ઓઘડ અને જીવીની જીવન- યાત્રા સૌને ઈર્ષ્યા આવે એમ ચાલતી હતી. રોજ સાથે ખેતર જવાનું ઢોર -ઢાંખર માટે ચાર લાવવાની, સરપંચની કામગીરી બજાવવાની, ઘરનું બધું કામ સંભાળવાનું, છોકરાં રાખવાનાં… એમ અનેક કામોમાં જીવી ખૂબ કાળજી રાખતી અને સરસ ગૃહિણીની જેમ પોતાની ભૂમિકા ભજવતી.
તે જીવનની હરેક પળને માણતી અને આનંદ કરતી. બસ આ જ તો એની ખૂબી હતી, જેને લીધે એ સૌમાં પ્રિય થઈ પડી હતી. આજે ખેતરના કામે ઓઘડ અને જીવલી નીકળ્યાં હતાં. રસ્તામાં હસતાં હસતાં વાતો કરતાં બંને જણાં ચાલ્યાં જતાં હતાં. જીવીએ ઓઘડને કહ્યું,” હજી તો સરકારની ઘણી યોજનાઓ પડી સ. એનો વેંત પડે તો ગોમમાં સંડાસ બનાવડાવવાં છે. તમને મર્દોને બૈરાની તફલીક નો હમજાય. અંધારું થઈ જાય ત્યાં સુધી દબાઈને બેહી રેવું પડે.. અંધારામાં ડબલું લઇ ને જવાની બીક લાગે.ગોમ આખામાં ગંદકીના ઉકેડા થાય. ગામ ગંધાતું દેખાય ને રોગચાળો થાય એ બધું નફામાં. આ હન્ધું બંધ કરવું પડસે.”
ઓઘડ જીવીની વાત સાંભળતો રહ્યો. એ મનમો બીજી ગણતરી કરતો હતો. પણ જીવી એનું નામ.
એ બોલી, ” હવે તમે વિચારો સો ઇ કંઈ થવાનું નથ. તમારા કોઈ પાહા પોબાર થવાના નથી. અનીતિનું લેવાના વિચાર સોડો. આપણે કોઈનું અનીતિ લેવું નથ. એવું કરીએ તો આપણું જ ધનોટ પનોટ નેહરી જાહે… જેવી દાનત એવી બરકત.”
ઢોર માટે ચાર વાઢીને પોટલું બાંધતાં ઓઘડે જીવીને સધિયારો આપ્યો,
” ના,હોં.તું ના કે’તી હોય તો એવો કોઈ ધંધો આપણે ની કરીએ, બસ. પણ ગોમ્માં ઓસા ખર્ચે બધાંની હગવડ હચવાઈ જતી હોય તો લાખાની મદત લેયને જાજરૂ માટેનો સોમોન હેરમાંથી લેય આવશું.. આપના હાત જગન્નાથ. ઘરની એક ભેંતનો ઉપયોગ કરીને પલાસ્તિકની સીટો વાપરી મજૂરીમાંય કસ કઢીસુ”
હજી તો બેય જણાં વાતો કરતાં તળાવની પાળ પરથી પસાર થતાં હતાં ત્યાં તો બૂમ પડી… “એ … ય… કોઈ બચાવો આ શોડી ડૂબી જશે…બચાવો… બચાવો…”
ક્ષણભરનો વિચાર કર્યા વિના ઓઘડે છલાંગ મારી , સીધો તળાવમાંને છોકરીને ખેંચીને ઓવારે લઈ આવ્યો. વાત વાયરે ઊડી ને ભીડ થઈ ગઈ. જીવીએ પોટલું ભોંય પર ફેંક્યું ને છોકરીના પેટનું પાણી બહાર કાઢવા માંડી. થોડી વારમાં છોકરી ભાનમાં આવી .
પૂછ -પરછ કરતાં ખબર પડી કે છોકરી લાખાની બેનની દીકરી હતી, ને દિવાળી કરવા મામાને ઘેર આવી હતી. લાખો દોડતો આવ્યો ને ઓઘડને બાઝી પડ્‌યો.. “ભાઈ તેં તો ભારે કરી .. તારો પાડ માનું એટલો ઓછો. ભારે હિંમત કરી . નહિ તો હું મારી બોનને મોઢું શું બતાવતો?? કાળી ટીલી લાગી જાત. મો તને હેરાન કરવામો કસુ બાકી નથ રાખ્યું. લાગ જોઈને ન બોલવાનું બોલ્યો સ અને ન કરવાની વાતો કરીસ. મારી મતી મારી ગયતી. હું ભૂંડો માણસ સુ. છતોય તે મારી ભોણીને બસાઈ..!”
લાખાના ચહેરા પર કૃતજ્ઞતાના ભાવો સ્પષ્ટ દેખાતા હતા. એ વિચારતો હતો કે આનો બદલો કેમ કરીને વાળવો..? હવે તો ઓઘડ માટે જાત ઘસી નાંખવી સ. મારી ચામડીના જોડા બનાઈને એને પેરાઉંને તોય ઓછાં પડે. પણ ..!! એક વાત સે.કે..,હવે હું..લાખો..ઓઘડનો પડ્‌યો બોલ ઝીલવા તૈયાર સુ. મારાં હાતેય કોમ પડતાં મૂકીને હું ઓઘડને મદદ કરીસ.
આ પ્રસંગ પછી ઓઘડ અને જીવીની પ્રતિષ્ઠા જબરી વધી ગઈ. લાખા સાથે ઓઘડની દોસ્તી ગાઢ બની ગઈ. જાજરૂની યોજનાની વાતની ખબર પડતાં લાખાએ પોતાનો પૂરો સહયોગ આપવાની વાત કરી. બંને શહેરમાં જઇ પ્લાસ્ટીક શિટો લઇ આવ્યા.., સરકારી મદદ અને ગામના સહકારથી જાજરૂ તૈયાર થવા માંડયાં . લોકોમાં ખુશીનો પાર નથી. ઓઘડ અને લાખો બંને રાત-દિ જોયા વિના કામે વળગ્યા જ રહ્યા. ગામના એક એક ઘરે જાજરૂ બની ગયાં. અને એ પણ ઓછામાં ઓછો ખર્ચ કરીને.
ગામમાં ઉત્સવ જેવું વાતાવરણ થઈ ગયું. જીવીએ સરપંચ તરીકે કાઠું કાઢ્યું..
જોત જોતામાં નવી મોટી ચૂંટણી આવી.
ચૂંટણીની વાત આવી એટલે રાજકારણ તો આપોઆપ આવી જાય.
વિરોધ પક્ષના કેટલાક લોકોએ ગામનાં કેટલાક લોકોને લોભ લાલચ આપીને ચડાવ્યાં.
ગામનાં બે ભાગલાં કરવાની કોશિશ કરી.
સુઘરીનાં માળા જેવું ગામ અને માળાની જેમ જ ગૂંથાઈ ગયેલું ગામ. કોઈપણ કામ સાથે મળીને કરે. સૌની સલાહ લઈને કરે અને સફળતા મળે તોય સૌને ભાગીદાર ગણે.
આમ એકસાથે હળીમળીને રહેંતુ ગામ.
પણ..!! જેવી ચૂંટણી આવી કે.., ગામમાં કારણ વગરનું રાજકારણ ઘરી જાય. એમ આ ગામમાંય આવાં કારણ વગરનાં રાજકારણે પગ પેસારો કર્યો.
જાત જાતની અફવાઓના ગોળાઓ ફરતાં થયાં. જીવી અને ઓઘડની પ્રતિષ્ઠા દાવ પર લાગી.
એમાં પણ લાખાએ ઘણી મદદ કરી. ગામને હાસી વાત હમજાવી. જરુર પડી ત્યાં દમદાટી’ ય વાપરી. પણ..!! સરવાળે આખાં ગામને એક કરી દીધું. ગામ આખું એક જ તાંતણે બંધાય ગયું. આમ ખોટાં વિચારોની સફાઈ તો કરી જ સાથે સાથે..
ગામની સફાઈ ,મંદિરોની સફાઈ,નિશાળોની સફાઈ અને જાહેર જગ્યાઓની પણ સફાઈ કરી દિવાળી આવતાં જ ગામની રોનક વધારી દીધી.
ગામની સ્ત્રીઓ ખૂબ ખુશ હતી, એમની તો કાયમની સમસ્યા દૂર થઈ ગઈ હતી.
ઓઘડ અને જીવી તો છપ્પનની છાતી વાળાં હતાં જ હવે લાખાએ પણ છપ્પનની છાતી બતાવી દીધી.
એટલે હવે ગામને કાયમ દિવાળી જ દિવાળી હતી.
મૂળ વાર્તાઃ- મહેશ ઉપાધ્યાય, વડોદરા.
રીરાઈટ.:-કાળુભાઈ ભાડ, અમરેલી.