રાજસ્થાનના ભીલવાડા જિલ્લામાં બે યુવકો પર હુમલા બાદ તંગદિલી ફેલાઈ ગઈ છે. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે ભીલવાડામાં ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. આ સાથે જ પોલીસે લોકોને શાંતિ જાળવવાની અપીલ સાથે ફ્લેગ માર્ચ પણ હાથ ધરી છે. વાસ્તવમાં બુધવારે રાત્રે સાંગાનેર વિસ્તારમાં બે યુવકો પર થયેલા હુમલાને કારણે તણાવ સર્જાયો હતો. હુમલાની સાથે હુમલાખોરોએ યુવકોની બાઇક પણ સળગાવી દીધી હતી. જેના કારણે સ્થિતિ વધુ તંગ બની હતી. તે જ સમયે, ઘાયલ યુવકોને સારવાર માટે શહેરની એમજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
તંગદિલી વચ્ચે પણ આ બાબતે પોલીસની તાત્કાલિક કાર્યવાહીથી સ્થિતિ કાબુમાં છે. હવે જિલ્લા પોલીસ શહેરમાં લગાવેલા સીસીટીવી કેમેરા દ્વારા આરોપીઓને ઓળખવાનો પ્રયાસ કરી રહી છે. આ સાથે પોલીસ પ્રશાસને પણ લોકોને શાંતિ જાળવવા અપીલ કરી છે. ભીલવાડાના એસપી સિટી આદર્શ સિદ્ધુએ કહ્યું, “સાંગાનેરના કરબલા રોડ પર બેઠેલા બે યુવકો આઝાદ અને સદ્દામ પર કેટલાક લોકોએ હુમલો કર્યો અને તેમની બાઇકને આગ લગાવી દીધી. આ
પછી પોલીસે ઘટનાસ્થળે પહોંચીને સ્થિતિને કાબૂમાં લેવાની કવાયત શરૂ કરી હતી.
ભીલવાડાના ઉપનગર સાંગાનેરને સંવેદનશીલ વિસ્તારોમાં ગણવામાં આવે છે અને આવી સ્થિતિમાં આ મામલો વધુ સંવેદનશીલ માનવામાં આવે છે, જ્યારે રાજ્યના કરૌલી, અલવર અને હવે જાધપુરમાં સાંપ્રદાયિક સૌહાર્દ આગની લપેટમાં આવી ગયું છે. કલેક્ટર આશિષ મોદીએ જણાવ્યું કે આ બે યુવકો સાથે મારપીટ અને બાઇક સળગાવવાના કિસ્સાઓ પાછળનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. બંને ઘાયલોની હાલત ખતરાની બહાર છે. પોલીસ ટીમ હુમલાખોરોને શોધી રહી છે.
અગાઉ જાધપુરમાં વાતાવરણ બગડતું જાવા મળ્યું હતું. રાજસ્થાનના જાધપુરમાં ઈદના દિવસે સાંપ્રદાયિક હિંસાને કારણે વાતાવરણ વણસી ગયું હતું. હિંસા રોકવા માટે જાધપુરમાં ૬ મે સુધી કર્ફ્‌યુ લગાવી દેવામાં આવ્યો છે. સાથે જ ઈન્ટરનેટ સેવાઓ પણ ઠપ થઈ જશે. વાસ્તવમાં, જલોરી ગેટ ચોકના બાલમુકંદ બિસ્સા સર્કલ પર ભગવા ધ્વજને હટાવવા અને તેની જગ્યાએ ઇસ્લામિક પ્રતીકો સાથેના ધ્વજ ફરકાવવાને લઈને બે સમુદાયો વચ્ચે અથડામણ શરૂ થઈ હતી. આ ઘટના બાદ મોડીરાત્રે બંને સમુદાયમાં ઉગ્ર પથ્થરમારો થયો હતો. આ હિંસામાં ઘણા લોકો ઘાયલ થયા છે. હવે પોલીસે આ કેસમાં ૧૪૧ લોકોની ધરપકડ કરી છે. આ પહેલા રાજસ્થાનના કરૌલીમાં રામ નવમીની શોભાયાત્રા દરમિયાન ભીષણ હિંસા થઈ હતી.