કર્ણાટકના માંડ્યાના નાગમંગલા શહેરમાં ભગવાન ગણેશની મૂર્તિની શોભાયાત્રા દરમિયાન હિંસા ફાટી નીકળી હતી. આ પછી પોલીસે ૪૬ લોકોની ધરપકડ કરી હતી. મામલો બુધવારે મોડી રાતનો છે. પોલીસે જણાવ્યું કે જ્યારે ભક્તો બદરીકોપ્પાલુ ગામમાંથી સરઘસ કાઢી રહ્યા હતા, ત્યારે બે જૂથો વચ્ચે દલીલ થઈ હતી અને કેટલાક બદમાશોએ પથ્થરમારો કર્યો હતો, જેના કારણે પરિસ્થીતિ વધુ ખરાબ થઈ હતી. તેમણે કહ્યું કે બે જૂથો વચ્ચે અથડામણ બાદ કેટલીક દુકાનોમાં તોડફોડ કરવામાં આવી હતી અને વાહનોને આગ ચાંપી દેવામાં આવી હતી. પોલીસે ભીડને વિખેરવા અને પરિસ્થીતિને કાબૂમાં લેવા હળવો બળપ્રયોગ કર્યો હતો. આ દરમિયાન બે પોલીસકર્મીઓ સહિત કેટલાક લોકો ઘાયલ થયા હતા.
દરમિયાન, માંડ્યાના ડેપ્યુટી કમિશનર ડા. કુમારે કહ્યું, ‘આ ઘટના સાંજે ગણેશ શોભાયાત્રા દરમિયાન બની હતી. જ્યારે જુલૂસ મસ્જીદ પાસે પહોંચ્યું ત્યારે કેટલાક બદમાશોએ પથ્થરમારો કર્યો. આ બાબત અમારા ધ્યાન પર આવી છે. બાદમાં વિરોધ પણ કરવામાં આવ્યો હતો. આઈજી, એસપી અને મેં ઘટનાસ્થળની મુલાકાત લીધી છે. અમે પરિસ્થીતિને કાબૂમાં લેવા માટે તમામ પગલાં લઈ રહ્યા છીએ. ૨-૩ દુકાનોને આગ ચાંપવામાં આવી હતી. સાવચેતીના પગલા તરીકે, કલમ ૧૪૪ સીપીસી ૧૪ સપ્ટેમ્બર સુધી અમલમાં રહેશે. અમે તેની તપાસ કરી રહ્યા છીએ. આગના કારણે પાવર ફેલ થયો છે. મેં ગુલબર્ગા ઇલેક્ટ્રિકસિટી સપ્લાય કંપની લિમિટેડ સાથે વાત કરી છે.
જા કે સ્થીતિ કાબુમાં આવી ગઈ છે. સ્થળ પર વધારાના સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે. આ વિસ્તારમાં ૧૪ સપ્ટેમ્બર સુધી ચારથી વધુ લોકોના એકઠા થવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, ગેરકાયદેસર રીતે ભેગા થવા, હત્યાનો પ્રયાસ, સરકારી કર્મચારીઓના કામમાં અવરોધ, જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડવા અને ભારતીય ન્યાય સંહિતાની અન્ય કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. સરઘસ કાઢી રહેલા યુવાનોના એક જૂથે પોલીસ સ્ટેશન નજીક વિરોધ કર્યો અને હિંસા માટે જવાબદાર લોકોની તાત્કાલિક ધરપકડ કરવાની માંગ કરી.
માંડ્યાના પોલીસ અધિક્ષક મલ્લીકાર્જુન બલદંડીએ જણાવ્યું કે અમે બુધવારની ઘટનાના સંબંધમાં ૪૬ લોકોની ધરપકડ કરી છે. સ્થીતિ હવે સામાન્ય થઈ ગઈ છે. લોકો તેમના રોજિંદા કામ કરી રહ્યા છે. દુકાનો ખુલ્લી છે. અમે કર્ણાટક સ્ટેટ રિઝર્વ પોલીસની વધારાની ફોર્સ તેમજ સાદા વ†ોમાં અન્ય પોલીસ અધિકારીઓને પણ તૈનાત કર્યા છે.
સાઉથ ડિવિઝનના આઈજીપી એમબી બોરલિંગૈયાએ કહ્યું કે તેમની પાસે અથડામણમાં વપરાયેલ છરી કે અન્ય હથિયારો અંગે કોઈ માહિતી નથી. તપાસ ચાલી રહી છે. અમે કારણ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. લોકોમાં કેમ ગુસ્સો આવ્યો કે કોના ઇશારે આવું થયું? આની ખાતરી કરવામાં આવી રહી છે. અમારા અધિકારીઓ ફરજ પર છે. અમે કેટલાક લોકોની અટકાયત કરી છે અને શોધખોળ ચાલુ છે. પ્રતિબંધના આદેશો ચાલુ રહેશે.