અમરેલી જિલ્લામાં મોટી સંખ્યામાં શ્રમિકો પેટિયું રળવા આવ્યા છે. આ દરમિયાન સાવરકુંડલાના કાનાતળાવ ગામે વાડીએ કામ કરતાં પરપ્રાંતીય મજૂર દંપતીના વ્હાલસોયા પુત્રનું કૂવામાં પડી જતાં મોત થયું હતું. જેને લઈ શોકનો માહોલ છવાઈ ગયો હતો. આ અંગે મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના ભાબરા તાલુકાના કિલાણા ગામના ચમશીંગભાઈ લગુભાઈ વસુનીયા (ઉ.વ.૩૬)એ જાહેર કર્યા મુજબ, તેઓ તેમના પત્ની સાથે વાડીએ જુવાર વાઢવાનું કામ કરતા હતા. તે સમયે તેમના પુત્ર અજ્યે બોલાવીને કહ્યું કે હિતેષ રમતા રમતા કૂવામાં પડી ગયો છે. જેથી તેઓ તથા તેમના પત્નીએ ત્યાં પહોંચી બહાર કાઢી સારવાર માટે લઈ ગયા હતા. જ્યાં તેનું મોત થયું હતું. સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ. એમ.કે.સોલંકી વધુ તપાસ કરી રહ્યા છે.