કાર્તિક આર્યનના સિતારા આ દિવસોમાં બુલંદી પર છે. બાલીવુડની મોટાભાગની ફિલ્મો બાક્સ આૅફિસ પર ખરાબ પ્રદર્શન કરી રહી છે, ત્યારે કાર્તિક આર્યનની ફિલ્મ “ભૂલ ભૂલૈયા ૨” એ તમામ ફિલ્મો વચ્ચે બાજી મારી છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર શાનદાર બિઝનેસ કરી રહી છે. આ કોમેડી હોરર ફિલ્મ દર્શકોને પસંદ આવી રહી છે અને કાર્તિક આર્યનની પણ ખૂબ પ્રશંસા થઈ રહી છે. ૨૦ મેના રોજ ‘ભૂલ ભુલૈયા ૨’ની સાથે કંગના રનૌત ની ફિલ્મ ધાકડ પણ રીલિઝ થઈ હતી.
કંગનાની ફિલ્મ બોક્સ ઓફિસ પર ખૂબ જ ખરાબ પ્રદર્શન કરી રહી છે. આ ફિલ્મના મેકર્સને લગભગ ૭૦ કરોડનું નુકસાન થયું છે. એનડીટીવીના એક રિપોર્ટ અનુસાર, ફિલ્મે પાંચમા દિવસે
માત્ર ૨૫ લાખની કમાણી કરી છે. ધાકડે શનિવારે ૧.૦૫ કરોડનો બિઝનેસ કર્યો હતો. રવિવારે ૯૮ લાખ, સોમવારે તે ૩૦ લાખનો બિઝનેસ કરવામાં સફળ રહી. ત્યારે જ્યાં એક્શન ફિલ્મો લોકોને પસંદ આવી રહી છે, ત્યાં બીજો દિવસે જ ‘ધાકડ’નું ફ્લોપ થવું ખૂબ જ ચોંકાવનારું છે.
અહીં ભૂલ ભુલૈયા ૨ની વાત કરીએ તો મંગળવારે પણ આ ફિલ્મ મોટી કમાણી કરવામાં સફળ રહી હતી. ફિલ્મ એનાલિસ્ટ તરણ આદર્શે બુધવારે ટિવટ કરીને માહિતી આપી હતી કે ફિલ્મે મંગળવારે લગભગ ૯.૫૬ કરોડની કમાણી કરી છે.
આ ફિલ્મ ૨૦ મેના રોજ રીલિઝ થઈ હતી. ફિલ્મની ઓપનિંગ શુક્રવારે ૧૪.૧૧ કરોડ, શનિવારે ૧૮.૩૪ કરોડ, રવિવારે ૨૩.૫ કરોડ, સોમવારે ૧૦.૭૫ કરોડ રહી હતી. કાર્તિક આર્યન અને ફિલ્મની આખી ટીમ સફળતાથી ખુશ છે.
ભૂલ ભુલૈયા ૨માં કાર્તિક આર્યન, કિયારા અડવાણી, તબ્બુ, સંજય મિશ્રા અને રાજપાલ યાદવ મુખ્ય કલાકારો છે. આ ફિલ્મને અનીસ બઝમીએ ડિરેક્ટ કરી છે. આ ફિલ્મને દર્શકોએ પહેલા દિવસથી જ પસંદ કરી છે અને પહેલીવાર કાર્તિક આર્યન અને કિયારા અડવાણી સ્ક્રીન શેર કરતા જોવા મળ્યા છે. લોકો પણ આ જોડીને પસંદ કરી રહ્યા છે.
ધાકડમાં કંગના રનૌતના એક્શનનો પાવર જોવા મળ્યો છે. આ ફિલ્મમાં કંગના રનૌત ઉપરાંત અર્જુન રામપાલ, દિવ્યા દત્તા અને સાસ્વત ચેટર્જી છે. રજનીશ ઘાઈએ આ ફિલ્મનું નિર્દેશન કર્યું છે. આ ફિલ્મમાં કંગના રનૌત પહેલીવાર એક્શન કરતી જોવા મળી રહી છે.