FILE PHOTO: A worker stands on a temple rooftop adjacent to the Gyanvapi Mosque in the northern city of Varanasi, India, December 12, 2021. REUTERS/Pawan Kumar/File Photo

કાશી વિવાદનો અંત પણ અયોધ્યા જેવો આવશે ?
વારાણસીની જિલ્લા કોર્ટે ૩૧ જાન્યુઆરીના રોજ આપેલા ચુકાદાને લાગુ કરીને જ્ઞાનવાપી મસ્જિદ સંકુલમાં આવેલા વ્યાસ ભોંયરામાં પૂજા-અર્ચના શરૂ કરાતાં આ સવાલ પૂછાવો સ્વાભાવિક છે. અયોધ્યાના ભગવાન શ્રી રામ મંદિરમાં પણ આ રીતે પૂજાની મંજૂરી મળી એ પછી જ અયોધ્યા આંદોલન ઉગ્ર બન્યું અને હિંદુઓને સોંપવાનો તખ્તો તૈયાર થયો.
કાશી વિવાદમાં પણ એ પહેલું પગલું ભરાયું છે. યોગાનુયોગ ૩૮ વર્ષ પહેલા ૧૯૮૬માં ૧ ફેબ્રુઆરીએ જ અયોધ્યાની બાબરી મસ્જિદનું તાળું ખોલવામાં આવ્યું હતું. જ્ઞાનવાપી મસ્જિદમાં પણ ૧ ફેબ્રુઆરીથી જ પૂજા શરૂ કરાઈ છે. કોર્ટના આદેશ પ્રમાણે ‘વ્યાસ કા તહખાના’ તરીકે ઓળખાતા વ્યાસ ભોંયરામાં જવાનો રસ્તો બનાવવામાં આવ્યો છે. અત્યારે શ્રદ્ધાળુઓને ભોંયરામાં જવાની મંજૂરી નથી અપાઈ પણ વ્યાસ પરિવાર રોજ પૂજા કરી શકે છે.
વારાણસીની કોર્ટે વારાણસીના જ્ઞાનવાપી મસ્જિદના ભોંયરામાં હિંદુઓને પૂજાનો અધિકાર આપ્યો તેના મૂળમાં આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા (એએસઆઈ)નો રીપોર્ટ છે.
વારાણસીના જ્ઞાનવાપી મસ્જિદ પરિસરમાં સર્વે પછી ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (એએસઆઈ)એ રીપોર્ટ આપ્યો છે કે, હાલમાં મસ્જિદ આવેલી છે તેના નિર્માણ પહેલાં આ સ્થળે એક મંદિર હતું. વારાણસી જિલ્લા કોર્ટે ૨૦૨૩માં જુલાઈમાં એએસઆઈને મસ્જિદ પરિસરનો સર્વે કરવાનો આદેશ આપ્યો પછી એએસઆઈ દ્વારા વૈજ્ઞાનિક અધ્યયન-સર્વે, વાસ્તુશિલ્પ અવશેષો, કળાકૃતિઓ, શિલાલેખો, કળા અને મૂર્તિઓનું અધ્યયન કરાયું. તેના આધારે એવું તારણ કઢાયું છે કે, મસ્જિદ બનાવવામાં આવી એ પહેલાં ત્યાં એક મંદિર હતું.
એએસઆઈને મંદિરની દીવાલો પર ભગવાન મહાદેવનાં લખેલાં નામ મળ્યાં છે. મંદિરની દીવાલો પર ભગવાન શિવનાં ત્રણ નામ જનાર્દન, રુદ્ર અને ઓમેશ્વર લખેલાં મળી આવ્યા છે. મસ્જિદના તમામ સ્તંભો મંદિરના છે કે જેમાં ફેરફાર કરીને ફરીથી ઉપયોગમાં લેવાયા હતા. સુશોભિત કમાનોના નીચેના છેડે કોતરવામાં આવેલી પ્રાણીઓની આકૃતિઓ વિકૃત થઈ ગયેલી મળી આવી છે. જ્ઞાનવાપીની દીવાલો અને પથ્થર પર ૪ ભાષામા લખાણ મળ્યાં છે. દેવનાગરી, કન્નડ, તેલુગુ અને ગ્રંથ ભાષાનાં સૂત્ર દીવાલો પર લખાયેલાં મળ્યાં છે. આ ભાષાઓ મુસ્લિમોની નહોતી એ કહેવાની જરૂર નથી.
