ભાવનગર શહેરમાં દિવાળી બાદ પણ વિદેશી દારૂ ઘુસાડવાના કિસ્સાઓ સામે આવી રહ્યાં છે. ત્યારે ભાવનગરની એલસીબી પોલીસે બાતમીના પગલે શહેરના પ્રવેશ દ્વારથી પ્રવેશ કરતાની સાથે જ એક કાર અને બે શખ્સોને દારૂ સાથે ઝડપી પાડ્યા હતાં.ભાવનગરની એલસીબી પોલીસ પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન બાતમી મળી હતી કે, નારી ગામ તરફથી એક મારુતિ અર્ટીગા કાર દારૂ ભરીને ભાવનગરમાં પ્રવેશ કરી રહી છે. જેને પગલે ભાવનગરની એલસીબી પોલીસ શહેરમાં આવેલા માર્કેટીંગ યાર્ડ ખાતે વોચમાં ગોઠવાઈ ગઈ હતી. પોલીસ વોચમા હતી તે દરમિયાન બાતમી વાળી કાર આવતા ઉભી રાખીને તેની તપાસ કરી હતી.ભાવનગરની એલસીબી પોલીસે આ કારને ઉભી રાખતા તેમાં સવાર બે લોકોને પૂછપરછ હાથ ધરી કારની તપાસ કરી હતી. કારની તપાસ કરતા જ પોલીસના હાથમાં ૭૬૮ વ્હિસ્કીની બોટલ જેની કિંમત ૨ લાખ ૩૯ હજાર ૬૧૬ રૂપિયા તેમજ અન્ય વિસ્કી ૯૬ બોટલ દારૂની મળી આવી હતી. પોલીસે દારૂ સહિત કાર, મોબાઈલ એમ મળીને કુલ ૬,૬૮,૮૧૬ નો મુદ્દામાલ કબ્જે લીધો હતો.દારૂ સાથે કારમાં સવાર ૩૬ વર્ષીય આરોપી અમર ઉર્ફે ખાજલી મહેન્દ્રભાઈ રૂપડા કે જે વ્યવસાયે ડ્રાઇવિંગ અને મૂળ સુરતના અડાજણ વિસ્તારનો રહેવાસી હોવાનું ખુલ્યું છે. જ્યારે અન્ય આરોપી ૨૫ વર્ષીય હર્ષિલ ઉર્ફે ભૂરો ઉર્ફે ગલ્લો અરવિંદભાઈ દવે કે જે ભાવનગરના રહેવાસી હોવાનું જણાયું છે. બંને આરોપીને ઝડપીને તેમની વિરૂદ્ધ બોરતળાવ પોલીસ સ્ટેશનમાં ધોરણસર ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે.