કદાચ એ માત્ર રાજવી હોત તો આજે આપણે એમને આટલા યાદ ન પણ કરતા હોત. આપણે એમને યાદ કરીએ છીએ અને એ પણ આટલા ભાવથી યાદ કરીએ એનું કારણ એટલું કે એ કવિ હતા. હા, કલાપીની વાત છે.
તેમનો જન્મ અમરેલી જીલ્લાના લાઠીના રાજકુટુંબમાં થયો હતો. તેમણે ૧૮૮૨થી ૧૮૯૦ સુધી રાજકોટની રાજકુમાર કાલેજમાંથી પ્રાથમિક શિક્ષણ પ્રાપ્ત કર્યું, જે આંખોની તકલીફ, રાજકીય ખટપટો અને કૌટુંબિક કલહને કારણે એ વખતના અંગ્રેજી પાંચમા ધોરણ સુધી જ પૂર્ણ થઈ શક્યું હતું. કલાપીએ અંગત શિક્ષકો રોકી અંગ્રેજી-સંસ્કૃત સાહિત્યનું શિક્ષણ મેળવ્યું, ફારસી-ઉર્દૂનો પણ અભ્યાસ કર્યો અને વાંચન-અધ્યનની રુચિ કેળવી.
દરમિયાન ૧૮૮૯માં ૧૫ વર્ષની વયે તેમનાંથી ૮ વર્ષ મોટા રોહા (કચ્છ)નાં રાજબા (રમા) તથા તેમનાથી ૨ વર્ષ મોટા કોટડા-સાંગાણીનાં આનંદીબા સાથે લગ્ન થયાં. પિતા અને મોટાભાઈનાં અવસાનથી સગીર વયે જ ગાદીવારસ ઠરેલા એમને ૧૮૯૫માં લાઠી સંસ્થાનનું રાજપદ સોંપાયું.
રમા સાથે આવેલી દાસી મોંઘી (પછીથી શોભના) પર ઢળેલી વત્સલતા અને એને કેળવવા જતાં સધાયેલી નિકટતાને કારણે ગાઢ પ્રીતિમાં પરિણમી અને એમના આંતરબાહ્ય જીવનમાં ખળભળાટ મચી ગયો. રાજ્યની ખટપટમાં રમાબા સાથે ઉભા થયેલા મતભેદો દરમ્યાન દાસી મોંઘી (પાછળથી શોભના)ની સાહિત્ય તથા તેમની રચનાઓ પ્રત્યેની રૂચી જોતાં તેમ જ તેના બુદ્ધિચાતુર્ય, સુંદરતા અને ભોળપણ જોતાં ૨૦ વર્ષની ઉંમરે એની સાથે પ્રેમ થયો. ઘણા સાંસારિક, માનસિક, વૈચારિક સંઘર્ષોને અંતે એમણે ૧૮૯૮માં શોભના સાથે લગ્ન કર્યું.
ઋજુ અને સંવેદનશીલ પ્રકૃતિના આ કવિ પ્રાપ્ત રાજધર્મ બજાવવા છતાં રાજસત્તા અને રાજકાર્યમાં પોતાની જાતને ગોઠવી ન શક્યા. કદાચ એ રાજવી થવા સર્જાયા જ નહોતા. છેવટે ગાદીત્યાગનો દૃઢ નિર્ધાર કરી ચૂકેલા કલાપીનું છપ્પનિયા દુકાળ વખતે લાઠીમાં અવસાન થયું. એવું મનાય છે કે એમને ઝેર આપવામાં આવ્યું હતું.
ગુજરાતી તથા ઈતર ભાષાઓના સાહિત્યગ્રંથોના વાંચને તેમ જ વાજસૂરવાળા, મણિલાલ, કાન્ત, સંચિત વગેરેના સંપર્કે એમની સાહિત્યિક દ્રષ્ટિ અને સજ્જતા કેળવવામાં યોગદાન કર્યું હતું.
કલાપીનું જીવન દંતકથા સમાન હતું. દંતકથાની અનેક વાતો માન્યામાં ન આવે તેવી હોય છે તેમ કલાપીની અનેક વાતો માનવામાં ન આવે તેવી છે. મને કલાપી (૧૮૭૪-૧૯૦૦)ની હસ્તિ કવિ જોન કિટ્‌સ (૧૭૯૫-૧૮૨૧) જેવી લાગી છે. બન્નેની રોમેન્ટિસિઝમની એક અનોખી દુનિયા હતી. બન્ને નાની ઉંમરમાં પૃથ્વીને ગુડ બાય કહીને ઉડી ગયા. કવિ કલાપી ગુજરાતના જોન કિટ્‌સ હતા…