કારગિલ યુધ્ધ પાકિસ્તાન આર્મી જ લડેલી.
પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ અસીમ મુનીરે રાવલપિંડીમાં પાકિસ્તાનના સંરક્ષણ અને શહીદ દિવસના કાર્યક્રમમાં આ વાત કબૂલીને સૌને આંચકો આપી દીધો. પાકિસ્તાને ૧૯૯૯માં લડાયેલા કારગિલ યુધ્ધમાં પોતાના સૈનિકોને મોકલેલા એ જગજાહેર હતું પણ પાકિસ્તાન આર્મી આ વાત સ્વીકારતી નહોતી. પાકિસ્તાને શરૂઆતમાં દાવો કર્યો હતો કે, કારગિલ યુદ્ધમાં જિહાદીઓ લડી રહ્યા છે. યુધ્ધ આગળ વધતું ગયું તેમ-તેમ સ્પષ્ટ થતું ગયું કે પાકિસ્તાની સેના આ યુધ્ધમાં સામેલ છે પણ પાકિસ્તાન આર્મીએ કદી આ વાત સ્વીકારી નહોતી.
હવે પાકિસ્તાની સેનાએ પહેલી વાર જાહેરમાં સ્વીકાર્યું છે કે ભારત સામેના ૧૯૯૯ના કારગિલ યુદ્ધમાં પાકિસ્તાન આર્મી સામેલ હતી. અસીમ મુનીરે સીધી કબૂલાત કરતાં કહ્યું છે કે, પાકિસ્તાન હિંમતવાન દેશ છે કે જે સ્વતંત્રતાના મહત્વને સારી રીતે સમજે છે અને કોઈપણ કિંમતે દેશની સુરક્ષા કેવી રીતે કરવી એ પણ જાણે છે. ૧૯૪૮, ૧૯૬૫, ૧૯૭૧ના પાકિસ્તાન-ભારત યુદ્ધ હોય કે કારગિલ કે સિયાચીન સંઘર્ષ હોય, પાકિસ્તાનના હજારો સૈનિકોએ રાષ્ટ્ર અને ઈસ્લામ માટે શહાદત વહોરી છે.
આ પહેલાં પાકિસ્તાને ૨૦૧૦માં પાકિસ્તાન આર્મીની સત્તાવાર વેબસાઈટ પર કારગિલ યુદ્ધમાં મરાયેલા ૩૫૦ પાકિસ્તાની સૈનિકોનાં નામ મૂકીને તેમને શહીદ જાહેર કર્યા હતા. પાકિસ્તાને એ વખતે આડકતરી રીતે કારગિલ યુદ્ધમાં પાકિસ્તાનના લશ્કરની સંડોવણી સ્વીકારી લીધી હતી. હવે અસીમ મુનીરે સીધો જ સ્વીકાર કરી લીધો છે કે, પાકિસ્તાન આર્મી કારગિલમાં લડેલી અને પાકિસ્તાની સૈનિકોએ શહાદત વહોરી હતી.
કારગિલ દેશના જાંબાઝ સૈનિકોના કારણે પાકિસ્તાનના હાથમાં જતાં બચેલું.
કારગિલ યુધ્ધ વખતે પાકિસ્તાનના વડાપ્રધાન તરીકે નવાઝ શરીફ હતા. ૧૯૯૯માં આપણા વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી બસ ભરીને લાહોર ગયા હતા. લાહોરમાં વાજપેયી શરીફને ગળે મળીને હરખ બતાવતા હતા એ વખતે પાકિસ્તાનનું લશ્કર કાશ્મીર કબજે કરવાના કારસા કરતું હતું. વાજપેયી હરખાતા હરખાતા અહીં પાછા ફર્યા કે પાકિસ્તાને જાત બતાવી ને તેમાં કારગિલનું ધમાસાણ થઈ ગયું.
પાકિસ્તાનના પીઠ્ઠુ જેવા આતંકવાદીઓ અને પાકિસ્તાનના સૈનિકો કારગિલમાં ઘૂસી ગયેલા ને મોટો વિસ્તાર કબજે કરી દીધેલો. ભલું થજો કારગિલમાં બકરાં ચરાવતા ભરવાડોનું કે તેમની નજરે આ હિલચાલ ચડી ગઈ ને તેમણે આપણા લશ્કરને જાણ કરી દીધી તેમાં આપણું લશ્કર સમયસર હરકતમાં આવી ગયું. ભારતીય લશ્કરે ૫ મેના રોજ કારગિલના અંદરના વિસ્તારોમાં પેટ્રોલ ટુકડીઓને મોકલી. પાકિસ્તાની સૈનિકોએ તેમના પર હુમલો કરીને પાંચ સૈનિકોને પકડી લીધા હતા. તેમની ક્રૂરતાથી હત્યા કરી. તેમનાં અંગો કાપી નંખાયેલાં ને વિકૃતિની ચરમસીમા વટાવીને અત્યાચારો કરાયેલા.
