કર્મ કોઇને છોડતું નથી અને જૂઠ, ક્યારેય સત્ય બનતું નથી. દૂધનું દૂધ અને પાણીનું પાણી આખરે થઇને જ રહે છે. નહિંતર તો ‘જૂઠ’ જ ઇશ્વર બની જાત અને સત્ય વામણુ અને ઠગારૂ પુરવાર થાત અને જા ‘સત્ય’ જ ઠગારૂં નીવડેત તો દુનિયામાં ‘સાચ’ રહેત જ નહી અને જા ‘ સાચ’ જ ન રહેત તો મનુષ્ય ખોટા કર્મો કરતા કદિ ડરત જ નહીં. જે ડર છે એ માણસને મૃત્યુનો છે અને ઇશ્વરનો છે !
રવિના જે કામ કરવા માટે અહીં આવી હતી એ કામ તો એનું સફળ થયું પણ એનું મન બળવો કરી બેઠું, એનો આત્મા હવે તેને ડંખવા લાગ્યો હતો. પોતે જે કંઇ કરી રહી છે એ નરાતાળ જૂઠ, ફરેબ અને ખોટું છે એવો અવાજ તેની ભીતરથી આવવા લાગ્યો હતો. નફરતની આગ પેટાવવા આવી હતી પણ અહીં પ્રેમના અંકુર ફૂટી ચૂક્યા હતા. રાત નવોઢા સમી રઢીયાળી ચાલે સરી રહી હતી અને ભર ઉંઘમાં સૂતેલી રવિનાની બંધ પાપણોની પછવાડે એક પ્રેમ સરોવરમાં સપનાની નમણી નૌકા તરી રહી હતી.
એ નાવમાં હતા માત્ર બે જ જણ: અર્જુન અને રવિના ! અર્જુન સાથેના પ્રથમ મિલન પછી એ દ્રશ્યો સપનામાં પુનઃ ઝિલાઇ રહ્યા હતા. બે જુવાન હૈયા, પ્રેમસરોવરની મધ્યમાં પ્રેમભરી મીઠી મસ્તીની મૌસમ માણી રહ્યા હતા. અર્જુન છેડછાડ કરતો હતો અને ભાવની ભરતી રવિનાના દેહમાં ચડતી, તરતી હતી. એ પ્રેમની ભરતી બે વેંત ચડીને એક વેંત ઉતરતી હતી પણ પછી ત્રણ વેંત ઉંચે ચડી જતી હતી. પરંતુ આ સપનુ આગળ વધે એ પહેલા અધવચ્ચેથી તૂટી ગયું કારણ કે તેના પેટમાં અચાનક દુઃખાવો શરૂ થયો. એક જારદાર સબાકો આવ્યો અને એ કરતી ઝબકીને જાગી ગઈ. પેટમાં અચાનક શું થયું ? એક સામટો બીજા, ત્રીજા અને પછી તો સબાકા વધવા લાગ્યા અને એક ક્ષણે દુઃખાવો કાબુ બહાર જવા લાગ્યો એ પેટને દબાવીને બેઠી પણ કારી ન ફાવી. પેટમાં આવતો પ્રત્યેક સબાકો ‘ઓ મા..રે’ કરતા માને યાદ કરાવી દેતો હતો. એ માંડ માંડ ઊભી થઇ અને પલંગ નીચે ઉતરીને ડગલું ભરવા જાય ત્યાં જ અંધારામાં પગ નીચે રહેલી દૂધની તપેલી સાથે અથડાયો અને તપેલી ખણખણાટ કરતી ઉડી અને રાજેશ્વરીબા અને અનિતા ભર ઉંઘમાંથી ઝબકીને જાગી ગયા. અનિતાએ ગભરાઈને લેમ્પની સ્વિચ પાડી તો રવિના પેટ પકડીને રડમસ ચહેરે ઊભી હતી. રાજેશ્વરીબાએ પલંગ નીચે મૂકલા ચશ્માને આંખે ચડાવ્યા તો નજર સામે રવિના પેટ પકડીને ઊભી હતી. રાજેશ્વરીબાએ સામે દિવાલ ઘડિયાળમાં જાયું તો ચારનો સમય બતાવી રહી હતી. તેણે લાગલું જ પૂછયું ઃ “રવિના, શું થયું ? અવાજ શેનો આવ્યો ? અને તું કેમ ઊભી છો પેટ પકડીને ?”
“મને પેટમાં દુઃખાવો થાય છે બા. કયાંય રહેવાતું નથી. ખૂબ જ પીડા થાય છે ?”
“પેટમાં ?” રાજેશ્વરીબાના મનમાં ધ્રાસ્કો પડયો: “હજી સુતા પહેલા જ તો એક ખરાબ વિચાર આવેલો તે એવું તો નહી થયું હોય ને ?” ગભરાટમાં ને ગભરાટમાં તેમની ચિંતા વધી ગઇ પરિણામે તેઓ થોડા અસ્વસ્થ થઇ ગયા.