એએસઆઈના રીપોર્ટ પ્રમાણે, મસ્જિદમાં ઇબાદત માટે પૂર્વ ભાગમાં ભંડકિયાં બનાવવામાં આવ્યાં હતાં. મસ્જિદમાં ચબૂતરા બનાવાયેલા તથા બીજી તોડફોડ કરીને વધુ જગ્યા કરવામાં આવી હતી કે જેથી વધુમાં વધુ લોકો નમાજ પઢી શકે. ભંડકિયું બનાવવા માટે મંદિરના સ્તંભોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. એક ભંડકિયામાં વપરાયેલા સ્તંભ પર ઘંટડી, દીવો રાખવાની જગ્યા અને સંવતના શિલાલેખ મોજૂદ છે. બીજા ભંડકિયામાં માટી નીચે દટાયેલી હિંદુ દેવી-દેવતાઓની મૂર્તિઓ પણ મળી આવી છે. મંદિરનું માળખું તોડી પાડવામાં આવ્યું પછી કેટલાક ભાગોમાં ફેરફાર કરવામાં આવ્યા હતા. મંદિર હોવાની ખબર ના પડે એટલે ફેરફારોને પ્લાસ્ટર અને ચૂના વડે છુપાવી દેવાયા હતા. એએસઆઈએ પ્લાસ્ટર અને ચૂનાને દૂર કરતાં આ પુરાવા મળ્યા છે. અયોધ્યામાં પણ એએસઆઈને આ પ્રકારના પુરાવા મળ્યા હતા. તેના આધારે કોર્ટે અયોધ્યાની રામ જન્મભૂમિ હિંદુઓને સોંપી દીધી. કાશીમાં પણ એવું બની શકે.
વારાણસીનું મંદિર કોણે તોડ્‌યું ?
મોગલ બાદશાહ ઔરંગઝેબના ફરમાનથી કાશીનું મંદિર તોડાયું હોવાના ઐતિહાસિક પુરાવા છે. હિંદુ પક્ષકારોના દાવા પ્રમાણે કાશીમાં ભગવાન વિશ્વેશ્વરનું મંદિર આજથી લગભગ ૨૦૫૦ વર્ષ પહેલાં ઉજ્જૈનના રાજા વિક્રમાદિત્યે બનાવ્યું હતું. મંદિરના સ્થાને પૌરાણિક કાળથી ભગવાન શિવનું સ્વંયભૂ જ્યાતિર્લિંગ ઉપસ્થિત હતું કે જે ભગવાન વિશ્વેશ્વરના નામથી લોકપ્રિય હતું. ભારતમાં મુસ્લિમ શાસકોના શાસનકાળથી પણ પહેલાં બનેલું આ જ્યાતિર્લિંગ દેશભરમાં ફેલાયેલાં ૧૨ જ્યોર્તિલિંગમાંથી સૌથી પવિત્ર મનાય છે.
આદિ વિશ્વેશ્વર મંદિરને ઔરંગઝેબના સમયમાં તોડી પાડીને તેની ઉપર જ્ઞાનવાપી મસ્જિદનું બનાવાવામાં આવ્યું હતું તેનો ઉલ્લેખ ઔરંગઝેબના શાસનના પ્રમાણિત ઈતિહાસ તરીકે માન્યતાપ્રાપ્ત સાકી મુસ્તાદખાનને લખેલા પુસ્તક ‘માસિર-એ-આલમગીર’માં છે. મુસ્તાકખાને ‘માસિર-એ-આલમગીર’માં લખ્યું છે કે, ૧૮ એપ્રિલ ૧૬૬૯ના રોજ સમ્રાટ ઔરંગઝેબને ખોટી માહિતી પહોંચી હતી કે થટ્ટા, મુલતાન અને બનારસમાં કેટલાક બ્રાહ્મણ હિંદુઓ તથા મુસલમાનોને પણ શેતાની વિદ્યા ભણાવે છે. આ માહિતી મળતાં સમ્રાટ ઔરંગઝેબે કાફીરોનાં આવાં વિદ્યાલયો અને મંદિરોને તોડી પાડવા આદેશ આપ્યો હતો. ઔરંગઝેબે અધિકારીઓને મૂર્તિપૂજા સંપૂર્ણપણે બંધ કરાવી દેવા કહ્યું હતું. ૧૮મી રબી-ઉલ-આખિરના રોજ બાદશાહ ઔરંગઝેબેના આદેશનું પાલન કરીને કેટલાક શાહી અમલદારોના જ્ઞાનવાપી પરિસરમાં બનેલા ભગવાન વિશ્વેશ્વરના મંદિરને આંશિક રીતે નષ્ટ કરી દીધું હતું. કાશી વિશ્વનાથ એટલે કે વિશ્વેશ્વર મંદિરના વિધ્વંશની આ ઘટનાઓનો ઉલ્લેખ ‘એશિયાટિક સોસાયટી આૅફ બંગાલ’ દ્વારા ૧૮૭૧માં અરબી ભાષામાં છપાયેલા ‘માસિર-એ-આલમગીર’ પુસ્તકમાં કરવામાં આવ્યો છે.
