‘‘સફળતા એ હજારો અસફળતાઓનો આખરી મુકામ છે. ભણતર એ જીવન ઘડતરની ચાવી છે. એટલે ત્યાં સુધી હાર ના માનશો જ્યાં સુધી જીતો નહી.’’
વિશ્વમાં દરેક વ્યકિતના જીવનમાં કયારેકને કયારેક તો યોગ્ય માર્ગદર્શનની જરૂર પડતી હોય છે. મહાભારતના યુદ્ધમાં શ્રેષ્ઠ ધનુર્ધર અર્જુન પોતાના ગુરૂ, સગા-સંબંધીઓ સામે જ યુદ્ધ કરતા દુઃખ અનુભવતા હતા ત્યારે તેમને પણ યોગ્ય માર્ગદર્શનની જરૂર પડી હતી અને તેમને ભગવાન કૃષ્ણએ વિવાદમાંથી બહાર નીકળવા માટે ભગવદ્‌ ગીતાના કર્મના સિદ્ધાંત પ્રમાણે જરૂરી માર્ગદર્શન પુરુ પાડયુ હતું. જીવનમાં પહેલા ગુરુ માતા હોય છે. તેના દ્વારા આ પૃથ્વી પર અવતાર પ્રાપ્ત થાય છે. ગર્ભસંસ્કાર માતા-પિતા દ્વારા પ્રાપ્ત થાય છે. જન્મેલ બાળકને યોગ્ય માર્ગદર્શન, પ્રેરણા, કેળવણી માતા દ્વારા પ્રાપ્ત થાય છે.
મહાન ક્રિકેટર સચીન તેંડુલકરને યોગ્ય માર્ગદર્શન રમાકાંત આચરેકરે આપ્યુ. જેમાંથી ક્રિકેટના બેસ્ટ ખેલાડી અને ભારતરત્નની ઉપાધિ પ્રાપ્ત થઈ. ગુરુ બિના જ્ઞાન નહિ. તેમ કૌશલ્યવર્ધક બનવા માટે કારકિર્દીનું જ્ઞાન પ્રાપ્ત કરવુ તે આજના સમયની તાતી જરૂરિયાત છે. આર્થિક ઉપાર્જન માટે કૌશલ્ય મેળવવું જ રહ્યુ. ડિગ્રીઓ મેળવવાથી નોકરી નહી મળે જે-તે ક્ષેત્રમાં શ્રેષ્ઠ કાર્ય કરવાની આવડત-કૌશલ્ય હશે તો જ તમે જે-તે વ્યવસ્થામાં ટકી રહેશો. ઘણી વખત ઈલેકટ્રીક એન્જિનીયર થયેલ વિદ્યાર્થીને ફયુઝ બાંધતા ના આવડે તો તેની ડિગ્રીનું શું મૂલ્ય? પરંતુ અભણ હોય અને ઈલેક્ટ્રીક વાયરીંગનું યોગ્ય જ્ઞાન, આવડત હોય તે સારી રીતે ફયુઝ તેમજ અન્ય ઉપકરણ રીપેર કરી શકે છે. તે માટે કારકિર્દી બનાવવા માટે જરૂરી માર્ગદર્શન મેળવવુ ખૂબ જ જરૂરી છે.
તમે એક કલ્પના કરો કે અજાણી જગ્યાએ તમારે જવાનુ છે. તમે ગાડી ચલાવી રહ્યા છે. અને તમે શું કરશો? કોઈકને પૂછી-પૂછીને આગળ વધશો અને છેવટે નિશ્ચિત સ્થળે સમયસર પહોંચી જશો. ર૧મી સદી જ્ઞાન-વિજ્ઞાન-ટેકનોલોજીની સદી છે. હાલ મોટા ભાગના લોકો પાસે એન્ડ્રોઈડ મોબાઈલ ફોન હોય છે. ગુગલ બાબા પાસે તમામ માહિતીનું નેટવર્ક હોય છે. ગૂગલ મેપમાં જી.પી.એસ. કરીને તમારા નિશ્ચિત સ્થાન પર પહોંચી શકશો. જેથી દરેક વ્યક્તિએ જીવનમાં ધ્યેય પ્રાપ્ત કરવા માટે યોગ્ય કારકિર્દી વિશે માર્ગદર્શન મેળવવું ખૂબ જ જરૂરી છે.
