રાજકોટ,તા.૦૩
શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડની દર વર્ષની પરંપરા મુજબ આસો નવરાત્રિના પ્રથમ દિવસે પદયાત્રા યોજાઈ હતી. શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલની આગેવાનીમાં ૩ ઓક્ટોબર-ગુરુવારના રોજ કાગવડ ગામથી શ્રી ખોડલધામ મંદિર સુધી યોજાયેલી આ પદયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા અને પ્રથમ નોરતે મહાઆરતી, ધ્વજારોહણ અને યજ્ઞ થકી મા ખોડલના પોખણાં કરી નવરાત્રીનો શુભારંભ કર્યો હતો. નરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, ‘આ વર્ષે શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા ગુજરાતભરમાં ૩૭ જગ્યાએ ગરબીઓ થવા જઈ રહી છે. દર વર્ષે ખોડલધામ મંદિર તરફ લોકોની આસ્થા અને શ્રદ્ધા પણ વધતી જાય છે. આજના આ દિવસે મા ખોડલને પ્રાર્થના કરીએ કે આપણી સંગઠનની જ્યોત જે પ્રજવલ્લિત કરી છે તેને આંચ ન આવે. આપણે સૌ સમાજના કામ કરતાં કરતાં રાષ્ટ્રની સેવામાં આગળ વધીએ. ખોડલધામ કેન્સર હોસ્પિટલનું ખૂબ મોટું કામ કરવા જઈ રહ્યું છે. આગામી એકાદ મહિનામાં હોસ્પિટલનું કામ પણ શરૂ થઈ જશે. સર્વ સમાજ માટે થવા જઈ રહેલો આ સેવાયજ્ઞ આપણે સૌ સાથે મળીને પૂર્ણ કરીએ તેવી મા ખોડલને પ્રાર્થના કરું છું.’ મંદિરે મા ખોડલની મહાઆરતી કરવામાં આવી હતી. ત્યારબાદ શ્રી ખોડલધામ મંદિરના શિખર પર ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. દર વર્ષની માફક આ વર્ષે પણ યજ્ઞશાળામાં યજ્ઞ કરવામાં આવ્યો હતો.પદયાત્રામાં જોડાયેલા ભક્તો માટે ટ્રસ્ટ દ્વારા ફરાળ અને નાસ્તાની વ્યવસ્થા કરાઈ હતી. પદયાત્રાના માર્ગ પર ભક્તોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે સ્વયંસેવકોની ટીમ પણ ખડેપગે રહી હતી અને પાણી સહિતની વ્યવસ્થા સારી રીતે સંભાળી હતી.