લગભગ ચાર વર્ષના લાંબા ગાળા બાદ કાળા મરીના ભાવ ફરી એક વખત ૫૦૦ રૂપિયા પ્રતિ કિલોની ઉપર પહોંચી ગયા છે. નિષ્ણાંતોનું કહેવું છે કે આ વર્ષની તહેવારોની સિઝન અને કોરોના પ્રતિબંધ હળવા થવાને કારણે કાળા મરીની માંગમાં વધારો થયો છે, જેના કારણે ભાવમાં પણ તેજી આવી છે. જોણકારોનું કહેવું છે કે આ વર્ષની તહેવારોની સિઝનની શરૂઆત સાથે જ કાળા મરીના ભાવ વધવા લાગ્યા છે.
છેલ્લા એક સપ્તાહમાં કાળા મરીના ભાવમાં લગભગ ૫ ટકાનો વધારો થયો છે અને ભાવ ૫૧૧ રૂપિયા પ્રતિ કિલો પર પહોંચ્યા છે. વેપારીઓ અને નિકાસકારો અપેક્ષા રાખે છે કે આવતા વર્ષની શરૂઆતમાં લણણીની સિઝન સુધી ભાવ ઊંચા રહેશે.
જણાવી દઈએ કે કાળા મરીની લણણીની સિઝન ડિસેમ્બરમાં શરૂ થાય છે જે માર્ચ સુધી ચાલે છે. એવું માનવામાં આવે છે કે આવતા વર્ષે ખરાબ હવામાનના કારણે પાકની ઉપજ પર અસર થવાના સમાચારને કારણે મરીના ભાવમાં પણ વધારો થઈ રહ્યો છે. એક મસાલા કંપનીએ જણાવ્યું હતું કે કેટરર્સ, હોટલ અને લગ્ન-પાર્ટીમાંથી કાળા મરીની ઘણી માંગ છે. કંપનીનું કહેવું છે કે ખાસ કરીને હરિયાણા, ગુજરાત અને રાજસ્થાનમાં તેની માંગ વધી છે.
અન્ય મરી ઉત્પાદક દેશોથી વિપરીત, ભારતમાં ઉગાડવામાં આવતા મરીના ભાવ મોટાભાગે સ્થાનિક માંગ દ્વારા નક્કી કરવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય બજોરોમાં કાળા મરીના ભાવ જૂનથી વધી રહ્યા છે કારણ કે તેના સૌથી મોટા ઉત્પાદક વિયેતનામમાં ઉત્પાદનમાં ઘટાડો થયો છે અને ચીને તેની ખરીદી વધારી છે.
રિપોર્ટ્‌સ અનુસાર વિયેતનામ, ઈન્ડોનેશિયા અને બ્રાઝિલમાં મરીના ભાવ ૪,૩૦૦થી ૪,૫૦૦ ડાલર પ્રતિ ટન વધી ગયા છે, જે ગયા વર્ષની સરખામણીમાં લગભગ બમણા છે. આંતરરાષ્ટ્રીય બજોરોમાં ભારતીય મરીની કોઈ સ્પર્ધા નથી. તમને જણાવી દઈએ કે જ્યારે મલેશિયન મરી ૫,૨૦૦ ડોલર પ્રતિ ટનના ભાવે વેચાઈ રહી છે તો ભારતીય મરીની કિંમત ૬,૭૮૦ ડોલર પ્રતિ ટન છે.