જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા એજન્સીઓએ પાકિસ્તાનના આતંકીઓની લિસ્ટ તૈયાર કરી છે. કાશ્મીર ઘાટીમાં હાજર ૩૮ પાકિસ્તાની આતંકીઓ સુરક્ષા એજન્સીઓના નિશાના પર છે. સુત્રોના જણાવ્યા અનુસાર જમ્મૂ કાશ્મીરમાં છુપાયેલા પાકિસ્તાની આતંકીઓની આ યાદી તૈયાર કરી લેવાઇ છે. અને હવે તેમને શોધી કાઢવા કે ખાતમા માટે ઓપરેશન શરૂ કરાશે.
દરમિયાન શ્રીનગરમાં આતંકીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો જેમાં એક પોલીસ જવાન ઘાયલ થયો હતો. સુરક્ષા એજન્સીઓના જણાવ્યા અનુસાર આ આતંકીઓમાંથી ચાર શ્રીનગરમાં, ત્રણ કુલગામમાં, ૧૦ પુલવામામાં, ૧૦ બારામુલ્લામાં, અને ૧૧ આતંકીઓ કાશ્મીરના અલગ અલગ વિસ્તારોમાં છુપાયા છે. આતંકીઓ કાશ્મીરમાં માહોલ ખરાબ કરવાના પ્રયાસો કરી રહ્યા છે.
આતંકીઓ સુરક્ષા એજન્સીઓના લોકોની સાથે આમ નાગરિકોને પણ નિશાન બનાવી રહ્યા છે. ખાસ કરીને હિન્દુ અને શીખોને નિશાન બનાવીને એક પ્રકારના ડરનો માહોલ પેદા કરી રહ્યા છે. પાકિસ્તાન હાલ માત્ર આતંકીઓ જ નહીં ડ્રગ્સ પણ કાશ્મીરમાં ઘુસાડી રહ્યું છે. ખાસ કરીને હેરોઇન ઘુસાડવાનું પ્રમાણ વધી રહ્યું છે. પાકિસ્તાન મુળ કાશ્મીરી યુવાઓને ડ્રગ્સના રવાડે ચડાવવા માગે છે.
એવામાં નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે પાકિસ્તાનની ડ્રગ્સ તસ્કરીનો ભોગ અને કાશ્મીરી યુવાઓ બની શકે છે. નિષ્ણાતોનો દાવો છે કે જો આમ જ ચાલ્યું તો કાશ્મીરની યુવા પેઢી ડ્રગ્સમાં જ ખતમ થઇ જશે. જમ્મુ કાશ્મીરના પોલીસ વડા દીલબાગસિંહે પણ આ મુદ્દે પાકિસ્તાનને આડેહાથ લીધુ હતું.
તેમણે કહ્યું હતું કે પંજોબમાં પાકિસ્તાન જે ગંદી રમત રમી રહ્યું છે તેનો જ ઉપયોગ હવે તે કાશ્મીરમાં કરી રહ્યું છે. દિલબાગસિંહે કહ્યું હતું કે કાશ્મીરની એક પેઢી ઘર્ષણમાં ખપી ગઇ છે જ્યારે બીજી પેઢી ડ્રગ્સમાં ખપી જોય તેવી શક્યતાઓ છે.