આજના ઝડપી અને સ્પર્ધાત્મક યુગમાં માત્ર કામ કરવું પૂરતું નથી, પરંતુ કામ પ્રત્યેનું કમિટમેન્ટ એટલે કામ પ્રત્યેની પ્રતિબધ્ધતા જ વ્યક્તિને અલગ ઓળખ અપાવે છે. કમિટમેન્ટ એ માત્ર શબ્દ નથી, પરંતુ તે વ્યક્તિના સ્વભાવ, જવાબદારી અને નિષ્ઠાનું પ્રતિબિંબ છે.
કોઈપણ કાર્ય શરૂ કરવું સહેલું છે, પરંતુ તેને અંત સુધી પહોંચાડવું અને શ્રેષ્ઠ રીતે પૂર્ણ કરવું એ સાચું કમિટમેન્ટ કહેવાય. ઘણીવાર આપણે ઉત્સાહથી કાર્ય શરૂ કરીએ છીએ, પરંતુ સમય જતા તે ઉત્સાહ ઘટી જાય છે. અહીં જ કમિટમેન્ટની સાચી કસોટી થાય છે. સાચું કમિટમેન્ટ એટલે જ્યારે મુશ્કેલીઓ આવે ત્યારે પણ કામ છોડ્યા વિના આગળ વધવું.
કમિટમેન્ટ ધરાવતી વ્યક્તિ સમયનું મહત્વ સમજે છે. તે સમયસર કાર્ય પૂર્ણ કરે છે અને પોતાની જવાબદારીને પ્રાથમિકતા આપે છે. આવી વ્યક્તિઓ પર સમાજ, સંસ્થા અને પરિવારનો વિશ્વાસ વધે છે. કારણ કે તેઓ જાણે છે કે આ માણસે કહ્યું છે એટલે કામ જરૂર થશે.
કમિટમેન્ટનું બીજુ મહત્વપૂર્ણ પાસું છે કામની ગુણવત્તા. માત્ર કામ પૂરુ કરવું જ નહીં, પરંતુ શ્રેષ્ઠ ગુણવત્તા સાથે કરવું એ પણ કમિટમેન્ટનો ભાગ છે. જે વ્યક્તિ પોતાના કામમાં ગુણવત્તા જાળવે છે, તે લાંબા ગાળે સફળતા અને માન-સન્માન મેળવે છે.
કમિટમેન્ટના કેટલાક વ્યવહારુ ઉદાહરણ જોઈએ
૧. વિદ્યાર્થી જીવનનું ઉદાહરણ
એક વિદ્યાર્થી આખા વર્ષ દરમિયાન નિયમિત અભ્યાસ કરે છે, સમયસર હોમવર્ક પૂર્ણ કરે છે અને પોતાની નબળાઈઓ સુધારવા પ્રયત્ન કરે છે. જ્યારે બીજો વિદ્યાર્થી માત્ર પરીક્ષા નજીક આવે ત્યારે જ અભ્યાસ શરૂ કરે છે.અંતે પરિણામમાં સ્પષ્ટ તફાવત દેખાય છે. અહીં નિયમિત અભ્યાસ કરનાર વિદ્યાર્થીનું કમિટમેન્ટ જ તેની સફળતાનું કારણ બને છે.
૨. સરકારી કર્મચારીનું ઉદાહરણ
કોઈ એક કર્મચારી માત્ર ફરજ પૂરી કરવા માટે ઓફિસ આવે છે, જ્યારે બીજો કર્મચારી લોકોને સાચી સેવા આપવા માટે દિલથી કામ કરે છે અને સમયસર ફાઈલ પૂરી કરે છે, લોકોની સમસ્યાઓ સાંભળે છે. આવી કમિટમેન્ટવાળી વ્યક્તિ સમાજમાં વિશ્વાસ અને માન મેળવે છે.
૩. ડોક્ટરનું ઉદાહરણ
ડોક્ટર માટે કામ માત્ર વ્યવસાય નથી, પરંતુ જીવન બચાવવાની જવાબદારી છે.કોઈ ડોક્ટર રાત-દિવસ દર્દીઓ માટે હાજર રહે છે, તાત્કાલિક પરિસ્થિતિમાં પણ પોતાની ફરજ નિભાવે છે. આ પ્રકારનું કમિટમેન્ટ અનેક લોકોના જીવન બચાવે છે અને તેને “ભગવાન સમાન” માન અપાવે છે.
૪. ખેલાડીનું ઉદાહરણ
એક ખેલાડી રોજ સવારથી સાંજ સુધી પ્રેક્ટિસ કરે છે, પોતાની ખામીઓ સુધારે છે, શિસ્તબધ્ધ જીવન જીવતો રહે છે. મેદાનમાં જીત માત્ર ટેલેન્ટથી નહીં, પરંતુ વર્ષોનું કમિટમેન્ટ અને મહેનતનું પરિણામ હોય છે.
૫. વ્યવસાયિક વ્યક્તિનું ઉદાહરણ
એક વેપારી પોતાના ગ્રાહકોને સારો માલ અને સાચી સેવા આપે છે. તે વિશ્વાસ જાળવવા માટે ક્યારેય છેતરપિંડી કરતો નથી. પરિણામે, ગ્રાહકોનો વિશ્વાસ વધે છે અને તેનો વ્યવસાય લાંબા ગાળે સફળ બને છે.
૬. પરિવાર જીવનનું ઉદાહરણ
પરિવારમાં પણ કમિટમેન્ટ એટલું જ મહત્વનું છે.માતા-પિતા પોતાના બાળકોના ભવિષ્ય માટે દિવસ-રાત મહેનત કરે છે, તેમની જરૂરિયાતો પૂરી કરે છે. આ નિષ્ઠા અને કમિટમેન્ટ જ પરિવારને મજબૂત બનાવે છે.
૭. સામાજિક કાર્યકરનું ઉદાહરણ
કોઈ વ્યક્તિ સમાજમાં સ્વચ્છતા, શિક્ષણ અથવા સેવા માટે સતત કાર્ય કરે છે. કોઈ પ્રસિદ્ધિની આશા વગર સેવા કરીને અનેક લોકોને ઉપયોગી થાય છે ત્યારે તેનું કમિટમેન્ટ સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવે છે. અંતમાં કહી શકાય કે, કામનું કમિટમેન્ટ માત્ર સફળતા મેળવવા માટે જ નહીં, પરંતુ જીવનને અર્થપૂર્ણ બનાવવા માટે પણ જરૂરી છે. જે વ્યક્તિ પોતાના કાર્ય પ્રત્યે સચ્ચાઈ અને નિષ્ઠા રાખે છે, તે જીવનમાં ક્યારેય પાછળ પડતો નથી. કમિટમેન્ટ એ એક એવો ગુણ છે જે વ્યક્તિને વિશ્વાસપાત્ર, જવાબદાર અને સફળ બનાવે છે. તે માત્ર લક્ષ્ય સુધી પહોંચાડતું નથી, પરંતુ જીવનમાં સંતોષ અને ગૌરવ પણ આપે છે.
“કમિટમેન્ટ એ જ છે જે વચનને
વાસ્તવિકતામાં ફેરવે છે.”
કામમાં જે રાખે કમિટમેન્ટનો દીવો,
તેના જીવનમાં ક્યારેય ન આવે અંધકારનો છાયો.
માર્ગ કઠિન હોય છતાં,
પગ પાછા ના ખેંચાય,
કમિટમેન્ટ જે દિલમાં હોય, તેનાથી જ શિખરે પહોંચાય.





































