મોટા લીલીયાના કલ્યાણપર ગામના રહેવાસી અશ્વિનભાઈ બલરે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલને કલ્યાણપર ગામથી મોટા ચારોડીયા ગામ સુધી રોડ બનાવવા રજૂઆત કરી છે. તેમણે રજૂઆતમાં જણાવ્યું હતું કે, મોટા લીલીયા તાલુકાના કલ્યાણપર ગામથી ગારીયાધાર તાલુકાનું મોટા ચારોડીયા ગામ સુધીનો રસ્તો ખૂબ જ બીસ્માર હાલતમાં છે. તે અંગે ૩૦/૭/૨૦૨૫ના રોજ અમરેલી જિલ્લા પંચાયતમાં રજૂઆત કરેલ છે. અમરેલીના સંસદસભ્ય ભરતભાઈ સુતરીયા અને સાવરકુંડલા-લીલીયા ધારાસભ્ય મહેશભાઈ કસવાલાને તારીખ ૧૪/૮ અને ૨૬/૮/૨૦૨૫ના લેખિતમાં રજૂઆત કરેલ છે. કલ્યાણપર ગ્રામ પંચાયતની ગ્રામસભામાં મોટા ચારોડીયા તેમજ ખારા કલ્યાણપરથી નાની વાવડી સુધીના નોન પ્લાન રસ્તાને મુખ્યમંત્રી ગ્રામ્ય સડક યોજના અંતર્ગત નવા માર્ગ રસ્તા બનાવવાની રજૂઆત કરેલ છે. આ રસ્તા ઉપર પહેલા સરકારી બસ ગારીયાધાર-લાઠી-ગારીયાધાર સવાર-સાંજ ચાલતી હતી. પરંતુ રસ્તો ખરાબ હોવાને કારણે અત્યારે બસ બંધ છે અને રસ્તો ખરાબ હોવાને કારણે આમ નાગરિકોને બહુ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તેમણે પત્રની નકલ કલેકટર અમરેલી અને ભાવનગર, મામલતદાર-મોટા લીલીયા અને ગારિયાધાર, ધારાસભ્ય-સાવરકુંડલા અને ગારીયાધાર તેમજ અમરેલી-ભાનગર જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગને મોકલી છે.