મેડિકલ કોલેજોમાં એમબીબીએસ સહિતના અંડર ગ્રેજ્યુએટ કોર્સીસ માટેની નેશનલ એલિઝિબિલિટી કમ એન્ટ્રન્સ એક્ઝામિનેશન (NEET) અને પછી યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન-નેશનલ એલિઝિબિલિટી ટેસ્ટ(UGC-NET)નું પેપર પણ ફૂટી જતાં વિદ્યાર્થીઓમાં આક્રોશ છે. દ્ગઈઈ્‌ આપનારા વિદ્યાર્થીઓ ૨૪ લાખ જ્યારેUGC-NETઆપનારા વિદ્યાર્થીઓની સંખ્યા ૧૨ લાખ છે. બંને પરીક્ષાનાં પેપર ફૂટવાના કારણે ૩૬ લાખ વિદ્યાર્થીઓનાં ભાવિ સાથે રમત થઈ ગઈ હોવાની લાગણી છે.
છેલ્લાં કેટલાંક વરસોથી સતત ફૂટી રહેલાં પેપરોના કારણે લોકોમાં ગુસ્સો હતો જ પણ આ બંને પરીક્ષાનાં પેપર ફૂટતાં આ ગુસ્સો ભડક્યો છે. હોંશિયાર ને મહેનતુ વિદ્યાર્થીઓ દિવસો લગી મહેનત કરે ને પછી લાયકાત વિનાના લોકો પૈસાના જોરે તેમનાથી આગળ નીકળી જાય તેથી આક્રોશ ભડકવો સ્વાભાવિક છે.

ગુજરાતમાં આ આક્રોશ વધારે છે કેમ કે ગુજરાત પેપર લીકનું એપીસેન્ટર છે.
ગુજરાત સર્વિસ પબ્લિક સર્વિસ કમિશન (GPSC)ની ૨૦૧૩ની વર્ગ ૩ના મ્યુનિસિપાલિટીના ચીફ ઓફિસરની ભરતી પરીક્ષામાં પેપર ફૂટવાની શરૂઆત થઈ પછી આ સિલસિલો ચાલ્યા જ કરે છે. ૨૦૧૪ના ફેબ્રુઆરીમાં રેવન્યુ તલાટીની ભરતી પરીક્ષાનું પેપર ફૂટ્યું, ૨૦૧૫માં ગુજરાત સર્વિસ પબ્લિક સર્વિસ કમિશન (GPSC)ની ચીફ ઓફિસરની ભરતી પરીક્ષાનું પેપર પાછું ફૂટ્યું જ્યારે ૨૦૧૫માં ગુજરાત પંચાયત ભરતી બોર્ડની તલાટીની પરીક્ષાનું પેપર ફૂટી ગયેલું.
આ પરીક્ષા ૨૦૧૬માં ફરી લેવાવાની હતી પણ ૨૦૧૬માં પણ તલાટીની પરીક્ષાનું પેપર ફૂટી ગયેલું. ૨૦૧૮માં નાયબ ચિટનીસ, પોલીસ રક્ષક દળ ને શિક્ષકોની ભરતી માટે લેવાતી ટાટની પરીક્ષાનાં પેપર ફૂટેલાં. ૨૦૧૮ના જ નવેમ્બરમાં મુખ્ય સેવિકા એટલે કે નર્સની ભરતી પરીક્ષાનું પેપર ફૂટેલું.
૨૦૧૯માં બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટ્યું તેમાં તો આખું ગુજરાત આક્રોશમાં હતું ને જબરદસ્ત ઉગ્ર દેખાવો થયેલા. અલબત્ત સરકારી તંત્ર પર તેની કોઈ અસર નહોતી થઈ. તેમણે બે વર્ષ લગી કોઈ પરીક્ષા ના લીધી ને પછી પરીક્ષા લેવાનું શરૂ કર્યું ત્યારે ૨૦૨૧માં વિદ્યુત સહાયકની પરીક્ષાનું પેપર ફૂટી ગયું. ૨૦૨૧ના જુલાઈમાં દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ (ડ્ઢય્ફઝ્રન્)માં વિદ્યુત સહાયકની ભરતી પરીક્ષાનું પેપર ફૂટી ગયેલું જ્યારે ૨૦૨૧માં જ સબ-ઓડિટર અને હેડ ક્લાર્કની ભરતી પરીક્ષાનાં પેપર પણ લીક થયેલાં. ૨૦૨૨ના માર્ચમાં વન રક્ષકની પરીક્ષાનું પેપર ફૂટ્યું અને છેલ્લે ૨૦૨૩ના જાન્યુઆરીમાં જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટી ગયેલું.
