ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર અને રમેશ પારેખ સાહિત્ય વર્તુળ, અમરેલી દ્વારા કવિવર રમેશ પારેખની પુણ્યતિથિ નિમિત્તે શનિવારે, ૧૭ મેના રોજ અમરેલી ખાતે ‘જળના ભરોસે’ શીર્ષક હેઠળ એક યાદગાર કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત કવિઓએ તેમની કવિતા પ્રસ્તુતિ દ્વારા કવિવર રમેશ પારેખને ભાવભીની શબ્દાંજલિ આપી હતી અને શ્રોતાઓને રસતરબોળ કર્યા હતા. આ કવિ સંમેલનમાં સ્નેહી પરમાર, ભરત ભટ્ટ ‘પવન’, પ્રણવ પંડ્‌યા, કિરણસિંહ ચૌહાણ, ગૌરાંગ ઠાકર, કેતન કાનપરીયા અને હરજીવન દાફડા જેવા નામાંકિત કવિઓએ પોતાની અદભુત કવિતાઓ રજૂ કરી હતી.