ભુપેન્દ્ર પટેલની નવી કેબિનેટમાં જાતિના સમીકરણ પર વધુ ફોકસ કરવામાં આવ્યું છે. નવા મંત્રીમંડળમાં સૌરાષ્ટ્રનું પ્રભુત્વ વધારાયું છે. સૌરાષ્ટ્રમાં લેઉવા પાટીદાર અને કોળી સમાજના ફેક્ટરને ધ્યાનમાં રાખવામાં આવ્યું. સરકારમાં સૌરાષ્ટ્રનું કદ વધ્યું. હવે ૫ને બદલે ૮ ધારાસભ્યને મંત્રીપદ મળ્યું છે. મોઢવાડિયાની ધીરજ ફળી, વાઘાણીની રી-એન્ટ્રી, મહિલા નેતા તરીકે રીવાબાની ગાંધીનગરમાં એન્ટ્રી મળી છે. તો કાંતિ અમૃતિયા માટે મંત્રીપદ એ લોટરી સમાન છે. જાકે, કાંતિ અમૃતિયાને મંત્રીપદ મળવાનું ફળ ગોપાલ ઈટાલિયાની જાય છે. સૌરાષ્ટ્ર બેલ્ટ અને પાટીદારોમાં જાયન્ટ કિલર બની રહેલા ગોપાલ ઈટાલિયાની સામે ટક્કર આપવા માટે પાર્ટીએ કાંતિ અમૃતિયાને મંત્રીપદ આપ્યું છે. દાદાની નવી કેબિનેટમાં પાટીદારોનો દબદબો રહ્યો છે. હવે ગુજરાત સરકારની નવી કેબિનેટમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિત ૭ પાટીદારો સમાવાયા છે. જેમાં કાંતિ અમૃતિયાની વન-વે એન્ટ્રી થઈ છે. પરંતુ કાંતિ અમૃતિયાની આ એન્ટ્રીનું શ્રેય ગોપાલ ઈટાલિયાને આપી શકાય. કાંતિ અમૃતિયાને ગોપાલ સાથે મોરે-મોરો કરવાનું ફળ્યું છે. અગાઉ ખરાબ રસ્તાના મુદ્દે મોરબીના સ્થાનિકોમાં ‘વિસાવદર વાળી’ થવાની ચર્ચા બોલકી બની હતી, ત્યારે ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ તેને પોતાના સામેની ગોપાલ પ્રેરિત બગાવત ગણી હતી અને ગોપાલને મોરબીથી ચૂંટણી લડવા આહ્વાન કર્યું હતું. જવાબમાં ઈટાલિયાએ પણ તેમનો પડકાર સ્વીકારી લીધો હતો અને બંનેએ એકબીજાને રાજીનામાં આપીને મોરબીથી ચૂંટણી લડવાના હાકલાં-પડકારા કરી દીધા હતા. એવું કશું તો ખેર, થવાનું ન હતું પરંતુ ઊભરી રહેલાં યુવા નેતા ગોપાલ ઈટાલિયા સામે મોરેમોરો કરવા બદલ અમૃતિયાને મંત્રી બનાવીને તેમનું કદ ચોક્કસ વધારી દેવાયું છે.જુનાગઢ, મોરબી, રાજકોટમાં ગોપાલ ઈટાલિયાનું પ્રભુત્વ વધી રહ્યું છે. ગોપાલ ઈટાલિયા જે રીતે જાહેર સભા કરીને જનમેદની ભેગી કરી રહ્યાં છે, તે જાતા ભાજપના પેટમાં ફાળ પડી છે. આવામાં પાટીદારોમાં વર્ચસ્વ ઉભું કરવા માટે ભાજપને કદાવર નેતાની જરૂર છે. આ લિસ્ટમાં જયેશ રાદડિયા હતા, પરંતું ભાજપે તેમનું પત્તુ કાપી નાંખ્યું છે. પાર્ટી સામે બળવો કરનાર જયેશ રાદડિયાને બીજીવાર પણ મંત્રીપદ ન મળ્યું. આવામાં મોરબીનો ગઢ સાચવવા માટે ભાજપે કાંતિ અમૃતિયાને ઉભા કર્યા. આ રીતે ભાજપ પાટીદારો પર પ્રભુત્વ જમાવી રાખશે. વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા અને મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા વચ્ચે  થોડા સમય પહેલા પડકાર પોલિટિક્સ ચાલ્યું હતું. ગોપાલ ઈટાલિયાને પડકાર ફેંકીને કાંતિ અમૃતિયા પોતાના સમર્થકો સાથે ગાંધીનગર પહોંચ્યા હતા. ત્યારે આ મુદ્દો બહુ ચર્ચાયો હતો.