સૌરાષ્ટ્રમાં આવેલો અમરેલી જિલ્લો મુખ્યત્વે ખેતી પર આધારીત જિલ્લો છે. જેમાં ખેડૂતો સિંચાઈ માટે બોર અને કૂવા આધારીત પાણી પર નિર્ભર છે ત્યારે સૌરાષ્ટ્રનાં જિલ્લાઓને બચાવવા માટે કલ્પસર યોજના ખૂબ જ જરૂરી હોવાનું જણાવી પૂર્વ ધારાસભ્ય બાવકુભાઈ ઉંધાડે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર પાઠવ્યો છે. બાવકુભાઈ ઉંધાડે પાઠવેલા પત્રમાં જણાવવામાં આવેલ છે કે, અમરેલી સહિત સૌરાષ્ટ્રનાં જિલ્લાઓમાં નાના, મધ્યમ અને મોટા ડેમ આવેલા છે. તેમાંથી ખૂબ જ અલ્પ માત્રામાં ખેડૂતોને સિંચાઈનું પાણી મળે છે. સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર અને ભાવનગરમાં જુજ પ્રકારના ઉદ્યોગો છે જેના કારણે લોકો મોટા પ્રમાણમાં ગ્રામ્ય પંથકમાંથી મેટ્રો શહેરમાં સ્થળાંતરિત થઈ રહ્યા છે. ખાસ કરીને અમરેલી જિલ્લો ખેતી આધારીત જિલ્લો હોય બધી વસ્તુઓ કંપનીઓની તૈયાર મળતી હોય, કારીગર વર્ગ પણ જિલ્લામાંથી સ્થળાંતર કરી રહ્યો છે ત્યારે સૌરાષ્ટ્રનાં જિલ્લાઓને બચાવવા માટે કલ્પસર યોજના ખૂબ જ જરૂરી છે. સૌરાષ્ટ્રમાં કલ્પસર યોજના જ સૌરાષ્ટમાંથી સ્થળાંતર થતું અટકાવી શકે તેમ છે. ઉપરાંત મધ્ય અને દક્ષિણ ગુજરાત તથા દક્ષિણ ભારત જવાનો રસ્તો પણ ટૂંકો થઈ શકે તેમ છે. જેનાં કારણે ઈંધણની બચત, ટાયરનો ઘસારો અને વિદેશ જતું હૂંડિયામણ તથા પર્યાવરણ બચાવી શકાય છે. કેન્દ્ર સરકારની રાષ્ટ્રીય યોજના જાહેર કરી ૮૦ઃર૦ પ્રમાણે ૮૦ ટકા કેન્દ્ર, ર૦ ટકા રાજય સરકાર ગ્રાન્ટ ફાળવી સૌરાષ્ટ્રની કાયાપલટ કરવા કલ્પસર યોજના શરૂ કરવી ખૂબ જ જરૂરી છે. આજે દરેક ખેતરોમાં વીજ કનેકશનો આવી ગયા છે. ખેડૂતો બોર, કૂવા આધારીત ખેતી કરતાં હોય પાણીનાં ભૂગર્ભતળ એકસાથે પાણી ઉલેચવાના કારણે પાણી ટકી શકતા ન હોય જેથી ભૂગર્ભજળ ઝડપથી ખાલી થઈ જાય છે. હાલ કઠોળ, તેલ સિવાયની અનેક ખાદ્ય વસ્તુઓ આપણે આયાત કરવી પડે છે. પાણીનાં લીધે ભવિષ્યમાં આવનારા પડકારો માટે કલ્પસર યોજના ખૂબ જ જરૂરી છે. ખેતરે ખેતરે પાણી અને દરેક હાથને કામ આપવું હોય તો કલ્પસર યોજના એકમાત્ર વિકલ્પ છે. ખેતી સાથે જાડાયેલા ગામડાં અને ગામડાંમાં રહેતા તમામ વર્ગો, વેપારીઓને, ઉદ્યોગોને સમૃદ્ધ કરવા કલ્પસરનું પાણી એકમાત્ર વિકલ્પ છે. જેથી સૌરાષ્ટ્રનાં જિલ્લાઓને બચાવવા કલ્પસર યોજના વિશે વિચાર કરી કેબિનેટમાં આ નિર્ણય લેવાય તેવી પૂર્વ ધારાસભ્ય બાવકુભાઈ ઉંધાડે અંતમાં રજૂઆત કરી છે.