અમરેલી ડિવાયએસપી કચેરીના બે કર્મચારીઓની કામગીરી શંકાસ્પદ જણાતા એસપી દ્વારા આ કર્મચારીઓને સસ્પેન્ડ કરાતા પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે. સામાન્ય રીતે એસપી કચેરી કે ડિવાયએસપી કચેરીના કર્મચારીઓ કચેરીમાં જ પોતાને સોંપાયેલ જે-તે કામગીરી કરતા હોય છે પરંતુ દોઢેક માસ પહેલા ડિવાયએસપી કચેરીના બે પોલીસ કર્મીઓ ગૌરવ પંડ્યા અને જિગ્નેશ સોલંકીએ રેતી ભરેલ વાહન અટકાવી તલાશી લીધા બાદ જાણવાજાગ દાખલ કરી હતી. બાદમાં પાછળથી તેમણે રોયલ્ટી પાસધારકને બોલાવ્યા હતા. જાકે, શા માટે બોલાવ્યા હતા એ હજુ સામે આવ્યું નથી. પરંતુ આ સમગ્ર મામલે એસપીને રજૂઆત કરાતા એસપી દ્વારા ખાનગીરાહે તપાસ હાથ ધરી આ બંને પોલીસ કર્મીઓની કામગીરી શંકાસ્પદ જણાતા બંનેને સસ્પેન્ડ કર્યા હતા.
આ બંને પોલીસ કર્મચારીઓનો વીડિયો પણ અગાઉ વાયરલ થયો હતો. જાણવા મળ્યા મુજબ, સસ્પેન્ડ થયેલા આ બંને કર્મચારીઓ દ્વારા વાહનો અટકાવી પૂછપરછ અને તલાશી લીધા બાદ ફક્ત જાણવાજાગ દાખલ કરી વાહનોને બારોબાર છોડી મુકતા હતા. તેઓ ન તો કોઇ વાહન કબજે લેતા હતા કે ન તો કોઇ મુદ્દામાલ કબજે લેતા હતા. રેતી ભરેલા ટ્રેક્ટરના મામલામાં રોયલ્ટી પાસ અંગે પણ તેઓ કોઇ તપાસ નહોતા કરતા. દોઢ માસ પહેલા જે વાહનને અટકાવ્યું હતું તે મામલે તાલુકા પોલીસ સ્ટેશનમાં જાણવાજાગ દાખલ કર્યા બાદ રોયલ્ટી પાસધારકને બોલાવી પૈસાની માંગણી કર્યાની ચર્ચા થઇ રહી છે. રોયલ્ટી પાસધારક તથા વાહનધારક દ્વારા આ મામલે એસપીને રજૂઆત કરાઇ હતી. જેના આધારે તપાસ બાદ બંનેને નોકરીમાંથી બરતરફ કરાયા છે. ત્યારે ખાખી વર્દીનો આ પ્રકારનો ગેરઉપયોગ કરતા કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે.