વડોદરાના માજી ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ ફરી મેદાનમાં આવ્યા છે. વિવાદોથી ઘેરાયેલા રહેતા અને ભાજપથી છેડો ફાડનાર પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ ફરીથી રાજકારણમાં એકટીવ થયા છે. તેમણે ફરીથી સરકારી અધિકારીઓ ઉપર આકરા પ્રહાર કર્યા છે.
વાઘોડિયાના પૂર્વ ધારાસભ્યએ પોતાના નવા કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે મધુ શ્રીવાસ્તવે કહ્યું કે, મામલતદાર હોય કે અધિકારી કાન ખોલી લેજા ચૌદમું રતન ન વાપરું તો મારું નામ મધુ શ્રીવાસ્તવ નહિ. ભગવાન સિવાય હું કોઈથી નથી ડરતો. તાલુકા અને નગરપાલિકામાં ચૂંટણી લડી અધૂરા કામો પૂરા કરીશ. વાઘોડિયા અને તાલુકા બંને વિધાનસભામાં બે નંબરીઓ કાવતરા કરી રહ્યા છે. તમામને ઠેકાણે પાડી દઈશ કોઈના માટે શિંગડા નથી ઉગ્યા.
મધુ શ્રીવાસ્તવે ફરી એકવાર રાજકારણમા સક્રિય થવા માટે કમર કસી લીધી છે. આ સાથે જ તેમણે અધિકાર રાજ પર આકરા શબ્દો કર્યા હતા. અગાઉ પણ તેઓ સરકારી અધિકારીઓની દાદાગીરીના સવાલો ઉઠાવતા રહ્યાં છે. તેમણે કહ્યું કે, કાવતરાં કરનાર કાન ખોલીને સાંભળી લેજા. હું મેદાનમાં આવી રહ્યો છું. પછી જે બે નંબરના ધંધા હોય કે જે અન્ય હોય તે સમજી જજા, જા ૧૪મું રત્ન ન બતાવું તો મારું નામ મધુ શ્રીવાસ્તવ ન કહેતા. આ મધુ શ્રીવાસ્તવ છે, ભગવાન સિવાય કોઈ કોઈના બાપથી ડરતો નથી, બધાને ઠેકાણે પાડી દઈશ. વાઘોડિયાની પ્રજા, જેને વર્ષોથી મેં વચન આપ્યું છે કે, હું જીવતો રહીશ અને મારી શ્વાસમાં શ્વાસ છે ત્યાં સુધી હું તમારા પડખે રહીશ. તમારા કામ માટે ખડેપગે કામ કરીશ. નાત-જાતના ભેદભાવ વગર મારી પ્રજાએ મારું ઘર જાયું છે. મેં જે વચન આપ્યું છે તે વચન આજે પણ પાકું રહેશે. હું જ્યાં સુધી જીવતો રહીશ ત્યાં સુધી મારું વચન રહેશે. અડધી રાતે પણ મારા ઘરે આવશો, મારા ઘરના દરવાજા ખુલ્લા રહેશે.
તેમણે કહ્યું કે, ન કોંગ્રેસથી કે ન ભાજપથી, આ મારી પ્રજા કહે છે કે, બધા સંગઠિત થઈને લોકશાહી મોર્ચો બનાવો, તે મોર્ચો બનાવીને તાલુકા પંચાયત પણ લડાવાની, તાલુકા પંચાયત પણ જીતાડીશ અને તાલુકા પંચાયતમાં જે વિકાસ બાકી છે, તેમાં મોટામાં મોટું વાઘોડિયામાં જે ગંદકી છે તે દૂર કરવાનો પ્રયત્ન કરીશ. નગરપાલિકામાં આવીને સારું કાર્ય કરવાનું છે. જે રોડ ખરાબ થઈ ગયા છે, તે રોડ બનાવવાના છે. શુદ્ધ પાણી નથી મળતું, તે પાણી લાવવાનો પ્રયાસ કરીશ. નર્મદાનું પાણી લાવ્યો છું, બધું જ લાવ્યો છું પણ તેની પાછળ વિકાસ નથી થયો અને વિકાસ કરવા માટે જ આજે ઓફિસ ખોલી છે.
ઉલ્લેખનીય છે કે, મધુ શ્રીવાસ્તવ ભાજપમાંથી સસ્પેન્ડ કરાયા હતા. તેના બાદ તેઓએ ભાજપ સામે જ બળવો કર્યો હતો, અને અપક્ષ ચૂંટણી લડી હતી. પરંતું તેઓ અપક્ષ ચૂંટણીમાં હારી ગયા હતા. મધુ શ્રીવાસ્તવની છાપ દબંગ નેતા તરીકેની છે. તેઓ સતત વિવાદિત નિવેદનો કરવા માટે પ્રખ્યાત છે. વાઘોડિયા સ્થિત કાર્યાલય આજે વિધિવત ગણપતિની પૂજા અને ભગવાન સત્યનારાયણની કથા કરી આજથી કાર્યરત કરવામાં આવ્યું છે. કાર્યાલયના ઉદ્ઘાટન પૂર્વે વાઘોડિયાથી ગુતાલ ગામે રામાપીર મંદિરે આજે રામપીર જયંતી પર નેજા ચઢાવી આર્શીવાદ લીધા હતા, જે બાદ વાઘોડિયા કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે ગામના વેપારીઓ સહિત કોંગ્રેસના કાર્યકરો, હોદ્દેદારો સહિત મધુ શ્રીવાસ્તવના ચાહકો હાજર રહ્યા હતા.