(એચ.એસ.એલ),ગાંધીનગર,તા.૨૪
કલોલમાં એક ભયંકર અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. જેમાં એક કાર ચાલક દ્વારા પાથરણાવાળા પર ગાડી ચઢાવી દેવામાં આવી. જેના કારણે સ્થળ પર મોટી સંખ્યામાં લોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી. સાથે જ લોકોમાં ભારે રોષનો માહોલ પણ જાવા મળ્યો હતો. અકસ્માતની જાણ થતાં જ પોલીસ પણ તુરંત ઘટના સ્થળ પર પહોંચી હતી.
કલોલના ખૂની બંગલા પાસેનો આ બનાવ છે. જ્યાં શાકભાજી વાળા પાથરણા પાથરીને બેસતા હોય છે. નવજીવન રોડ પર આવેલ ખૂની બંગલા પાસે કોર્ટ નજીક આ બનાવ બન્યો હતો. જેમાં ગાડી ચાલકે શાકભાજી વાળાઓ પર ગાડી ચઢાવી દીધી હતી. જેના કારણે ગાડી ચાલક અને લોકોની વચ્ચે ઝપાઝપીના દૃશ્યો પણ સર્જાયા હતા.
આ ભયંકર અકસ્માતમાં એક મહિલાનું મોત થયું છે. જ્યારે ૫ વ્યક્તિઓ ગંભીર રીતે ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે. ઘાયલ થયેલા લોકોને તુરંત ત્યાંથી કલોલની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યારે મૃતક મહિલાને પણ કલોલની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી. ઘટનાને લઈને સિવિલ હોસ્પિટલની બહાર પણ મોટી સંખ્યામાં લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું.
ઉલ્લેખનીય છે કે, આ અકસ્માતમાં કાર ચાલકની ભૂલને કારણે એક મહિલાનું મોત થયું છે. જ્યારે પાંચ લોકો ગંભીર રીતે ઘાયલ પણ થયા છે. ઘટનાને લઈને જે તે સમયે સ્થળ પર લોકોમાં રોષનો માહોલ પણ ફેલાયો હતો. જેમાં કાર ચાલક અને લોકો વચ્ચે ઝપાઝપીના દૃશ્યો સર્જાયા હતા. જાકે ઘટનાની જાણ થતાં જ પોલીસ સ્થળ પર પહોંચી હતી અને પોલીસે મામલો થાળે પાડ્યો હતો.