ટીમ ઈન્ડિયામાં ‘ટર્બોનેટર’ તરીકે ઓળખાતાં હરભજનસિંઘે ખાધેલી એક કસમ અત્યારે ચર્ચાનો વિષય બની જવા પામી છે. ભારત-પાકિસ્તાન વચ્ચે થનારો મુકાબલો જોવા માટે આખું વિશ્વ તલપાપડ હોય છે. જો કે બન્ને દેશ અત્યારે આઈસીસી આયોજિત ટૂર્નામેન્ટમાં જ આમને-સામને ટકરાઈ રહ્યા છે ત્યારે આ વખતે ટી-૨૦ વર્લ્‌ડકપમાં આ બન્ને ટીમો વચ્ચે થનારી ટક્કરને લઈને હરભજનસિંઘે કશું જ નહીં બોલવાનો નિર્ણય લઈ લીધો છે.
ભજ્જીએ કહ્યું કે આ વર્ષે ભારતીય ટીમનો સામનો વિશ્વકપમાં પાકિસ્તાન સામે થો. હું આ મેચને લઈને કોઈ પણ નિવેદન આપવાનો નથી અને એવું પણ નહીં કહું કે કોણ આ મુકાબલો જીતશે. મોકા મોકા હોય કે બીજું કંઈપણ હોય ગત વખતે આપણે જોયું કે જ્યારે મેં વાત કરી હતી ત્યારે અનેક વસ્તુઓ બગડી ગઈ હતી.
પાછલા વર્ષે ટી-૨૦ વર્લ્‌ડકપ પહેલાં હરભજનસિંહે કહ્યું હતું કે પાકિસ્તાન ટીમને ભારતે વોકઓવર આપી દેવો જોઈએ કેમ કે તેની પાસે જીતવાની કોઈ જ તક નથી. મેં શોયેબ અખ્તરને કહ્યું હતું કે અમારા વિરુદ્ધ તમારી ટીમનો રમવાનો કોઈ જ મતલબ બનતો નથી એટલા માટે તમે અમને વોકઓવર જ આપી દો.
તમે અમારી સામે રમશો તો જીતવાનો કોઈ જ ચાન્સ રહેશે નહીં. આ પછી બન્ને ટીમ વચ્ચે ટક્કર થઈ હતી જેમાં પહેલીવાર પાકિસ્તાન ટીમે ભારત સામે જીત મેળવી હતી.