કરીના કપૂર બોલિવુડના તેવા સેલિબ્રિટીમાંથી એક છે જે દરેક તહેવારને ખૂબ જ ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવે છે, તે પછી દિવાળી હોય કે ઈદ. વધુમાં એક્ટ્રેસ તહેવારની ઉજવણીમાં પરિવારના સભ્યોને પણ સામેલ કરે છે. મંગળવારે આખા દેશમાં ઈદની ઉજવણી કરવામાં આવી, આ દિવસ કોઈએ પરિવાર સાથે મનાવ્યો તો કોઈએ મિત્રો સાથે. કરીના કપૂરે ઈદની ઉજવણી પતિ સૈફ અલી ખાન, બંને દીકરા- તૈમૂર અને જેહ, મોટી નણંદ સબા અલી ખાન, નાની નણંદ સોહા અલી ખાન, નણંદોઈ કુણાલ ખેમૂ અને ભાણેજ ઈનાયા સાથે મનાવી હતી. સોશિયલ મીડિયા પર તમામે ઈદની ઉજવણીની ઝલક દેખાડતી તસવીર શેર કરી છે. કરીનાએ જે તસવીર શેર કરી છે, તેમાં તેણે પર્ફેક્ટ ફેમિલી ફોટો આવે તે માટે પ્રયાસ કર્યો છે, પરંતુ તેમ થઈ શક્યું નથી. તસવીરમાં જોઈ શકાય છે કે, માત્ર સૈફનું ધ્યાન જ કેમેરા સામે છે. તૈમૂર રડી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે તો નાનકડા જેહની આંગળી મોંમા છે અને તેનું ધ્યાન મોટોભાઈ શું કરી રહ્યો છે તે તરફ છે. ઈનાયા તેની મસ્તીમાં મગ્ન છે. તો કરીના, સોહા અને સબાનું ધ્યાન વિપરીત દિશામાં છે જ્યારે કુણાલ છત પર જોઈ રહ્યો છે. તસવીર પર્ફેક્ટ નથી તેમ છતાં સુંદર છે. કેપ્શનમાં લખ્યું છે ‘તે પરિવારથી ઈદ મુબારક જે હંમેશા પર્ફેક્ટ તસવીર ક્લિકક કરાવવાનો પ્રયાસ કરે છે…પરંતુ તેમ ક્યારેય થતું નથી’. ઈદના દિવસે કરીના કપૂરે પેસ્ટલ કલરનો સિમ્પલ ડ્રેસ પહેર્યો હતો. મિનિમલ મેકઅપ અને ખુલ્લા વાળમાં તે સુંદર લાગતી હતી. સૈફ હંમેશાની જેમ વ્હાઈટ કૂર્તા-પાયજોમામાં હેન્ડમ લાગતો હતો. તૈમૂરે પણ કૂર્તો પહેર્યો હતો. જેહે પપ્પા સાથે ટિવનિંગ કરતાં વ્હાઈટ પ્રિન્ટેડ કૂર્તો અને લેંઘો પહેર્યો હતો. જેમાં તે ક્યૂટ લાગતો હતો. આ સિવાય સોહા, કુણાલ અને ઈનાયા લાઈટ ગ્રીન આઉટફિટ પહેરીને આવ્યા હતા. જણાવી દઈએ કે, ઈદની ઉજવણી કરીના-સૈફના ઘરે થઈ હતી. સોહા અલી ખાને પણ ફેમિલી ફોટો શેર કર્યો છે. જેમાં કરીના-સૈફ સહિતના તમામ કેમેરા સામે જોઈને સ્માઈલ આપી રહ્યા છે. જ્યારે તૈમૂર લોલીપોપ ખાવામાં વ્યસ્ત છે, તો જેહ તૈમૂરની લોલીપોપ સામે એકીટશે જોઈ રહ્યો છે. આ સાથે સોહાએ લખ્યું છે ‘પરિવાર મહત્વનો છે’.