અંગ્રેજ ઈતિહાસકારો હિંદુઓના દાવાને સાચો ગણાવે છે. ઈતિહાસવિદ જેમ્સ પ્રિન્સેપે ૧૮૨૨માં મસ્જિદની પાછળની દીવાલનો ‘વિશ્વેશ્વર મંદિર’ તરીકે ઉલ્લેખ કર્યો હતો. ૧૮૨૪માં બ્રિટિશ પ્રવાસી રેગિનાલ્ડ હેબરે લખ્યું કે, ઔરંગઝેબે મંદિર તોડીને મસ્જિદ બનાવી હતી. તેમના મતે, હિંદુઓ માટે આ સ્થળ પાસેના કાશી વિશ્વનાથ મંદિર કરતાં પણ વધારે પવિત્ર છે. ૧૮૬૮માં એમ.એ. શેરિંગે લખેલું કે, જ્ઞાનવાપી મસ્જિદમાં મંદિરના અવશેષ હજુ દેખાય છે.
મુસ્લિમોનો દાવો છે કે, અકબરે ૧૫૭૦માં મસ્જિદનો પાયો નાંખ્યો પણ જીવતે જીવ મસ્જિદ પૂરી ના કરી શક્યો. જહાંગીરને મસ્જિદ બનાવવામાં રસ નહોતો બતાવ્યો પણ શાહજહાંએ ૧૬૩૮-૩૯માં મસ્જિદનું બાંધકામ પૂરું કરાવ્યું. શાહજહાંએ મસ્જિદની પાસે ઈમામ-એ-શરીફ નામે મદરસાનું બનાવવાનું કામ શરૂ કરાવ્યું હતું. શાહજહાંના પુત્ર આલમગીર ઉર્ફે ઔરંગઝેબે આ મદરેસાનું બાંધકામ પૂરું કરાવ્યું હતું.
મુસ્લિમો પ્લેસિસ ઓફ વર્શિપ એક્ટનો પણ હવાલો આપે છે. તેમનું કહેવું છે કે, મુસ્લિમો માટે ૩૦૦ વર્ષ, ૭૦૦ વર્ષ કે ૧૫૦૦ વર્ષના ઇતિહાસનો મતલબ નથી. અમારા માટે ૧૫ આૅગસ્ટ, ૧૯૪૭ મહત્વની છે કે જેનો પ્લેસિસ ઓફ વર્શિપ એક્ટમાં ઉલ્લેખ છે.
મોદી સરકાર પ્લેસિસ ઓફ વર્શિપ એક્ટ નાબૂદ કરશે ?
જ્ઞાનવાપી મસ્જિદ જ નહીં પણ હિંદુ ધર્મસ્થાન તોડી બનાવાયેલી કોઈ પણ મસ્જિદને હિંદુઓને સોંપવામાં પ્લેસિસ ઓફ વર્શિપ એક્ટ, ૧૯૯૧ સૌથી મોટો અવરોધ છે. આ કારણે જ્ઞાનવાપી હોય કે બીજા કોઈ પણ મંદિર-મસ્જિદનો વિવાદ હોય, કાનૂની જંગમાં કાયદો મુસ્લિમોની તરફેણમાં છે.
કોંગ્રેસની નરસિંહરાવ સરકારે રામ જન્મભૂમિ સિવાયનાં તમામ ધાર્મિક સ્થળોને લગતા વિવાદોમાં યથાસ્થિતિ જાળવી રાખવા કાયદો બનાવ્યો હતો. ૧૯૪૭માં દેશ આઝાદ થયો ત્યારે દરેક ધર્મસ્થળ જે સ્થિતિમાં હતા તે એ જ સ્થિતિમાં રાખવાની જોગવાઈ આ કાયદા હેઠળ કરાઈ છે.
