(૧) કાગડા ગામડાં છોડી શહેરમાં શા માટે ગયા છે ?
ડાહ્યાભાઈ આદ્ગોજા (લીલિયા મોટા)
કાગડીઓને કારણે!
(૨) હોડી અને હોળી વચ્ચે શું તફાવત છે?
યોગેશભાઈ આર જોશી (હાલોલ જિ.પંચમહાલ)
પાણી અને આગનો.
(૩) ઉનાળામાં જ કેમ ગરમી પડે છે ?
જીગર આહીર (દાત્રાણા- પાટણ)
ગરમીને શિયાળામાં ઠંડી લાગે અને ચોમાસામાં ભીંજાય તો શરદી થઈ જાય છે.
(૪) આપને કઈ ઋતુ ગમે ? ઉનાળો, ચોમાસુ કે શિયાળો ?
રતિલાલ ડાભી (લીલીયા મોટા)
ઉનાળામાં શિયાળો, શિયાળામાં ચોમાસું અને ચોમાસામાં ઉનાળો ગમે.
(૫) નાક તો બધાંને હોય જ છે, તો પછી અમુકને નાક વગરનો એમ કેમ કહેવાતું હશે ?
કનુભાઈ લિંબાસિયા ‘કનવર’ (ચિત્તલ)
આપનો સવાલ ખતર‘નાક’ અને ગજબ‘નાક’ છે. એનો જવાબ આપીશ તો એ દર્દ‘નાક’ થઈ જશે.
(૬) સાહેબ..! કોઈ તમારા સવાલના જવાબથી દાઝે તો એમને કઈ દવા અપાય છે..?
ધોરાજીયા ઘનશ્યામ એન. (સાજણટીંબા)
દાઝયા પર ડામ.
(૭) કૂકડો સવાર પડે ત્યારે જ કેમ બોલે ?
મુસ્તુફા કનોજિયા (રાજુલા)
કુકડો એલાર્મ ઘડિયાળ ગળી ગયો હશે.
(૮) દુનિયાનો અંત કેદી આવશે?
કટારીયા આશા હિમ્મતભાઇ (કીડી)
અંતિમ માણસ અંતિમ શ્વાસ લેશે ત્યારે.
(૯) તમે વેકેશનમાં મામાના ઘરે જવાના છો કે નહિ ?
રાજુ એન. જોષી (ધરાઈ બાલમુકુંદ)
જવું તો હોય પણ વેકેશનમાં મારા ઘેર ભાણિયાઓ ભીંસ કરી જાય છે!
(૧૦) મચ્છર આપણા કાન પાસે આવીને જ કેમ સૂર રેલાવે છે?
જયશ્રીબેન બી. મહેતા (કોટડાપીઠા)
એ તો એયને ગીત ગાતો ગાતો એના રસ્તે નીકળે છે. આપણે જ એના માર્ગ પર ગેરકાયદે દબાણ કર્યું હોય છે.
(૧૧) હું લગ્ન કરું કે ન કરું?
દર્શન પટેલ (વડોદરા)
હું ના પાડું તો તમે અટકી જવાના? હું હા પાડું તો તમને કન્યા મળી જવાની?!
(૧૨) હવે મહાપુરુષો કેમ જન્મતા નથી?
રામભાઈ પટેલ (સુરત)
જન્મશે જન્મશે, પ્રયત્ન ચાલુ રાખો.
(૧૩) “એરૂની માસી ”ને એનાં ભાણિયાના નામથી કેમ ઓળખાય છે?
હરિભાઈ ધોરાજિયા (લીલીયા મોટા)
કારણ કે ભાણિયો માથું કાઢી ગયેલો છે!
(૧૪) “પાકા ઘડે કાંઠા ના ચડે” કહેવતનું લેટેસ્ટ ઉદાહરણ આપો.
કનુભાઈ પરમાર (દામનગર)
અમારા ગામનાં મણીમાને મોબાઈલ વાપરતા આવડતું નથી.
(૧૫) સોનાનો ભાવ વધે તો તમે ખુશ થાઓ કે દુઃખી થાઓ છો?
રાધા પટેલ (અમદાવાદ)
મારે એક વીંટી લેવી છે એટલે દુઃખી થાવ છું પણ ભાવ વધે ત્યારે એક વીંટી પડી છે એનો ભાવ પણ વધે છે એટલે રાજી થાવ છું.
નોંધ.. આપના હાસ્યરસિક પ્રશ્નો આપના અને ગામનાં નામ સાથે વોટ્‌સએપ નં. ૯૫૭૪૩૭૪૪૫૩ પર મોકલો..