“રવિના….” તેણે રવિનાને પૂછયુ: “તને શું શું થાય છે ?”
“મને પેટમાં ગોટો ચડયો હોય એવું લાગે છે સવારે પૂરણપોળી ખાધી હતી અને રાત્રે બટેટાની સુક્કીભાજી, કદાચ એટલે…”
“એવું નથી બેટા. કારણ બીજું જ છે…” એટલું બોલી તેણે અનિતાને કહ્યું ઃ “એક કામ કરને, ભાઇને જગાડવો નથી પણ તું જીમ્મીને ફોન કર. રિક્ષા લઇને આવે. રવિનાને આપણે દવાખાને જ લઇ જઈએ.”
“એવા ડોશીવૈદ્યા કાંઇ નથી કરવા સમજી ?” રાજેશ્વરીબા વરસી પડયા ઃ “તને કાંઇ ખબર પડે છે અંદર ખરેખર શું થયું છે એ ?” અને તેમણે અનિતાને ફરીવાર કહ્યુ ઃ “ અનુ, બેટા, તું જલ્દી ફોન કર. એને કહેજે કે અત્યારે જેટલુ ભાડુ લેવું હોય એટલું લે, પણ રિક્ષાવાળાને લઇને જલ્દી આવે આપણે, ભૂવન સાહેબને ત્યાં જવું છે એમ ફોડ પાડજે પાછી…” ડો. ભૂવનનું નામ સાંભળ્યુ એટલે રિવનાના તો મોતિયા જ મરી ગયા. શું કરવું ? શું થશે હવે ?”
“હે ભગવાન ! મારી લાજ રાખજે…” એ મનોમન કૃષ્ણ ભગવાનના ફોટા સામે જાઇને આજીજી કરી રહી.
—-
ડો. ભૂવને તેને સીધી કન્સલ્ટીંગ રૂમમાં જ લઇ લીધી. તપાસ કરી અને સૂવડાવી. પેટમાં દુઃખાવાનું એક ઇન્જેકશન આપ્યું. લેબોરેટરી દવાખાનામાં જ હતી અને લેબોરેટરીવાળો ત્યાં જ સૂઇ રહેતો હતો એટલે રિપોર્ટ કરાવવામાં અડચણ ન આવી. લોહી પેશાબના રિપોર્ટ તૈયાર થવા લાગ્યા.
અનિતા અને જીમ્મી બહાર બેઠા હતા અને રવિનાને એક રૂમમાં શિફ્ટ કરી દીધી હતી. એક સાદો બાટલો ચડાવવાની નર્સીંગ સ્ટાફને સૂચના આપી હતી પણ રાજેશ્વરીબાને કયાંય સુખ નહોતું. એ એકલાં જ ધીમા પગલે ડો. ભૂવનની ચેમ્બરમાં પ્રવેશ્યા. ડો. ભૂવને આવકાર આપ્યો, એટલે રાજેશ્વરીબા સામે બેસી ગયા.
“ફરમાવો માજી…” ડો. ભૂવને સસ્મિત પૂછયું.
“ડોકટર, બચ્ચાને તો કંઇ તકલીફ નહીં પડે ને ?” અટકી તેઓ આગળ વધ્યા ઃ “ મને તેની ચિંતા છે…”
“માજી, અત્યારે તો મને એવું કશું જ લાગતું નથી. તેમ છતા રિપોર્ટ આવે પછી હું સોનોગ્રાફી પણ કરી લઉ છું. આ દુઃખાવો કદાચ આંતરડા ઉપરના સોજાનો કે ગેસવાયુનો પણ હોઇ શકે, બાકી, તમે કહો છો એ મુજબના કોઇ ઇસ્યુ નથી. તેમ છતા તમને શાંતિ થાય એટલે હું સોનોગ્રાફી કરીને જાઇ લઇશ હમણાં કલાકમાં તો બાટલો પૂરો ય થઇ જશે બાકી, કોઇ ચિંતા ન કરશો પણ હા, અર્જુનભાઈને કેમ છે હવે ?”
“એજ તો કઠણાઇ છે સાહેબ, ખબર નથી પડતી કે બધુ શું થઇ રહ્યું છે.”
