એક જંગલમાં કાગડો અને કોયલ એક મોટા ઝાડ પર રહેતા હતા. બન્ને સારા મિત્રો હતા, પણ તેમનો સ્વભાવ અને અવાજ સાવ જુદા હતા. કાગડાનો અવાજ કર્કશ અને કઠોર હતો, જ્યારે કોયલનો અવાજ મીઠો અને મધુર હતો. કાગડાનું કા… કા… કા… સૌને કર્કશ લાગતું, જયારે કોયલનું કુહૂ… કુહૂ… કુહૂ… સૌનાં મન મોહી લેતું. આખાય જંગલમાં સૌને કોયલનું મીઠું ને મધુર ગીત સાંભળવું ખૂબ ગમતું. એને કોયલની જેમ મીઠું બોલવાની અને ગાવાની ઈચ્છા થઈ.
એક દિવસ કાગડાએ કોયલને કહ્યું, “મને પણ તારા જેવા મીઠા ને મધુર ગીત ગાવા છે. જો હું તારા જેવું સુંદર ગીત ગાઈ શકું, તો લોકો મારી પણ પ્રશંસા કરે. મને મીઠું મીઠું ગાતા શીખવો ને!” આ સાંભળી કોયલને થોડું અચરજ થયું. છતાં તે હસીને બોલી, “કાગડાભાઈ, મીઠું મીઠું ગાવું જરાય સહેલું નથી. તમારે ઘણી જ મહેનત કરવી પડશે.”
આ સાંભળી કાગડો રાજીરાજી થઈ ગયો ને ઉત્સાહભેર બોલ્યો, “કોયલબેન, હું મહેનત કરવા તૈયાર છું. હું મીઠા ગીતડા ગાતા જરૂર શીખીશ. તમે મને શીખવાડો તો ખરાં! હું પણ એક દિવસ મધુર અવાજથી જરૂર ગાઈશ ને સૌને મારો મીઠો કંઠ ગમશે.” કાગડાની ઈચ્છાશક્તિ જોઈ કોયલ મહેનત કરવા તૈયાર થઈ ગઈ.
પછી શરૂ થઈ કાગડાની ગાવાનું શીખવાની તાલીમ. કોયલ હોંશભેર શીખવતી ને કાગડો હરખભેર શીખતો. કોયલ જેમ શીખવે તેમ કાગડો શીખતો. કાગડો બધી રીતે કોયલની નકલ કરવાનો પ્રયત્ન કરતો. પણ તેનો કર્કશ અવાજ કદી મીઠો ન બની શક્યો. તે ખૂબ મહેનત કરતો પણ તેની મહેનત એળે જતી હોય તેવું તેને લાગ્યું. ધીમેધીમે તે નિરાશ થવા લાગ્યો.
સમય જતાં એકવાર જંગલમાં મોરના નૃત્યનો મોટો ઉત્સવ યોજાયો. જેમાં ઘણાં પક્ષીઓ ભેગા થયા. આ ઉત્સવમાં કોયલને ગાવાનું આમંત્રણ મળ્યું હતું. પક્ષીગણમાં કોયલના મીઠાં ને મધુર ગીત સાંભળવાની ઉત્સુકતા હતી.
કોયલના ગીતના તાલે મોરનું નૃત્ય શરૂ થયું. મોર અને કોયલે સૌનાં દિલ જીત્યા. કાગડો આ બધું જોતો રહ્યો. આ જોઈ તેને ઘણું બધું સમજાઈ ગયું હતું. હજી પણ તેનો અવાજ પહેલાંની જેમ જ હતો. ઉત્સવ પૂરો થતાં જ કાગડો ચૂપચાપ બેસી ગયો. એણે મનોમન સ્વીકાર્યું કે, ‘મારે કોયલની જેમ ગાવાની જરૂર નથી. મારી પાસે પણ મારો આગવો અવાજ, સૌંદર્ય ને કૌશલ્ય છે. મારે મારા અવાજને પણ માન આપવું જ જોઈએ.’
પછી કાગડો આનંદથી રહેવા લાગ્યો. જંગલમાં ઊડતો ને સૌ પક્ષીઓ સાથે આનંદથી વાતો કરતો ને રમતો. આ જોઈ કોયલ અને બીજા પક્ષીઓ ખુશ ખુશ થઈ ગયા.
Mo ૯૦૯૯૧૭૨૧૭૭