કર્ણાટકની શિક્ષણ પદ્ધતિમાં ભગવાકરણનો મામલો ફરીથી ગરમાયો છે. સરકારની નીતિના વિરોધમાં બે કન્નડ સાહિત્યકારો દેવનુરુ મહાદેવા અને મશહૂર લેખક ડા. જી. રામકૃષ્ણે માધ્યમિક તથા ઉચ્ચ વિદ્યાલયોનાં કન્નડ પાઠ્‌યપુસ્તકોમાં પોતાના લેખકને સામેલ કરવાની સહમતિને પરત લઇ લીધી છે.
ખાસ વાત એ છે કે આ મામલે ભાજપની અંદર જ વિરોધના સૂરો ઊઠ્‌યા છે. ભાજપ એમએલસી એએચ વિશ્વનાથે સમગ્ર શિક્ષણ પ્રણાલીનું ભગવાકરણ કરવાના સમર્થક અને ટેક્સબુક રિવ્યૂ કમિટીના ચેરમેન રોહિત ચક્રતીર્થ સહિત સમગ્ર કમિટીને ભંગ કરવાનો અનુરોધ કર્યો છે. ભાજપ એમએલસી વિશ્વનાથે સરકારને સમિતિ ભંગ કરવાનો આગ્રહ કરતા કહ્યું કે, શિક્ષણનું ભગવાકરણ બંધ કરવાની જરૂર છે. સમિતિમાં કોઇ શિક્ષણ નિષ્ણાત નથી. એક ધર્મ અથવા એક રાજકીય પક્ષની જરૂરિયાતો અનુસાર પાઠ્‌યપુસ્તકોમાં ફેરફાર યોગ્ય નથી.
વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે પ્રસિદ્વ લેખક બી. રામચંદ્રપ્પાના સ્થાને રોહિત ચક્રતીર્થને પાઠ્‌યપુસ્તક સમીક્ષા સમિતિના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરાયા. સમિતિ દ્વારા પ્રખ્યાત પત્રકાર/લેખક એ.એન. મૂર્તિ રાવ, સારા અબુબકર, એલ બસવરાજુના લેખનને હટાવવાનો નિર્ણય લીધા બાદ વિરોધ વધ્યો છે. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ મંત્રી બી.સી. નાગેશે સરકારનાં પગલાંનો બચાવ કરતા કહ્યું કે, સરકારે દલિત લેખક ડી. મહાદેવાના લેખનને યથાવત્ રાખ્યું છે.