“હા, એ બધી વાત મને દત્તાજીએ કરી, પણ ઇન્સ્પેકટર બાહોશ માણસ છે. બધો તાગ મેળવીને જ જંપશે. તમે ચિંતા ન કરશો પણ હા, અર્જુનભાઇનો પગ કયાંક કુંડાળામાં આવી ગયો હોય એવું લાગે છે. પણ ડોન્ટ વરી. એ તાગ આવી જશે કે હકિકતમાં છે શું ? પણ ચિંતા ન કરો…” ડોકટરે બગાસું ખાતા કહ્યું: “તમારી તબિયતનું ધ્યાન રાખો. આ બધો મામલો તો પોલીસનો છે..” થોડીવાર અટકીને વાતને મૂળ પાટે ચડાવતા કહે ઃ “હવે તમે આરામ કરો. આ બાજુ વેઇટીંગ રૂમ છે ત્યાં બે પલંગ છે. ઉપર ગાદલા પણ છે બાટલો પુરો થાય અને રજા આપીએ એટલે તમને કહેશું. ત્યાં સુધી તમે આરામ કરો.”
“હા, ડોકટર…. ઉંઘ તો નહીં આવે પણ…” કરતા કરતા તેઓ વેઇટીંગ રૂમમાં આવ્યા. તો, જીમ્મી અને અનિતા ત્યાં જ બેઠા હતા. રાજેશ્વરીબાએ એ બન્નેને રવિનાનું ધ્યાન રાખવાનું કહીને લંબાવ્યું.
એક તો ઉંમર અને વળી થાક ! એમાં પાછી કાચી ઉંઘમાંથી જાગવું પડયું એટલે આંખ મળતા વાર ન લાગી. તેઓ પાંચ જ મિનિટમાં સૂઈ ગયા. તેઓ સવા દોઢ કલાક જેવું સુતા હશે ને અનિતાએ તેમને જગાડયા: “બા, ડોકટર સાહેબ બોલાવે છે.”
“હેં ? શું થયું ? રવિનાને…”
“રવિના ઓ.કે. જ છે પણ ડોકટર સોનોગ્રાફી કરવા રવિનાને લઇ ગયા છે ત્યાં તમને બોલાવે છે. મેં ડોકટરને કહ્યું પણ ડોકટરે મને ના પાડી. કહ્યું કે બાને જ બોલાવો. બાનું જરૂરનું કામ છે !”
રાજેશ્વરીબાને એક નર્સ સોનોગ્રાફી રૂમમાં લઇ ગઈ. રાજેશ્વરીબા ધડકતા હૈયે અંદર પ્રવેશ્યા, તો સોનોગ્રાફી થઇ રહી હતી. ડો. ભૂવને, લાગલું જ રાજેશ્વરીબાને પૂછયું: “બા, તમને કયા ડોકટરે કહ્યું હતું કે રવિના પ્રેગનન્ટ છે!”
“માથુર સાહેબ, ડો.માથુર સાહેબ….” રાજેશ્વરીબા બોલે એ પહેલા રવિના બોલવા માંડી.
“ખોટો રિપોર્ટ છે…” ડો. ભૂવને સોનોગ્રાફી સ્ક્રિન ઉપર એલ્યુમિનિયમ સ્ટિક વડે સ્પોટ દેખાડતા કહ્યું : “ જેણે આનો રિપોર્ટ કર્યો છે એ રિપોર્ટ બિલકુલ ખોટો છે. નથીંગ. તું પ્રેગનેન્ટ છો જ નહીં. આવું તને કોણે કહ્યું ?”
“લેબોરેટરીનો રિપોર્ટ…” રવિના આટલું તો માંડ બોલી શકી અને રાજેશ્વરીબા તો સાવ હતપ્રભ થઇ ગયા.
“નર્સ, મને રિપોર્ટ બતાવો. જાવ, બહાર પેલી બહેન બેઠી છે એમની પાસે રિપોર્ટ હશે.”
“ના ડોકટર એ રિપોર્ટ નથી લાવ્યા.” વાતને કાપતા રવિના બોલી પણ એ પહેલા નર્સ જઇને પેલા રિપોર્ટ લેતી આવી: ડોકટરે ડારતી આંખે રવિના સામે જાયું અને પછી બોલ્યા: જા, રિપોર્ટ તારા જ છે ને ?” જવાબમાં રવિના મૂંગી બની ગઇ. રિપોર્ટ જાઇને ડોકટરે ધૃણાથી માથુ હલાવ્યું: “આવાને આવા જુઠ્ઠા રિપોર્ટ કાઢવાના ? ખરા છે લેબોરેટરી વાળાય પણ…” એ પછી અહીનાં રિપોર્ટ રાજેશ્વરીબાને બતાવતા બોલ્યા: “મારા અહીંના રિપોર્ટ પણ આવી ગયા છે. આ છોકરીને કશું જ નથી. માત્ર ગેસનો દુઃખાવો છે અને પ્રેગનેન્ટ હોવાનું વજુદ તો સાવ જુઠ્ઠુ છે…!!”
અને રાજેશ્વરીબાને હદ ઉપરનો ગુસ્સો ચડી ગયો તેમણે આવેશમાં આવીને ધડાધડ ચાર થપાટ રવિનાના ગાલે ઝીંકી દીધી: “જુઠ્ઠી, લુચ્ચી, નીચ…”
(ક્રમશઃ)