સ્વામી વિવેકાનંદ પોતાના બાળપણમાં ખૂબ જ તેજસ્વી હતા છતાં પોતાના ભવિષ્યને લઈને તેઓ અનેક મુંઝવણોથી ઘેરાયેલા હતા ત્યારે સમર્થ ગુરૂ શ્રી રામકૃષ્ણ પરમહંસ પાસેથી મેળવેલ આધ્યાત્મિક જ્ઞાનરૂપી માર્ગદર્શનથી જ તેમના જીવનમાં સત્કારાત્મક વળાંક આવ્યો. ભારતીય ક્રિકેટર અને કેપ્ટન કુલ તરીકે જાણીતા મહેન્દ્ર સિહ ધોની કેશવ રંજન બેનર્જી પાસેથી ક્રિકેટના પાઠ શીખ્યા હતા.
કારકિર્દી બનાવવા માટે સમયની સાથે બદલાવું પડે અથવા સમયને બદલવો પડે. નવી ટેકનોલોજી સાથે કદમ મિલાવવા પડે. વિશ્વની ટોચની કંપનીઓ હવે નોકરી આપવા માટે ડિગ્રી પર આધાર નથી રાખતી તે તમારી આવડત-કૌશલ્ય-જ્ઞાન પર ભાર મૂકે છે.
‘‘મંજીલે તો મીલતી હે, ભટક કર હી સહી, પર ગુમરાહ વહી હૈ, જા ઘર સે નીકલતે હી નહી.’’
ધોરણ-૧૦ પછી જાહેર ક્ષેત્રના રોજગારી માટેના અનેક દ્વાર ખુલતા હોય છે. ઘણી વખત અભ્યાસમાં નબળો હોય તે કારખાનામાં અન્ય વ્યવસાયમાં નિપુણ હોય. પ્રશાંત એન્જિનીયરીંગ કંપની વટવામાં દશરથભાઈ પટેલ સાત ચોપડી ભણેલ છે. જે કાર્ય એન્જિનીયર ના કરી શકે તેવુ પેનલ રીપેરીંગમાં કાર્ય કરે છે. વિદેશમાં કોઈ પેનલ બગડે તો ઈજનેરની જગ્યાએ દશરથભાઈ પટેલને મોકલવા પડે કારણ કે તે પેનલ રીપેર કરવાની નિપુણતા અને આવડતથી કંપનીમાં તેઓ નામાંકિત બન્યા છે. કારકિર્દી ઘડવા માટે જે-તે વિદ્યાર્થીની રસ, રૂચિ, ક્ષમતા વગેરેને ધ્યાને લઈ યોગ્ય વિકલ્પો પસંદ કરીને ઉજજવળ ભવિષ્યનું ઘડતર કરવુ શકય છે. ઉજજવળ ભવિષ્યના નિર્માણ માટે ધોરણ-૧૦ પછીના વિવિધ વિકલ્પો સ્વીકારવા પડશે.
રાજય સરકારના શ્રમ અને ઉદ્યોગ વિભાગ અને જિલ્લાના રોજગાર વિનિમય કચેરીઓ દ્વારા શાળા-કોલેજમાં આવા કારકિર્દી માગદર્શનનું ચાલુ સાલે શ્રેષ્ઠ આયોજન થઈ રહ્યુ છે. મોંઘવારી સામે રોજગારી શ્રેષ્ઠ વિકલ્પ છે. ગુજરાત રોજગાર સમાચાર કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક અંક દર વર્ષે બહાર પાડે છે. આ કાર્ય ખુબ જ સરાહનીય છે. રોજગારી એ જીવનનો પ્રથમ આયામ છે. રોજગારી મેળવવા વ્યક્તિને યોગ્ય, સચોટ અને નિષ્પક્ષ-તટસ્થ જાણકારી પુરી પાડે છે. ગુજરાત માહિતી ખાતાને ધન્યવાદ. તેમની કાર્યકુશળ ટીમે આવો દળદાર અંક તૈયાર કર્યો છે. તેની કિંમત ખુબ નજીવી છે. દરેકે વસાવવા જેવો અંક છે. દરેક ગામની સભામાં અને પંચાયતમાં મૂકી તેનું પ્રદર્શન કરવાની જરૂર છે.
કારકિર્દી ઘડવા માટે જરૂરી માર્ગદર્શન હોવુ જાઈએ. ટ્રેક્ટરના ડ્રાઈવરને પ્લેનની ચાવી આપી દઈએ તો અકસ્માત થાય પરંતુ તેને યોગ્ય માર્ગદર્શન અને તાલીમ આપવામાં આવે તો ટ્રેકટરનો ડ્રાઈવર પ્લેન ચલાવી શકે તેમાં કોઈ શંકા નથી.
રાજયના બેકાર લોકોએ રોજગારલક્ષી માર્ગદર્શન અચૂક મેળવવુ તે આજના સમયની તાતી જરૂરિયાત છે.