તે શાકભાજી વાવી શકો છો. આ કામ માટે વધારે સમય, નાણાં કે મહેનતની જરૂર નથી. ઓછી મહેનતે તમે તાજા શાકભાજી મેળવી શકો છો.
ઘર આંગણે શાકભાજી ઉગાડવાના ફાયદાઓ ઃ
૧. તાજા અને તંદુરસ્ત શાકભાજી ઇચ્છાનુસાર ગમે ત્યારે મેળવી શકાય છે.
૨. બજારમાં મળતા મોંઘા શાકભાજીનો ખર્ચ ઘટાડી શકાય છે.
૩. ઘર આંગણે તૈયાર કરેલ શાકભાજીમાં જંતુનાશક દવાઓના અવશેષ વગરના અને કુદરતી સેંન્દ્રિય ખાતરોના ઉપયોગવાળા ઓર્ગેનિક શાકભાજી મેળવી શકાય છે.
૪. ફાજલ સમયમાં બગીચામાં કાર્ય કરી શારીરિક વ્યાયામ મેળવી શરીર તંદુરસ્ત રાખી શકાય છે .
૫. ઘર આંગણાના બગીચામાં વિવિધ પ્રકારના શાકભાજીની વાવણી કરવાથી ઘરની શોભામાં વધારો થાય છે / સ્વચ્છતા જળવાય છે.
૬. ઘર આંગણે બાળકો વિવિધ ફૂલ, છોડ, પાકની ઓળખ, ખેતી પધ્ધતિ અને ઉપયોગીતાની માહિતી પ્રત્યક્ષ નિહાળી / મેળવી શકે છે.
૭. ઘરના નકામા વહેતા પાણીનો બગીચામાં સદ્‌ઉપયોગ થતાં પ્રદૂષણના પ્રશ્નો નિવારી તંદુરસ્તી કેળવી શકાય છે.
શાકભાજી કે ફુલછોડ બરાબર ઉછરતા ન હોવાના કારણો ઃ
ઘણી મહેનત કરવા છતાં ઘર આંગણે શાકભાજી કે ફુલછોડ બરાબર ઉછરતા ન હોય તો તેના ઘણા કારણો હોઇ શકે, તે પૈકી જમીન અગત્યનો મુદ્દો છે તેમજ જે તે શાકભાજી પાકોની ખેતી પધ્ધતિ અંગે પુરતી માહિતી ન હોય તો પણ સફળતા મળતી નથી. આ માટે ઘણા બધા મુદાઓ ધ્યાનમાં રાખવા અતિ આવશ્યક છે.
ઘર આંગણે શાકભાજી ઉગાડવા માટેના અગત્યના મુદાઓ ઃ
• હવામાન, ઋતુ અને વિસ્તાર પ્રમાણેના શાકભાજી પાકના વાવેતર માટેની પસંદગી કરવી.
• ઘર આંગણાની જગ્યાએ દિવસ દરમ્યાન પૂરતા પ્રમાણમાં સૂર્યપ્રકાશ હોવો ખાસ આવશ્યક છે.
• શાકભાજી પાક માટે ઘરઆંગણાની જગ્યા અનુસાર ખરીફ, રવી અને ઉનાળુ પાકની પસંદગી કરવી હિતાવહ છે.
• રીંગણી, મરચી, ટામેટી, કોબીજ, ફલાવર, ડુંગળી જેવા પાકોનું ધરુઉછેર કરી કયારામાં રોપણી કરવી જોઇએ.
• ટીંડોળા ( ઘીલોડા ), પરવળ જેવા પાક માટે આંગણાના ખૂણાંમા મંડપ બનાવી એકાદ બે થાણામાં રોપણી કરી ઉછેર કરવો.
• વેલાવાળા શાકભાજી (દૂધી, ગલકા, તુરીયા ) પાકોને ઝાડ પર, અગાશી કે ફેન્સીંગની ધારે જરૂરિયાત મુજબ રોપણી કરી ઉછેરવા.
• છાંયાયુકત જગ્યામાં અળવી, ધાણા, મેથી, ફૂદીનો, પાલક, આદુ જેવા પાક લેવા જોઇએ.
• ઘર આંગણાના બાગમાં ખૂણામાં નાનો કમ્પોસ્ટ પીટ ( ખાતર માટેનો ખાડો ) બનાવવો, જેથી બાગનો કચરો, ઘાસ અને પાંદડા તેમાં નાખી ખાતર બનાવી શકાય.
• આ ઉપરાંત વધુ જગ્યા હોય તો ગાર્ડનમાં પપૈયા, મીઠો લીમડો, સરગવો, લીંબુ, કેળ જેવા પાકના એકાદ છોડનું પણ આયોજન થઇ શકે છે.
• જરુરિયાત મુજબ ખેડ, ખાતર, પાણી અને પાક સંરક્ષણના પગલાં લેવા જરૂરી છે. (ક્રમશઃ)