અમરેલી જિલ્લામાં યોજાયેલા કલા મહાકુંભમાં બગસરાની મેઘાણી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ શાનદાર પ્રદર્શન કરીને શાળાનું ગૌરવ વધાર્યું છે. શાળાના ત્રણ વિદ્યાર્થીઓ લગ્ન ગીત, કાવ્ય લેખન અને વક્તૃત્વ સ્પર્ધામાં પ્રથમ ક્રમે વિજેતા બનીને હવે પ્રદેશ કક્ષાએ અમરેલી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. શિક્ષણની સાથે સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ પર ભાર મૂકતી આ શાળાના વિદ્યાર્થીઓએ ગત તા. ૩૦ અને ૩૧ના રોજ અમરેલી ખાતે યોજાયેલા જિલ્લા કક્ષાના કલા મહાકુંભમાં ભાગ લીધો હતો. જેમાં બોરીચા નિરાલી લગ્ન ગીતમાં, મકવાણા વનિતા કાવ્ય લેખનમાં અને મહિડા નેહલ વક્તૃત્વ સ્પર્ધામાં પ્રથમ ક્રમે વિજેતા થયા છે. આ ઉપરાંત, જોગેલ દ્રષ્ટિએ એકપાત્રિય અભિનયમાં અને નકુમ આનંદીએ ગઝલ લેખનમાં ત્રીજો ક્રમાંક મેળવીને પણ શાળાનું નામ રોશન કર્યું છે.









































