અમારા ગામમાં કામ કરવું હોય તો પૈસા આપવા પડશે કહી ફટકારીને અપહરણની કોશિશથી ચકચાર

મોબાઈલની લૂંટ ચલાવી જાનથી મારવાની ધમકી આપી

બગસરાના કાગદડી ગામે ચાલતાં માઈનોર બ્રિજનું નિરીક્ષણ કરવા ગયેલા રાજ્ય સેવકને અમારા ગામમાં કામ કરવું હશે તો હપ્તો આપવો પડશે તેમ કહી ફટકારવામાં આવ્યો હતો. ઉપરાંત મોબાઈલની લૂંટ ચલાવીને જાનથી મારવાની ધમકી આપી હતી. બનાવ સંદર્ભે ઉમેશભાઈ મહાદેવભાઈ પરમાર (ઉ.વ.૩૦)એ જયદીપ વિક્રમભાઈ ધાધલ, કુલદીપ મેરામભાઈ ધાધલ, જોરૂ ધાધલ તથા એક અજાણ્યા ઇસમ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, ઉમેશભાઈ પરમાર આસિસ્ટન્ટ એન્જિનિયર તરીકે કાગદડી ગામમાં એક માઇનોર બ્રિજની ચાલી રહેલી કામગીરીનું નિરીક્ષણ કરવા ગયા હતા. તે સમયે, ચાર વ્યક્તિઓ તેમની પાસે આવ્યા અને તેમને કામ ચાલુ રાખવા માટે હપ્તો (પૈસા) આપવા કહ્યું, જેની તેમણે ના પાડી. ઇજનેરે પૈસા આપવાની ના પાડતા, ચારેય આરોપીઓએ ઉશ્કેરાઈને તેમના પર હુમલો કર્યો હતો. એક આરોપીએ લાકડાના ધોકા વડે ઇજનેરના ડાબા પગના ઘૂંટણ પર બે ઘા માર્યા, જ્યારે બાકીના ત્રણેયે તેમને શરીરે અને મોઢાના ભાગે માર માર્યો હતો. જેના કારણે તેમના નાકમાંથી લોહી નીકળવા લાગ્યું હતું. હુમલા દરમિયાન આરોપીઓએ તેમને બળજબરીથી ફોર-વ્હીલ કારમાં બેસાડીને અપહરણ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ સાથે, એક આરોપીએ તેમના શર્ટના ખિસ્સામાંથી ૨૬,૦૦૦ રૂપિયાની કિંમતનો ઓપો રેનો-સેવન મોબાઈલ ફોન પણ લૂંટી લીધો હતો. હુમલો કરી, અપશબ્દો બોલીને અને જાનથી મારી નાખવાની ધમકી આપીને ચારેય આરોપીઓ તેમની ફરજમાં રૂકાવટ કરી સ્થળ પરથી નાસી છૂટ્યા હતા. પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી. બગસરા પોલીસ સ્ટેશનના પીઆઈ આઈ.જે. ગીડા વધુ તપાસ કરી રહ્યા છે.