કર્ણાટકમાં તેની પ્રાદેશિક ભાષાને પ્રોત્સાહન આપવા માટે એક આદેશ જારી કરવામાં આવ્યો છે. કન્નડ અને સંસ્કૃતિ મંત્રી શિવરાજ તંગડગીએ શુક્રવારે જણાવ્યું હતું કે કર્ણાટક સરકારે રાજ્યના તમામ ડેપ્યુટી કમિશનરોને નેમપ્લેટ પર કન્નડ ભાષાના ફરજિયાત ઉપયોગના અમલીકરણ પર કડક દેખરેખ રાખવાનો નિર્દેશ આપ્યો છે. વિધાન પરિષદના સભ્ય ઉમાશ્રીના પ્રશ્નના જવાબમાં મંત્રીએ કહ્યું કે આ સૂચનાઓ કન્નડ ભાષા વ્યાપક વિકાસ અધિનિયમ, ૨૦૨૨ અનુસાર જારી કરવામાં આવી છે.તેમણે કહ્યું કે કાયદાની કલમ ૧૭, પેટા કલમ ૬ હેઠળ, સરકાર અથવા સ્થાનિક સંસ્થાની પરવાનગીથી કાર્યરત તમામ વાણિજિક, ઔદ્યોગિક અને વ્યવસાયિક સંસ્થાઓ, ટ્રસ્ટ, કાઉન્સેલિંગ કેન્દ્રો, હોસ્પીટલો, પ્રયોગશાળાઓ, મનોરંજન કેન્દ્રો અને હોટલોએ ખાતરી કરવી જાઈએ કે ઓછામાં ઓછા ૬૦ ટકા નેમપ્લેટ પર કન્નડ ભાષા પ્રદર્શિત થાય અને તે ટોચ પર દેખાય.તેમણે વધુમાં જણાવ્યું હતું કે તમામ જિલ્લાઓના ડેપ્યુટી કમિશનરો આ કાયદાના અમલીકરણ માટે જવાબદાર છે. તેમણે કહ્યું, “કારણ કે અમલીકરણ એક સતત પ્રક્રિયા છે, તેથી કામ અધૂરું છોડી દેવાનો કોઈ પ્રશ્ન જ નથી.” તેમણે ઉમેર્યું કે તમામ અમલીકરણ અધિકારીઓને સૂચનાઓ જારી કરવામાં આવી છે.મંત્રી શિવરાજ તંગડગીએ જણાવ્યું હતું કે જે સંસ્થાઓ કન્નડ નામ પ્લેટો અપનાવતી નથી તેમને દંડ કરવામાં આવશે. સરકારનો દંડ નીચે મુજબ છેઃ પ્રથમ ઉલ્લંઘન માટે ૫,૦૦૦ રૂપિયા, બીજા ઉલ્લંઘન માટે ૧૦,૦૦૦ રૂપિયા અને ત્યારબાદના દરેક ઉલ્લંઘન માટે ૨૦,૦૦૦ રૂપિયા સુધી. લાઇસન્સ રદ થવાની પણ શક્્યતા છે.મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે તમામ ડેપ્યુટી કમિશનરોને આ જાગવાઈઓ અનુસાર કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે. જે કોઈ સહેજ પણ ઢીલ બતાવશે તેની સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.