આ અત્યાચારોએ ભારતીય લશ્કરને એક્શન મોડમાં લાવી દીધું. આપણા શાસકો તો ઘોરતા જ હતા પણ લશ્કર સમયસર જાગી ગયું તેના કારણે કારગિલ આપણા હાથમાંથી જતાં બચી ગયું પણ એ માટે આપણે આપણા ૫૦૦ કરતાં વધારે જવાનોનો વગર લેવેદેવે બલિ ચડાવવો પડેલો. કારગિલ યુધ્ધ ૬૦ દિવસ સુધી ચાલ્યુ અને ૨૬ જુલાઈ, ૧૯૯૯ ના રોજ ઈન્ડિયન આર્મીએે પાકિસ્તાન આર્મી દ્વારા કબજે કરાયેલી કમાન્ડ પોસ્ટ્સ પર ફરીથી કબજો કરીને ભારતની આબરૂ બચાવી લીધી હતી.
આ આબરૂ બચાવવાની આકરી કિંમત ભારતે ચૂકવી હતી. આ યુધ્ધમાં સત્તાવાર રીતે ભારતના ૫૨૭ જવાનો શહીદ થયા હતા જ્યારે પાકિસ્તાનના ૪૫૩ જવાનો માર્યા ગયા હતા એ જોતાં જીત છતાં ભારતને વધારે નુકસાન થયેલું.
સવાલ એ છે કે, પાકિસ્તાનની આ કબૂલાત પછી શું ?
સીધો ને સરળ જવાબ એ છે કે, પાકિસ્તાન આર્મીની કબૂલાતના પગલે ભારતીય આર્મીએ કારગિલ યુધ્ધમાં મરાયેલા ભારતીય સૈનિકોની શહાદતનો બદલો લેવા પાકિસ્તાનને પાઠ ભણાવવો જોઈએ. પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય કાયદાઓનો ભંગ કરીને ભારત પર આક્રમણ કર્યું તેના જવાબમાં ભારતને પણ આક્રમણ કરવાનો અધિકાર છે. ભારત આક્રમણ કરીને કાશ્મીરનો પાકિસ્તાને પચાવી પાડેલો પ્રદેશ એટલે કે પીઓકે કબજે કરવા પ્રયત્ન કરી શકે છે.
કોઈને ૨૫ વર્ષ પહેલાં કરેલા આક્રમણનો બદલો લેવા અત્યારે આક્રમણ કરવાની વાત હાસ્યાસ્પદ લાગે પણ દેશની સુરક્ષા માટે એ જરૂરી છે. ભૂતકાળમાં પાકિસ્તાને આક્રમણ કર્યું ત્યારે ભારતે વળતું આક્રમણ કરીને તેનો જવાબ આપેલો અને પાકિસ્તાનને પાઠ ભણાવ્યો હતો. એ જ સિધ્ધાંત અત્યારે પણ લાગુ પડે છે. પાકિસ્તાને ૨૫ વર્ષ પછી કબૂલાત કરી તેના કારણે પાકિસ્તાને ભારત પર આક્રમણ કરીને ભારતનો પ્રદેશ પચાવી પાડવાની નાપાક હરકત કરેલી એ વાસ્તવિકતા બદલાતી નથી એ જોતાં જેવા સાથે તેવા થઈને ભારતે પાકિસ્તાનને પાઠ ભણાવવો જોઈએ, ૨૫ વર્ષ પહેલાં કારગિલ યુધ્ધમાં શહીદ થયેલા ભારતીય સૈનિકોનું તર્પણ કરવું જોઈએ.
નરેન્દ્ર મોદી સરકાર એવી હિંમત બતાવે એવી શક્યતા ઓછી છે. પાકિસ્તાનના પીઠ્ઠુ આતંકવાદીઓએ ઉરી, પુલવામા વગેરેમાં ભીષણ આતંકવાદી હુમલા કર્યા ત્યારે મોદી સરકારે ઈંટનો જવાબ પથ્થરથી આપવાની જરૂર હતી. મોદી સરકારે સર્જિકલ સ્ટ્રાઈક કરેલી પણ સર્જિકલ સ્ટ્રાઈકથી નથી આતંકવાદ બંધ થયો કે નથી પાકિસ્તાન આર્મીની નાપાક હરકતો બંધ થઈ.