ગુજરાતમાં એ પછી કોઈ મોટી સ્પર્ધાત્મક પરીક્ષા લેવાઈ નથી તેથી ગુજરાતની કોઈ પરીક્ષાનાં પેપર ફૂટ્યાં નથી પણ બીજાં રાજ્યનાં પેપર ગુજરાતમાં ફૂટ્યાં છે. આ આક્રોશ પછી પણ સીબીએસઈના સત્તાધીશોને કંઈ થયું નહોતું.
સરકારી રાહે કેસ કરાયા ને બહુ બધી વાતો થઈ પણ પછી આખી વાતને ભૂલાવી દેવાઈ.
થોડા સમય પહેલાં ઉત્તર પ્રદેશમાં પોલીસ ભરતીનું પેપર ફૂટ્યું હતું. ૨૦૨૩માં ઉત્તર પ્રદેશમાં પોલીસમાં ૭૦ હજાર જેટલા કર્મચારીઓની ભરતી પરીક્ષાનું પેપર ગુજરાતમાં છપાતું હતું ત્યારે ફૂટી ગયેલું. પેપર ગુજરાતમાં છપાયા પછી યુપી મોકલાતું હતું ત્યારે પરીક્ષા શરૂ થતાં પહેલાં ફૂટી ગયું હતું.
યોગી આદિત્યનાથ સરકારે સ્પર્ધાત્મક પરીક્ષા યોજવાની જવાબદારી ગુજરાતની ખાનગી કંપની એજ્યુટેસ્ટને સોંપી હતી પણ પેપર ગુજરાતથી મોકલાતું હતું ત્યારે જ ફૂટી ગયેલું. કોન્સટેબલ ભરતી પરીક્ષા ૨૪ ફેબ્રુઆરીએ હતી પણ ૧૭ અને ૧૮ ફેબ્રુઆરીના રોજ પેપર ફૂટી જતાં પરીક્ષા રદ કરવી પડેલી. આ પરીક્ષામાં ૪૮ લાખ વિદ્યાર્થીઓ બેસવાના હતા ને એ બધાંની મહેનત પર પાણી ફરી વળેલું.
હમણાં આ પેપર લીકનો રીપોર્ટ આવ્યો તેમાં એજ્યુટેસ્ટ પેપર ફૂટવા માટે જવાબદાર ગણાવાતાં એજ્યુટેસ્ટને બ્લેકલિસ્ટ કરવામાં આવી છે. પોલીસે ચાર વાર સમન્સ મોકલ્યા છતાં કંપનીનો માલિક વિનીત આર્ય પૂછપરછ માટે હાજર નહોતો થયો ને સરકારમાં બેઠેલા લોકોના ઈશારે પોલીસે પણ તેને પકડવામાં કોઈ રસ ના બતાવ્યો. હવે આર્ય અમેરિકા ભાગી ગયો હોવાનું મનાય છે તેથી એ કદી હાથ લાગે એવી શક્યતા નથી.

કાયદાથી પેપર લીક રોકી શકાય ?
મોદી સરકારે નીટ અને યુજીસી-નેટનાં પેપર ફૂટ્યાં પછી આ બંને પરીક્ષા લેનારી કેન્દ્ર સરકારના તાબા હેઠળની નેશનલ ટેસ્ટિંગ એજન્સી (એનટીએ)ના ડિરેક્ટર જનરલ સુબોધ કુમારને હટાવી દીધા છે અને પ્રદીપસિંહ ખરોલાને નવા ડિરેક્ટર જનરલ બનાવ્યા છે.
