અમરેલી જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષ સ્થાને અમરેલી જિલ્લા ફરિયાદ નિવારણ અને સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. કલેકટર કચેરી ખાતે યોજાયેલ આ બેઠકમાં, જનપ્રતિનિધિઓએ વિવિધ વિસ્તારના આંતરિક અને અન્ય મુખ્ય માર્ગ સાથે જોડતાં અન્ય રસ્તાઓ, સિંચાઈ, પાણી, વીજળી, અરજદારોને લોન સહાય, પ્રાથમિક સુવિધા, જમીન માપણી અને જમીન સંપાદન સહિતના નાગરિકલક્ષી પ્રશ્નોની રજૂઆત કરી હતી. જિલ્લા કલેકટર વિકલ્પ ભારદ્વાજે, નાગરિકોના પ્રશ્નોના સકારાત્મક નિરાકરણ કરવા માટે સંબંધિત કચેરીઓના વડાઓને જરુરી સંકલન કરવા સૂચના આપી હતી.માર્ગ અને મકાન (પંચાયત અને રાજય), તેમજ માર્ગને લગતા તેમજ અન્ય વિકાસ કાર્યોને ઝડપથી પૂર્ણ કરવા જિલ્લા કલેકટરે દિશાનિર્દેશ આપ્યા હતા. જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકની સાથે અમરેલી જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક પણ યોજાઇ હતી. જિલ્લા કલેકટરે ગણેશ શ્રેષ્ઠ પંડાલ પ્રતિયોગિતા અને રમતગમત દિવસ અને તે અન્વયે જિલ્લા અને તાલુકા કક્ષાએ કરવાના થતાં કાર્યક્રમો માટે જરુરી આયોજન કરવા જણાવ્યુ હતું.









