ઈઝરાયલે જે રીતે પેલેસ્ટાઈન અને ગાઝા પટ્ટીને ખેદાનમેદાન કરીને આતંકવાદીઓને ફફડાવી દીધા છે એવું ભારત પણ કરી શક્યું હોત પણ મોદી સરકાર એ વખતે હિંમત નહોતી બતાવી શકી તો અત્યારે તો ૨૫ વર્ષ પહેલાંના આક્રમણ માટે કશું કરે એવી આશા રાખવા જેવી નથી.
બીજો વિકલ્પ ઈન્ટરનેશનલ કોર્ટમાં જઈને પાકિસ્તાન સામે ઉગ્ર રજૂઆતનો છે. પાકિસ્તાને ભારતના સૈનિકોની હત્યા કરી એ બદલ પાકિસ્તાનની આર્મી સામે કેસ કર્યો જ છે. આ મામલો ઈન્ટરનેશનલ કોર્ટમાં પેન્ડિંગ છે. આમ તો પાકિસ્તાને ખુલ્લેઆમ સ્વીકાર્યું છે કે તેના સૈનિકો કારગિલ યુદ્ધમાં સામેલ હતા એ પછી ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. આ સ્થિતિમાં ઈન્ટરનેશનલ કોર્ટ ન્યાય કરી શકે પણ કોર્ટ પાસેથી એ અપેક્ષા રાખવા જેવી નથી. ઈન્ટરનેશનલ કોર્ટ ૨૫ વર્ષથી કેસને લંબાવે છે ને પાકિસ્તાને આક્રમણ કરેલું તેના પુરાવા શું એ સવાલ કર્યા કરે છે. આ સવાલ ફરી આવીને ઉભો રહી જાય ત્યારે અસીમ મુનીર તો કોર્ટમાં ફરી જાય તેથી તેનો બહુ અર્થ નથી.
આ સંજોગોમાં ભારત માટે શ્રેષ્ઠ વિકલ્પ પાકિસ્તાનને પાઠ ભણાવવાનો છે. પાકિસ્તાનના આર્મી ચીફ ભારત પર આક્રમણ કર્યું એવું ખુલ્લેઆમ કબૂલે ને આપણે કંઈ ના કરી શકીએ એ સ્થિતિ શરમજનક કહેવાય.
મોદી સરકાર એ શરમજનક સ્થિતિ પેદા ના કરે એવી આશા રાખીએ.
ભારત પાકિસ્તાન પર હુમલો કરે તો શું થાય ?
ભારત પાસે જે લશ્કરી તાકાત છે એ જોતાં ભારત હુમલો કરે તો પાકિસ્તાનનો ખુરદો બોલી જાય એ હકીકત છે. ૧૯૪૭ના પહેલા યુધ્ધથી શરૂ કરીને કારગિલ જંગ સુધીના બધા યુધ્ધોમાં ભારતે પાકિસ્તાનનો ભુક્કો જ બોલાવીને તેને કારમી હાર આપી છે. ૧૯૭૧માં તો ભારતે પાકિસ્તાનના ઉભા ફાડિયા કરીને એક નવા રાષ્ટ્ર બાંગ્લાદેશનું સર્જન પણ કરી દીધું. ભૂતકાળમાં થયેલા દરેક યુધ્ધમાં હુમલો ભારતે નહોતો કર્યો પણ પાકિસ્તાને આક્રમણ કર્યું તેનો આપણે જવાબ આપ્યો હતો. આ જવાબમાં જ પાકિસ્તાનના આંટા ઢીલા થઈ ગયેલા તો હવે ભારત સામેથી હુમલો કરે તો શું થાય એ કહેવાની જરૂર નથી.
જો કે ભારતના કોઈ શાસક એ હિંમત અત્યાર સુધી બતાવી શક્યા નથી. પાકિસ્તાન એક પછી એક હુમલા કરતું રહ્યું ને ભારત સંરક્ષણ કરવા માટે તેનો જવાબ આપતું રહ્યું. ભારતે એ સિવાય કશું કર્યું નહીં તેમાં પાકિસ્તાનને ફાવતું મળી ગયું.
કારગિલ યુધ્ધ મુદ્દે પાકિસ્તાનના લશ્કરી વડાની કબૂલાત પછી ભારતે ઈતિહાસ બદલવો જોઈએ અને પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીર પર કબજો કરવા આક્રમણ કરવું જોઈએ. એ પ્રદેશ ભારતનો જ છે એ જોતાં તેને પાછું લેવાનો ભારતને અધિકાર છે. પાકિસ્તાને પચાવી પાડેલું કાશ્મીર આપણા હકનું છે તેથી તેના પર કબજો કરવો એ તો આપણો અધિકાર છે.
આ અધિકાર ભોગવવાની હિંમત આપણામાં છે ?