સાસુ- સસરા, જેઠ-જેઠાણી અને સગાઓ સૌને પાયવંદન કરી આશીર્વાદ મેળવ્યા. આનંદ મોજ મસ્તીમાં ચાર – છ મહિના વીતી ગયા. અર્પિતાના સંસ્કારે સૌના મન જીતી લીધા. આવનાર મહેમાનનું સ્વાગત ઉમળકાથી કરે. તેની મીઠી નિખાલસ વાણી, હસમુખો સ્વભાવ, ઘર સાચવવાની કુનેહ, સાસુ-સસરાની સેવા, પાડોશી સાથેનો સારો વ્યવહાર અને મળતાવડા સ્વભાવે પરિવારમાં આનંદિત વાતાવરણ ખડુ થયું. આવા સુંદર વાતાવરણથી સાસરિયા હેરત પામ્યા.
પાડોશી, ગામ અને સગા-સંબંધીઓ દ્વારા અર્પિતાની સંસ્કારી વર્તણૂક અને મળતાવડા સ્વભાવના ખૂબ વખાણ સાંભળતા જેઠ – જેઠાણી અને સાસુ-સસરાને અર્પિતાના વખાણે ઇર્ષ્યા-અદેખાઇના અંકુર ફુટ્યા. અમારા વખાણ નહિ ને કાલ સવારે આવેલી અર્પિતાના વખાણ? સ્વસુર પરિવારમાં ક્રોધના ઝેર વ્યાપી ગયા.
વાત- વાતમાં સાસુ-સસરા ગુસ્સો કરે, જેઠ-જેઠાણી હાલતાં ચાલતા પગે ઠેબા મારે, નણંદ મેણા-ટોણા મારે. જેઠાણી કાનના કીડા ખરે તેવા અપશબ્દો બોલી હડધૂત કરે. આમ પતિ ધર્મેન્દ્રના પરિવારના ત્રાસથી અર્પિતા રાત્રીના એકલી આંસુડા સારતી રહી. કોની આગળ દુઃખ વ્યક્ત કરે! આખા કુટુંબનો ધાણ બળી ગયેલો. આમ તો સુખ – દુઃખ વ્યક્ત કરવા કોઇ એકાદ વ્યકિત તો હોવી જાઇએને પરંતુ અહિ તેનું સાંભળે કોણ? કોની આગળ દુઃખના રોદડા ગાવા ! દાડે દિવસે અર્પિતા દુબળી પડતી ગઇ. વગર વાંકે ખોટુ તુત ઉભું કરી અર્પિતા પર ત્રાસ વરસાવતા રહ્યાં.
માતા – પિતાએ આવો પરિવાર જાયા ઝાંખ્યા વિના મને નરકમાં હડસેલી દીધી. કર્મને દોષ દેતી અર્પિતા કંટાળી ગઇ.
એમા સાતમ – આઠમનો તહેવાર આવ્યો. અર્પિતાના મોટા બહેન કોકિલા મળવા આવ્યાં. આંગણે આવતા જ કોકિલાને અર્પિતા ભેટી પડી. અને ધ્રુસકે ધ્રુસકે રડી પડી. કોઇ વાતે છાની રહી નહીં. ગમગીન વાતાવરણમાં સાસુમાં તાડુકી ઉઠ્યા, અહિ તમારે શું દુઃખ છે તે આટલા બધા રડીને અમારા પરિવારને આંખે કરો છો ? છાના રહી જાવ અને અમારા જરાય વગોણા કરતા નહીં.
કોકિલાએ અર્પિતાને સાંત્વના આપી, શાંત પાડી એકાદ અઠવાડિયું પિયરમાં તેડી જવા ધર્મેન્દ્ર અને તેના મા-બાપ પાસે રજા લીધી. કોકિલા સાથે અર્પિતા વતન આવી.
સંસ્કારી માતા- પિતાને અર્પિતાના દુઃખની જાણ થતાં તેઓ ચિંતાતૂર થયા. બીજે દિવસે કોકિલા અર્પિતાને લઇ દ્વારકાધિશની હવેલીએ આવી. કોકિલાએ અર્પિતાને કહ્યું ‘ જયારે તને કષ્ટ દુઃખ થાય ત્યારે આ ઠાકોરજીને શરણ આવી ‘ૐ નમો ભગવતે વાસુદેવાય’ નો જાપ કરવો.’ આમ કોકિલાએ અર્પિતાને શિખામણ આપી. અઠવાડિયા પછી અર્પિતાની નણંદ તેડવા આવી. માતા – પિતા, બહેનની રજા લઇ અર્પિતા સાસરે આવી. હવે પછીથી કોકિલાની સલાહે ગમે ત્યારે સાસુ – સસરા, જેઠ – જેઠાણી, નણંદ વગેરેના ત્રાસ વખતે અર્પિતા હવેલીએ જઇ ઠાકોરજીના જાપ માળા, સ્તુતિ કરે. આ તેનો દરરોજનો કાર્યક્રમ. આખા દિવસનો ત્રાસ ભગવાન આગળ રજૂ કરે. સમય જતાં દ્વારકાધિશનો કોપ સાસુ- સસરા, જેઠ-જેઠાણી અને નણંદ પર ઉતર્યો.
સસરાને સખત તાવ આવ્યો ટૂંકી બિમારીમાં તે મૃત્યુ પામ્યા, સાસુને શરીરે ગુમડા થયા અને ઇંચ ઇંચ જેવડા જીવડા પડયા અને દુઃખ પીડાથી
મૃત્યુ પામ્યા, જેઠ – જેઠાણી ગામ છોડી જતા રહ્યા. દારૂની લતે ચડેલા જેઠ ફેફસાની ગંભીર બિમારીમાં મૃત્યુ પામ્યા. નિરાધાર જેઠાણી ઘેર ઘેર ભિખ માગતી થઈ ગઇ અને નણંદને સાસરૂ ખરાબ મળ્યું. આમ આખુ કુટુંબ ધર્મેન્દ્ર અને અર્પિતા સિવાય રઝળી પડી મૃત્યુને ભેટ્યું.
અંતે ધર્મેન્દ્રનું માનસ સુધર્યુ, અર્પિતા પ્રત્યે ભાવ – પ્રેમ રાખી, એક સંતાન સાથે મંગલ ત્રિકોણે આનંદ સુખથી જીવન વ્યતિત કરવા લાગ્યા.