કર્ણાટક સરકારે મુસ્લીમ સમુદાય માટે અનામતની બીજી મોટી ભેટની જાહેરાત કરી છે. સિદ્ધારમૈયાના નેતૃત્વ હેઠળની કોંગ્રેસ સરકારે આવાસ યોજના હેઠળ મુસ્લીમ સમુદાયનો ક્વોટા ૫ ટકા વધાર્યો છે. આવાસ યોજના હેઠળ મુસ્લીમોનો ક્વોટા ૧૦ ટકાથી વધારીને ૧૫ ટકા કરવામાં આવ્યો છે.
કર્ણાટકની કોંગ્રેસ સરકારે અગાઉ સરકારી કોન્ટ્રાક્ટમાં મુસ્લીમ સમુદાયને અનામતનો લાભ આપવાનો નિર્ણય લીધો હતો. તે જ સમયે, હવે કોંગ્રેસ સરકારે આવાસ યોજનાઓમાં પણ મુસ્લીમ સમુદાયને વધુ અનામત આપવાનો નિર્ણય લીધો છે. આજના મંત્રીમંડળમાં આ યોજનામાં મુસ્લીમ અનામત ૧૦% થી વધારીને ૧૫% કરવા અંગેનો પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો છે.
રાજ્યના શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં આવાસ વિભાગ દ્વારા ચલાવવામાં આવતી વિવિધ યોજનાઓ પર મુસ્લીમ વસ્તીને આ પ્રસ્તાવનો લાભ મળશે. હાલમાં, લઘુમતીઓ માટે આવાસ લાભાર્થીઓમાં ૧૦% અનામત નક્કી કરવામાં આવ્યું છે. પ્રસ્તાવમાં, આ અનામત ૧૦% થી વધારીને ૧૫% કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમારે પણ કર્ણાટક સરકારના આ નિર્ણય પર નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે રાજ્યમાં વસ્તી ગુણોત્તરને ધ્યાનમાં રાખીને સરકારે આ નિર્ણય લીધો છે. ડીકે શિવકુમારે કહ્યું કે રાજ્ય સરકારના ઘણા પ્રોજેક્ટ ખાલી પડેલા છે અને તેને ભરવા પણ જરૂરી છે. આ સાથે, મુસ્લીમ સમુદાયના વસ્તી ગુણોત્તરને ધ્યાનમાં રાખીને ક્વોટા ૧૦ ટકાથી વધારીને ૧૫ ટકા કરવામાં આવ્યો છે. ડીકે શિવકુમારે આ દરમિયાન વિપક્ષી પાર્ટી ભાજપ પર પણ નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે ભાજપ પાસે મુસ્લીમોના નામે રાજકારણ કરવા સિવાય બીજું કોઈ કામ નથી.









































