કરજ હેઠળ ડૂબેલી અનિલ અંબાણીની કંપની રિલાયન્સ નેવલ એન્ડ એન્જિનિયરિંગ લિમિટેડનું નામ હવે મુંબઈના ઉદ્યોગપતિ નિખિલ વી મર્ચન્ટના નામ પર રાખવામાં આવશે. રિલાયન્સની હરાજીની પ્રક્રિયામાં આ ઉદ્યોગપતિઓએ સૌથી મોટી બોલી લગાવી અને રેસમાં ટોચ પર રહ્યા હતા.એનએનઇએલ મુખ્યત્વે પીપાવાવ શિપયાર્ડ તરીકે ઓળખાય છે. સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ નિખિલ મર્ચન્ટ અને તેના ભાગીદારો દ્વારા સંચાલિત કન્સોર્ટિયમ હેજલ મર્કેન્ટાઇલ પ્રાઇવેટ લિમિટેડે ત્રીજો રાઉન્ડ દરમિયાન સૌથી મોટી બોલી લગાવી હતી, જે બાકીના કરતા ઘણી વધારે હતી.
કમિટિ ઓફ ક્રેડિટર્સે ગયા મહિને હરાજી પ્રક્રિયામાં ભાગ લેતી કંપનીઓ સાથે ચર્ચા-વિચારણા કરી હતી અને ઊંચા પ્રસ્તાવો અંગે માંગ કરી હતી, જે પછી હેઝલ મર્કેન્ટાઇલે શિપયાર્ડ માટેની તેની બોલી સુધારીને ૨૭૦૦ કરોડ રૂપિયા કરી દીધી, જે અગાઉ ૨,૪૦૦ કરોડ રૂપિયાની હતી. આઈડીબીઆઈ બેંક રિલાયન્સ નેવલની લીડ બેંકર છે. શિપયાર્ડને ગયા વર્ષે જોન્યુઆરીમાં નેશનલ કંપની લો ટ્રિબ્યુનલમાં લઈ જવામાં આવ્યું હતું જેથી કરજની રકમ વસૂલી શકાય. રિલાયન્સ નેવલ એન્ડ એન્જિનિયરિંગ પર લગભગ ૧૨,૪૨૯ કરોડ રૂપિયાનું દેવું છે. એનએનઇએલના દસ મોટા દેવાદારોમાં ભારતીય સ્ટેટ બેન્કના ૧૯૬૫ કરોડ રૂપિયા બાકી છે જ્યારે યુનિયન બેંક ઓફ ઈન્ડિયા પર આશરે ૧,૫૫૫ કરોડ રૂપિયાનું દેવું બાકી છે.
વાસ્તવમાં ભૂતકાળમાં અનિલ અંબાણીની કંપની માટે ત્રણ બિડ મળી હતી, જેમાંથી એક દુબઈ સ્થિતત એનઆરઆઈ સંચાલિત કંપની હતી, જેણે ૧૦૦ કરોડ રૂપિયાની બોલી લગાવી હતી જ્યારે ઉદ્યોગપતિ નવીન જિંદાલની કંપનીએ ૪૦૦ કરોડની બીજી બોલી લગાવી હતી. અહીં નોંધપાત્ર બાબત એ છે કે, એનએનઇએલનુ પહેલું નામ રિલાયન્સ ડિફેન્સ એન્ડ એન્જિનિયરિંગ લિમિટેડ હતું. અનિલ અંબાણીના રિલાયન્સ ગ્રુપે વર્ષ ૨૦૧૫માં પીપાવાવ ડિફેન્સ અને ઓફશોર એન્જિનિયરિંગ લિમિટેડને કંપની હસ્તગત કરી હતી. ત્યારબાદ તેનું નામ બદલીને રિલાયન્સ નેવલ એન્ડ એન્જિનિયરિંગ લિમિટેડ રાખવામાં આવ્યું હતું.