અહાન શેટ્ટી અને તારા સુતારિયાની ફિલ્મ ‘તડપ’ શુક્રવારે, ૩ ડિસેમ્બરે થિયેટરમાં રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મ અહાન શેટ્ટીની ડેબ્યૂ ફિલ્મ છે. અહાન શેટ્ટી બોલિવુડ સુપરસ્ટાર સુનીલ શેટ્ટીનો દીકરો છે. ‘તડપ’ ફિલ્મને મિલન લુથરિયાએ ડિરેક્ટ કરી છે જ્યારે રજત અરોરાએ લખી છે. બુધવારે ફિલ્મનું સ્ક્રીનિંગ યોજોયું હતું. જેમાં, સુનીલ શેટ્ટી, આથિયા શેટ્ટી, માના શેટ્ટી, અહાન શેટ્ટીની ગર્લફ્રેન્ડ તાન્યા શ્રોફ, કે.એલ. રાહુલ, અભિષેક બચ્ચન, હાર્દિક પંડ્યા, કુણાલ પંડ્યા, પંખુડી શર્મા, અનુપમ ખેર, દિશા પાટની, સલમાન ખાન, કાજોલ, હર્ષવર્ધન કપૂર સહિતના સેલેબ્રિટી પહોંચ્યા હતા. તડપના સ્ક્રીનિંગમાંથી કાજોલ, અહાન શેટ્ટી અને માના શેટ્ટીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે . આ વીડિયોમાં કાજોલે અહાન શેટ્ટી માટે જે શબ્દ વાપર્યો તેને લઈને ચર્ચા જોગી છે. આ વીડિયોમાં રેડ કાર્પેટ પર કાજોલ અહાન શેટ્ટી સાથે સેલ્ફી લેવા માગે છે. તે માના શેટ્ટીને (સુનીલ શેટ્ટીની પત્ની) બોલાવે છે. બીજી તરફ કેમેરામેન ત્રણેયને ફોટો માટે પોઝ આપવા કહે છે. ત્યારે કાજોલ તેમને કહે છે ‘મારો ફોન વધારે જરૂરી છે’. બાદમાં તે પોતાના ફોનથી સેલ્ફી લેવા લાગે છે. ત્રણેય વચ્ચે કંઈક વાતચીત થાય છે અને કાજોલ પોતાનો ફોન અહાનને આપી દે છે. અહાન ફોટોના બદલે બૂમરેંગ મોડ સિલેક્ટ કરી લે છે. જેના કારણે ફોટો ક્લિક કરવામાં સમય લાગે છે. બાદમાં કાજોલ ફની અંદાજમાં અહાનને કહે છે ‘હવે લઈ લે ગધેડા’. એટલે કે, હવે તો ફોટો ક્લિક કરી લે તડપના સ્ક્રીનિંગ બાદ કાજોલે આ બૂમરેંગ વીડિયો ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં શેર કર્યો હતો અને બોલિવુડમાં ડેબ્યૂ માટે અહાન શેટ્ટીને અભિનંદન પાઠવ્યા હતા. તેણે લખ્યું હતું અભિનંદન અભિનંદન અભિનંદન અહાન શેટ્ટી તને સફળતા મળે તેવી શુભેચ્છા અને ઈન્ડસ્ટ્રીમાં તારું દિલથી સ્વાગત’. અહાન શેટ્ટીની બહેન અથિયા શેટ્ટી પણ એક્ટિંગ ઈન્ડસ્ટ્રીમાં છે. તેણે સલમાન ખાનના પ્રોડક્શનની ફિલ્મ ‘હીરો’થી ડેબ્યૂ કર્યું હતું.