આ ઉપરાંત મોદી સરકારે તાત્કાલિક રીતે પબ્લિક એક્ઝામિનેશન (પ્રિવેન્શન ઓફ અનફેર મીન્સ) એક્ટ ૨૦૨૪ લાગુ કરી દીધો છે. આ એક્ટનો અમલ કરવાનું જાહેરનામું શુક્રવારે રાત્રે બહાર પાડીને પાછલી અસરથી એટલે કે ૨૧ જૂન, ૨૦૨૪થી તેનો અમલ પણ શરૂ કરી દીધો. આ કાયદાનો ઉદ્દેશ દેશભરમાં યોજાતી સ્પર્ધાત્મક અને સામાન્ય પ્રવેશ પરીક્ષાઓમાં છેતરપિંડી અટકાવવાનો છે. આ કાયદો આ વર્ષે ફેબ્રુઆરીમાં સંસદ દ્વારા પસાર કરવામાં આવ્યો હતો.
આ કાયદા હેઠળ સરકારી નોકરીઓની ભરતી માટેની પરીક્ષાઓમાં છેતરપિંડી બદલ ઓછામાં ઓછી ૩ થી ૫ વર્ષની જેલની સજા અને ૧૦ લાખ રૂપિયાનો દંડ થશે. જો ગેંગ બનાવીને પેપર લીક કરાશે તો તેને ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ ગણીને ગેંગમાં સામેલ લોકોને ૫ થી ૧૦ વર્ષની જેલ અને ૧ કરોડ રૂપિયાનો દંડ થશે. ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ બદલ ઓછામાં ઓછા ૫ વર્ષની કેદની સજાની જોગવાઈ પરીક્ષાનું સંચાલન કરતી સંસ્થા, સેવા પૂરી પાડનાર અથવા અન્ય રીતે સામેલ સંસ્થા કે કંપનીઓને આ જોગવાઈ લાગુ પડશે.
આ કાયદામાં મિલકત જપ્ત કરવાની પણ જોગવાઈ છે. ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમમાં સામેલ આરોપીઓની સંસ્થા કે કંપનીઓની મિલકતો જપ્ત કરવાની પણ કાયદામાં જોગવાઈ છે. પરીક્ષાનો ખર્ચ પણ તે સંસ્થા પાસેથી વસૂલવામાં આવશે અને આ રકમ ૧ કરોડ રૂપિયાના ઓછામાં ઓછા દંડ સિવાયની હશે.
આ કાયદા હેઠળ વિદ્યાર્થીઓને સજા નહીં કરાય કેમ કે તેમના ભાવિનો સવાલ છે. અલબત્ત કોઈ ઉમેદવાર પરીક્ષા દરમિયાન ગેજેટ કે બીજી રીતે ચોરી કરતો પકડાશે તો કેન્દ્રના સંચાલક કે સુપરવાઈઝર સામે ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમની જોગવાઈ મુજબ કાર્યવાહી કરવામાં આવશે. પેપર અથવા જવાબો લીક કરવા, પરીક્ષા દરમિયાન ઉમેદવારોને મોબાઈલ ફોન સહિતનાં ગેજેટથી મદદ કરવી, કોમ્પ્યુટર નેટવર્ક કે બીજાં ઉપકરણો સાથે ચેડાં કરવા, પ્રોક્સી ઉમેદવારોને મૂકવા વગેરે બાબતોને આ કાયદા હેઠળ આવરી લેવાઈ છે.
આ સિવાય બીજી પણ ઘણી આકરી જોગવાઈઓ આ કાયદામાં છે અને મહત્વની વાત એ છે કે, પબ્લિક એક્ઝામિનેશન્સ (પ્રિવેન્શન ઓફ અનફેર મીન્સ) એક્ટ, ૨૦૨૪ હેઠળના ગુના બિનજામીનપાત્ર છે.
ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ (ડીએસપી ) અથવા આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ (એસીપી) રેન્કના અધિકારી જ આ એક્ટ હેઠળ ગુનાની તપાસ કરી શકશે. કેન્દ્ર સરકાર કોઈપણ તપાસ કેન્દ્રીય એજન્સીને સોંપી શકશે. યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (ેંઁજીઝ્ર), સ્ટાફ સિલેકશન કમિશન (જીજીઝ્ર), રેલ્વે, બેંકિંગ ભરતી પરીક્ષાઓ અને નેશનલ ટેસ્ટિંગ એજન્સી (દ્ગ્‌છ) દ્વારા લેવામાં આવતી તમામ કમ્પ્યુટર આધારિત પરીક્ષાઓને આ કાયદા હેઠળ આવરી લેવામાં આવી છે.

હવે ફરી એ જ સવાલ કે, કાયદાથી પેપર લીક રોકી શકાય ?
હા, ચોક્કસ રોકી શકાય પણ સવાલ રાજકીય ઈચ્છાશક્તિનો છે. ટ્રાફિકને લગતો કાયદો હોય કે પરીક્ષામાં ચોરીને લગતો કાયદો, તેના પરિણામ મળે જ છે પણ તેના કારણે લોકોમાં અસંતોષ પેદા થાય તેનાં પરિણામ ભોગવવાની તૈયારી નેતાઓની હોતી નથી તેથી આવા કાયદા કાગળ પર જ રહી જાય છે.
ભૂતકાળમાં ભાજપના શાસનમાં આવું બન્યું છે.
ભાજપે ૧૯૯૦માં ઉત્તર પ્રદેશમાં કલ્યાણસિંહના નેતૃત્વમાં પહેલી વાર સરકાર રચી ત્યારે રાજનાથસિંહ શિક્ષણ મંત્રી હતા. ઉત્તર પ્રદેશ પરીક્ષામાં ચોરી માટે કુખ્યાત હતું. રાજનાથે પરીક્ષામાં ચોરી રોકવા માટે કમર કસી અને ધ એન્ટિ-ચીટિંગ એક્ટ, ૧૯૯૨ બનાવી દીધો. આ એક્ટમાં પરીક્ષામાં ચોરી કરતાં ઝડપાયેલા વિદ્યાર્થીઓને જેલની સજા કરવા સુધીની જોગવાઈ હતી.
ભારતમાં આવો કાયદો બનાવવાની કોઈ કલ્પના જ ના કરે એવું મનાતું ત્યારે રાજનાથે આ કાયદો અમલમાં મૂકી દીધો હતો. આ કાયદાની ચમત્કારિક અસર થઈ અને પરીક્ષામાં ચોરી સાવ ઘટી ગઈ. તેના કારણે ૧૯૯૨માં યુપીમાં ધોરણ ૧૦ની પરીક્ષાનું બોર્ડનું પરિણામ માત્ર ૩૦ ટકા અને ધોરણ ૧૨ની પરીક્ષાનું પરિણામ માત્ર ૧૪ ટકા આવતાં સોપો પડી ગયો હતો. ૬ ડીસેમ્બર, ૧૯૯૨ના રોજ બાબરી ધ્વંશ થઈ પછી કલ્યાણસિંહની સરકારને સસ્પેન્ડ કરી દેવાયેલી. ૧૯૯૩માં ફરી ચૂંટણી થઈ ત્યારે વિપક્ષે પરીક્ષામાં ચોરી વિરોધી કાયદાને મુદ્દો બનાવેલો. ભાજપ આ ચૂંટણીમાં હારી ગયો એટલે તેને લાગ્યું કે, આ કાયદાના કારણે હાર થઈ છે તેથી આ કાયદો નાબૂદ થયો ત્યારે ભાજપે તેનો વિરોધ ન કર્યો કે ફરી તેની સરકાર આવી ત્યારે ફરી કાયદો અમલનાં પણ ના મૂક્યો.
આશા રાખીએ કે મોદી સરકાર એવું ના કરે અને આ કાયદાનો કડક અમલ કરીને વિદ્યાર્થીઓના ભાવિ સાથે રમાતી રમત બંધ કરાવે.