નરસિંહ રાવ સરકારે ૧૯૯૧માં પ્લેસિસ ઓફ વર્શિપ એક્ટ બનાવ્યો તેનો ઉદ્દેશ દેશમાં ધર્મસ્થાનોને લગતા નવા વિવાદ રોકવાનો હતો. અયોધ્યા રામ જન્મભૂમિ આંદોલન ઉગ્ર બની ચૂક્યું હતું. ‘યે તો અભી ઝાંકી હૈ, કાશી મથુરા બાકી હૈ’ જેવા નારા હવામાં હતા તેથી બીજાં ધર્મસ્થાનોને મુક્ત કરાવવાનાં આંદોલનો થશે એ પણ નક્કી હતું. દેશમાં હજારો હિંદુ ધર્મસ્થાનો તોડીને મસ્જિદો બનાવાઈ છે એ સ્પષ્ટ હતું તેથી આ આંદોલનો ઉગ્ર બને તો મસ્જિદો હિંદુઓને સોંપવી પડે અને તેના કારણે મુસ્લિમો નારાજ થાય. મુસ્લિમ તુષ્ટિકરણમાં માનતી કોંગ્રેસ મુસ્લિમોને નારાજ કરવા નહોતી માગતી એટલે નરસિંહરાવ સરકાર આ કાયદો લઈ આવી.
આ કાયદા પ્રમાણે, અયોધ્યાની બાબરી મસ્જિદ સિવાય દેશના કોઈ પણ અન્ય ધર્મસ્થાન કે કોઈ પણ પૂજા સ્થળ પર અન્ય ધર્મના લોકો દાવો નહીં કરી શકે કે તેમના દાવાને સ્વીકાર કરવામાં આવશે નહીં. દેશની આઝાદીના દિવસે એટલે કે ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ના દિવસે દેશનાં તમામ ધર્મસ્થળો, ધાર્મિક માળખાં કે પૂજા સ્થળ જે સ્વરૂપમાં અને જેની પાસે હશે તેની પાસે જ રહેશે, તેના પર અન્ય ધર્મના લોકો દાવો કરી શકશે નહીં. ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ના રોજ ધાર્મિક સ્થળ જે સંપ્રદાય કે ધર્મનું હશે તેની પાસે આજે અને ભવિષ્યમાં પણ રહેશે આ કાયદો અયોધ્યાની બાબરી મસ્જિદને લાગુ નહોતો પડવાનો કેમ કે આ વિવાદ આઝાદી પહેલાથી કોર્ટમાં હતો. અયોધ્યા વિવાદમાં હિંદુઓની તરફેણમાં ચુકાદો આવ્યો કેમ કે અયોધ્યાને આ કાયદો લાગુ પડતો નથી. જ્ઞાનવાપી મસ્જિદને આ કાયદા હેઠળ સુરક્ષા મળે છે તેથી સુપ્રીમ કોર્ટમાં હિંદુઓની વિરૂધ્ધમાં ચુકાદો આવી શકે છે. આ સંજોગોમાં મોદી સરકાર કાયદો બદલીને મસ્જિદ હિંદુઓને સોંપવાની જોગવાઈ કરી શકે છે. મોદી સરકાર સંસદમાં કાયદો લાવીને આ આખો કાયદો નાબૂદ કરે તો તમામ ધર્મસ્થાનો પર હિંદુઓ દાવો કરી શકે. બીજો વિકલ્પ વર્શિપ એક્ટમાંથી કાશી, મથુરા સહિતનાં ચોક્કસ ધર્મસ્થાનોને બહાર રાખવાનો છે. રાજકીય રીતે આ પગલું ભાજપના ફાયદામાં છે.
ભાજપ વર્શિપ એક્ટ નાબૂદ કરે તો ભાજપ મજબૂત થાય, હિંદુવાદ પ્રબળ બને. પરિણામે ભાજપને સત્તામાંથી હટાવવાનું અશક્ય થઈ જાય. સામે આંતરરાષ્ટ્રીય સ્તરે થોડો કકળાટ પણ થાય પણ ભાજપને થનારો રાજકીય ફાયદો બહુ મોટો છે એ જોતાં મોદી સરકારે આ હિંમત બતાવી દેવી જોઈએ.